અમદાવાદ: રેલ્વે સ્ટેશન કરાયું છે બંધ, આટલી ટ્રેનનું સંચાલન ખોરવાયું, જાણો તમને કેટલી અસર પડશે
અમદાવાદ રેલ્વે સ્ટેશનને હેરિટેજ લુક આપવાનો હોવાના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે અનેત ટ્રેનનાં ટાઇમિંગ ખોરવાય તેવી શક્યતા
Trending Photos
અમદાવાદ : 2 જાન્યુઆરીથી ટ્રેનમાં ક્યાંય પણ જવું હોય તો આ વાંચીને જજો, નહીં તો પસ્તાશો. અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ નું નવિનીકરણ કરવાનું હોવાથી આગામી તા.૨ જાન્યુઆરીથી સળંગ ૫૦ દિવસ માટે પ્લેટફોર્મ નંબર એક બંધ રખાશે. જેને લઇને આ પ્લેટફોર્મ પરથી પસાર થતી ૪૬ જેટલી ટ્રેનોનું સંચાલન અન્ય પ્લેટફોર્મ પરથી કરવાનું થતા આશરે ૧૦૪ ટ્રેનોના સંચાલન પર તેની અસર થશે. જેમાં કેટલીક ટ્રેનો મોડી પડવાની શક્યતા છે. તો બીજી તરફ ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી અને વટવા સુધી જ ચલાવાશે. જેને લઇને મુસાફરોને થોડાક સમય સુધી હાલાકી ભોગવવી પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રેલવે સ્ટેશનને હેરીટેજ લુક આપવાનો છે. તે દિશામાં હાલ મોટાપાયે કામગીરી ચાલી રહી છે. સ્ટેશનના માળખાને યથાવત રાખીને ઇમારતની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં વર્ષો જુના સિમેન્ટના પ્લાસ્ટરને તોડી પાડવું, પ્લેટફોર્મ પર ગ્રેનાઇડ લગાવવા, ટોઇલેટ તોડી પાડીને નવું બનાવવા સહિતની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવનાર છે. પ્લેટફોર્મ નંબર ૧ પર ગ્રેનાઇડ લગાવવાનું કામ હાથ ધરાશે. જેને લઇને તેને સતત ૫૦ દિવસ માટે મુસાફરોની અવર-જવર માટે બંધ રાખવાનો નિર્ણય રેલવેતંત્ર દ્વારા લેવાયો છે.
આ અંગે જણાવતા અમદાવાદ વિભાગના રેલવે મેનેજર દિનેશકુમારે કહ્યું કે, '' આ કામગીરીને કારણે ટ્રેનોના સંચાલન પર અસર થશે. વડોદરાથી આવતી ડેમુ ટ્રેનોને વટવા સુધી જ ચલાવાશે. અને મહેસાણા તરફથી આવતી ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી સુધી ચલાવાશે. પ્લેટફોર્મ નંબર ૧ પરથી ૪૬ ટ્રેનો પસાર થાય છે. જેમાંથી ૨૩ ટ્રેનો દૈનિક છે. આ ટ્રેનોને હવે અન્ય પ્લેટફોર્મ પરથી દોડાવાશે. કુલ ૧૨ પ્લેટફોર્મ માંથી પ્લેટફોર્મ નં.૧૧ અને ૧૨ મેટ્રોના કામને લીધે બંધ પડયા છે. જેથી હવે બાકીના ૯ પ્લેટફોર્મ પર ભારણ વધશે. મુસાફરોને ઓછી હેરાનગતી થાય તે માટેના શક્ય તમામ પ્રયાસો કરાશે. આ સ્થિતિમાં મુસાફરોએ સહકાર આપવાની અપીલ રેલવેતંત્ર દ્વારા કરાઇ છે.
મુસાફરોએ સહકાર આપવા રેલવેતંત્ર દ્વારા અપીલ કરાઇ. મહેસાણા અને વડોદરા તરફથી આવતી ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી અને વટવા સુધી દોડાવાશે. જેને લઇને થોડા દિવસો માટે આ ટ્રેનોના મુસાફરોએ ત્યાંથી જ ટ્રેન પકડવા અને ઉતરવાની ફરજ પડશે.આ ટ્રેનોમાં નોકરીયાતો, વિદ્યાર્થીઓ, છૂટક મજૂરી કરનારાઓ, નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટાભાગે અવર-જવર કરતા હોય છે. દૈનિક અપડાઉન કરતા આવા મુસાફરોએ આ દિવસો દરમિયાન રેલવેતંત્રને સહકાર આપવાની અપીલ પણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
આગામી વર્ષથી રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નં.1 પરથી દોડાવાશે
રાજધાની ટ્રેનને આગામી વર્ષે પ્લેટફોર્મ નંબર એક પરથી દોડાવાનું નક્કી કરાયું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરો પણ સરળતાથી ચાલી શકે તે માટેના ગાઇડીંગ ટાઇલ્સ લગાવાશે. જીઆરસીની ઝાળીઓ લગાવાશે. પ્લેટફોર્મ નંબર ૧ પાસે પતરાની દિવાલો હટાવીને મણિનગર તરફ પાકી આરસીસીની દિવાલ બનાવવાનું પણ કામ હાથ ધરાશે.
બીઆરટીએસ બસોને હવે રેલવે પરિસરની બહાર દોડાવવા માટે રેલવેની બાઉન્ડ્રી વોલ અને મુખ્ય રોડ વચ્ચે સ્ટેશન બનાવાશે. જેને લીધે રેલવે પરિસરમાં થતા ટ્રાફિક જામને નાથી શકાશે. પ્લેટફોર્મ નંબર ૯ નું વિધૃતિકરણ કરી દેવાયું છે. પ્લેટફોર્મ નં.૧નું કામ પત્યા પછી પ્લેટફોર્મ નંબર ૮ પરનું કામ હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે