અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાની તડામાર તૈયારીઓ, લાખો યાત્રાળુઓ આવવાની શક્યતા, જાણો દર્શનનો સમય
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB),શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Trending Photos
અંબાજીઃ ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે.
અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે કે જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ. સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે.
ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી સુદ-૧૫ (પુનમ) સુધી દર્શન તથા આરતીનો સમય
આરતી સવારે- ૦૬.૦૦ થી ૦૬.૩૦ કલાકે
દર્શન સવારે- ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાકે
રાજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાકે
આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે
દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૪.૦૦ કલાક સુધી
યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું, “યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા એ અમારો ઉદ્દેશ છે.” તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ 2023ના અંબાજી ભાદરવી પૂનમના મેળામાં યાત્રાળુઓની સુવિધાઓ તથા વ્યવસ્થાઓ માટે સરકાર દ્વારા જરૂરી નાણાકીય ફાળવણી કરવામાં આવનાર છે.
આ વર્ષે યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો
રાવલે અંબાજી મેળા અંગે કરાઈ રહેલી સુવિધાઓ તથા વ્યવસ્થાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવી રહ્યો છે કે જેથી કોઈ પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે.
તેમણે જણાવ્યું કે આ વર્ષે તમામ વિભાગોની તમામ કામગીરીને એકસૂત્રતામાં જાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ ગત વર્ષના આયોજનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ વર્ષે કઈ-કઈ સુવિધાઓમાં કરાયો વધારો ?
અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ગત વર્ષે 4000 ચો.મી વિસ્તારમાં વૉટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વધારો કરીને આ વર્ષે 9000 ચો.મી વિસ્તારને સાંકળી આયોજન કરવામાં આવેલ છે. તેના કારણે વધુ યાત્રાળુઓ આરામ કરી શકશે. ચાર અલગ-અલગ સ્થળોએ બનનાર આ 4 વૉટરપ્રૂફ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હડાદ અને દાંતા, આ બન્ને માર્ગો પર શૌચાલય અને બાથરૂમની વ્યવથા કરવામાં આવી રહી છે, જેમાં યાત્રાળુઓની સુવિધા માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ હશે. શૌચાલયની સંખ્યા ગત વર્ષે 18 હતી, જેને વધારીને આ વર્ષે 29 કરવામાં આવી છે. આ તમામ શૌચાલયો કન્ટેનર ટાઇપ અદ્યતન સ્પેસિફિકેશન સાથેના હશે.
ચુસ્ત સલામતી તથા પાર્કિંગ વ્યવસ્થા
મેળા દરમ્યાન યાત્રાળુઓની સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો ઘટાડવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ પેગોડા સાથે વ્યાપક 2,00,000 ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.
અંબાજીના બંને માર્ગો પર આશ્રય સ્થાનોની સુવિધા, પીવાના પાણીની સુવિધાને સુવ્યવસ્થિત પેવર બ્લૉક ફ્લોરિંગ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. મેળામાં હોર્ડિંગ્સ, સાઇનેજ અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક સમાન થીમ આધારિત ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 1500 ચો.મીનાં બદલે આ વર્ષે 4500 ચો.મી સુધી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવશે.
દિવ્ય-અદ્ભુત લાઇટિંગથી ઝળહળી ઉઠશે અંબાજી પરિસર
ગબ્બર રૂટ, અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ ડિઝાઇનમાં સુધારો કરી આ વર્ષે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ કરવામાં આવશે, જેથી યાત્રાળુઓ તમામ સ્થળો પર માતાજીની ઝાંખી જોઈ શકશે. આ ઉપરાંત, પ્રચાર-પ્રસાર રૂપે ગુણવત્તાયુક્ત ફ્લૅગ પોલ્સની સંખ્યા 100થી વધારીને 300 કરવામાં આવી છે, તેમજ ફૂલ-છોડની સંખ્યા પણ 250થી વધારીને 2000 કરવામાં આવી. વિવિધ ક્રાફ્ટ સ્ટોલમાં આ વર્ષે એક સમાનતા લાવી એક જ ડિઝાઈન પૅટર્ન પર વૉટરપ્રૂફ બનાવવામાં આવશે. પ્રસાદ વિતરણ કેન્દ્રો પણ સામાન્યને બદલે અદ્યતન બનાવવામાં આવશે. એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવશે, જેને સ્કૅન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે. યાત્રિકો માટે વિવિધ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવનાર છે.
ઉચ્ચ કક્ષાની સફાઈ વ્યવસ્થા
અંબાજી ખાતે ઉચ્ચકક્ષાની સ્વચ્છતાની કામગીરી, 750 વધુ સફાઈ કામદારો જોડાશે. હાલમાં ગબ્બર પર્વતની સફાઈની કામગીરી કરવા માટેની ખાસ ઝુંબેશ શરુ કરી દેવામાં આવેલ છે.
અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મોબાઇલ ટૉયલેટ, બાથરૂમ તથા યૂરીનલની સુવિધા કરવામાં આવી રહી છે. ગાંધીનગરથી અંબાજી, જુદા-જુદા રૂટ પર ચોક્કસ અંતરે ટેમ્પરરી ટૉયલેટ બ્લૉક, બાથરૂમ, ગરમ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે.
અંબાજી યાત્રાધામ ખાતે કુલ 195256 ચોરસ મીટર વિસ્તારમાં ઉચ્ચકક્ષાની સ્વચ્છતાની કામગીરી સ્વચ્છતા/સફાઈની કામગીરી કરવામાં આવી છે. માત્ર જ મંદિર નહી, પરંતુ મંદિરની આજુબાજુના વિસ્તાર, ગબ્બર, 51 શકિતપીઠ તથા યાત્રાળુઓ/શ્રદ્ધાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે