જયંતી ભાનુશાળી હત્યા કેસ: મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ થયો હાજર

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુંશાળી હત્યાકાંડમાં મોડી રાત્રે વિદેશથી પરત અમદાવાદ આવ્યા બાદ મુખ્ય સુત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે.

જયંતી ભાનુશાળી હત્યા કેસ: મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ થયો હાજર

અમદાવાદ: ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુંશાળી હત્યાકાંડમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયો છે. જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં છબીલ પટેલ પર હત્યાનું કાવતરૂ ઘડવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદથી તે વિદેશ ભાગી ગયો હતો. જોકે મોડી રાત્રે તે વિદેશથી પરત અમદાવાદ ફર્યો અને તે પોલીસ સમક્ષ હાજર થયો.

ઉલ્લેખનીયછે કે, આ અગાઉ સીઆઈડી ક્રાઈમ દ્વારા એક પત્રકાર પરિષદમાં હત્યાના કાવતરાખોરોના નામ જાહેર કરાયા હતા. જેમાં જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું કચ્છ ભાજપના જ એક અન્ય નેતા છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની કથિત પ્રેમીકા મનીષા ગોસ્વામીએ ઘડી હોવાનું જાહેર કરાયું હતું. જોકે, ભાનુશાળીની હત્યામાં એક અન્ય નામ સુરજીત ભાઉનું પણ બહાર આવ્યું હતું, પરંતુ આ સુરજીત ભાઉ કોણ છે અને ક્યાં રહે છે તેના અંગે પોલીસે કોઇ જાણકારી આપી ન હતી. જોકે પોલીસે ભાનુશાળીની હત્યાના કાવતરાખોરો, હત્યા કેવી રીતે થઈ અને હત્યારાના નામ જાહેર કર્યા હતા.

ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સાથે તસવીરમાં દેખાતા આ શખ્સો કોણ છે?

ત્યારબાદ છબીલ પટેલ અને અન્ય ત્રણ વ્યક્તિઓની એક તસવીર સામે આવી હતી. જેમાં છબીલ પટેલની સાથે ફોટામાં ત્રણ વ્યક્તિ બેઠા છે. છબીલ પટેલની ડાબી બાજુએ બેસેલો બ્લ્યૂ શર્ટ પહેરેલો દાઢીવાળો શખ્સ સુરજીત ભાઉ હોવાની માહિતી મળી હતી. પરંતુ અન્ય બે શખ્સો કોણ છે અને આ ફોટો કયા સ્થળનો છે તેની માહિતી મળી ન હતી. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે, આ બંને આરોપીઓ શાર્પશૂટર શશીકાંત કાંમ્બલે અને અશરફ શેખને આશરો આપ્યો હતો. તો શું છબીલ પટેલની આ તસવીરમાં બેસેલા અન્ય બે શખ્સો રાહુલ પટેલ અને નીતિન પટેલ છે કે પછી શાર્પશૂટર શસીકાંત કાંમ્બ્લે અને અશરફ શેખ છે?

પોલીસે ઝડપી લીધેલા નિતીન અને રાહુલ રિમાન્ડ દરમિયાન ચોકવનારી કબૂલાતો સામે આવી છે. આ ઉપરાંત આ હત્યાકાંડમાં અન્ય પાંચ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. સાથે જ આ હત્યા કાંડને પાર પાડવા 5 કરોડની સોપારી ચૂકવવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ બંન્ને શખ્સોની કબૂલાતના આધારે પોલીસ તપાસને આગળ વધારી છે, જેના કારણે આગામી દિવસોમાં નવા વળાંકો આવી શકે એવા એંધાણ દેખાય રહ્યાં છે. પોલીસે છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં કામ કરતા નિતીન અને રાહુલને ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને શખ્સોએ જયંતી ભાનુશાળીને મારી નાખનાર શાર્પ શૂટરને ઓળખી બતાવ્યા છે. 

પોલીસે આ બનાવના 16માં દિવસે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના ઈશારે સુરજીતભાઉના શાર્પ શૂટરે ભાનુશાળીને મોતને ઘાટ ઉતારી દીધાનું જાહેર કર્યું હતું. દરમિયાન પોલીસે રાહુલ અને નિતીનના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં આ બંને શખ્સોએ ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, ભાનુશાળી હત્યા કેસમાં ભાનુશાળીના નજીકના એક વ્યક્તિ ની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે જેને લઇને પોલીસ વધુ તપાસ પણ કરી રહી છે. તો આ કેસમાં વધુ અન્ય પાંચ શખ્સોની સંડોવણી હોવાની વિગત સામે આવી છે. જેના પગલે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં નવી ધરપકડ થાય તો પણ નવાઈની વાત નથી.

જયંતી ભાનુશાળી હત્યાકાંડનું કાવતરું રેલડી ગામે આવેલા છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં ઘડાયું હતું. પોલીસે કેસને મજબૂત કરવા માટે નારાયણી ફાર્મ હાઉસમાં કામ કરતા ત્રણ માણસોના જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ 164 હેઠળ નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસે આ શખ્સોની પણ પૂછપરછ કરી છે. જેમાં પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે આ અંગે પોલીસે કહેવાનું ટાળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news