ખેતરમાં સોલર ફેન્સીંગની આ યોજનાથી ખુલી જશે ગુજરાતના ખેડૂતોનું કિસ્મત, જેટલું મોટું ખેતર એટલી મોટી કમાણી

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ. ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટની ખરીદી માટે સહાયની યોજનાનો વર્ષે 33,000 ખેડૂતોને લાભ મળશે. સોલાર પાવર કીટની ખરીદીમાં સહાય આપતી આ યોજનાના બજેટમાં અઢી ગણો વધારો કરી ચાલુ વર્ષે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરાઈ: કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખેતરમાં સોલર ફેન્સીંગની આ યોજનાથી ખુલી જશે ગુજરાતના ખેડૂતોનું કિસ્મત, જેટલું મોટું ખેતર એટલી મોટી કમાણી

ઝી બ્યુરો/ગાંધીનગર: ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ રહી છે. 

રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વન્ય અને રખડતા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ૧૮ વર્ષથી અમલમાં છે. પરંતુ રક્ષિત વાડ માટે વ્યક્તિગત ધોરણે કામગીરી કરવી હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ 2022-23માં વૈકલ્પિક યોજના સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના રૂ. 20 કરોડની જોગવાઈ સાથે અમલમાં મૂકવામાં આવી હતી. ચાલુ વર્ષે આ યોજના માટે બજેટમાં રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજનાના બજેટમાં અઢી ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં 13 હજાર ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33 હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં રૂ. 350 કરોડ અને સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટની ખરીદીમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, ખેડૂતોના પાકને રક્ષણ આપવા માટે કુલ રૂ. 400 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news