બિરયાની આરોગ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર થયા ફૂડ પોઈઝનિંગના શિકાર
Gujarat Elections 2022 : ચૂંટણી પ્રચાર વચ્ચે જ કોંગ્રેસના વાગરા બેઠકના ઉમેદવાર થયા ફૂડ પોઈઝનિંગના શિકાર, જુઓ રિપોર્ટ
Trending Photos
Gujarat Election 2022 ભરત ચૂડાસમા/ભરૂચ : હાલ દરેક પક્ષ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ઉમેદવારો માટે હાલ જેટલા દોડાય તેટલુ ઓછું. ત્યારે ભરૂચની વાગરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારના માથે મોટી ઉપાધિ આવી છે. વાગરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ ફૂડ પોઇઝનિંગના શિકાર બન્યા છે. એક કાર્યક્રમમાં તેઓએ બિરયાની આરોગ્યા બાદ અનેક લોકો સાથે સુલેમાન પટેલ પણ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાગરા તાલુકાના ચાંચવેલ ગામે નિયાઝનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં બિરયાની આરોગ્યા બાદ 50 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેથી તમામ લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે આ કાર્યક્રમમાં વાગરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ ફૂડ પોઇઝનિંગના શિકાર બન્યા હતા. જેઓને પણ સારવારની જરૂર પડી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. જોકે, બીજી તરફ, ભાજપની યાદીમાં એકપણ મુસ્લિમ ચહેરો નથી. કોંગ્રેસે અબડાસા, વાંકાનેર, વાગરા અને સુરત પૂર્વમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. અબડાસામાં મમદભાઈ જુંગ, વાંકાનેરમાં ધારાસભ્ય મોહમ્મ્દ જાવેદ પીરઝાદા, વાગરાથી સુલેમાન પટેલ અને સુરત પૂર્વથી અસલમ સાયકલવાલાને મેદાન ઉતાર્યા છે.
ગત ચૂંટણીમાં ઓછા માર્જિનથી હાર્યા હતા
વાગરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે પોતાની ઉમેદવારી જાહેર થતા જ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સુલેમાન પટેલ વાગરા વિધાનસભા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારમાં નીકળી રહ્યાં છે. 2017 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે સુલેમાન પટેલ ખૂબ જ ઓછા માર્જિનથી આ બેઠક હાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે