ભાજપના આ દિગ્ગજોને ચૂંટણી લડવા પરસેવો કેમ છૂટે છે, બદલાઈ ગયા છે સમીકરણો

Gujarat Election 2022: ભાજપના કયા કયા દિગ્ગજ ઉમેદવારો બળવાખોરોની કારણે ચૂંટણી ટાંણે મુશ્કેલીમા મૂકાયા છે, જુઓ રિપોર્ટ
 

ભાજપના આ દિગ્ગજોને ચૂંટણી લડવા પરસેવો કેમ છૂટે છે, બદલાઈ ગયા છે સમીકરણો

Gujarat Election 2022: દરેક વખતે ચૂંટણીની ફાળવણી પછી દરેક રાજકીય પક્ષોમાં વાદ વિવાદ અને અસંતોષ અવશ્ય ઉભા થતા હોય છે. પરંતુ આ વખતે ભાજપમાં અસંતોષની માત્રા અને તીવ્રતા બંને વધુ પ્રમાણમાં જોવા મળે છે. હાલના તબક્કે ગુજરાત વિધાનસભાની ઓછામાં ઓછી 45 બેઠકો પર જાહેર થયેલા ભાજપના ઉમેદવારો સામે ભારે અસંતોષ પ્રવર્તે છે. જેની લીધે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાને પણ પોતાની ઈમેજ બચાવવા પરસેવો ઉતરશે તેવુ લાગી રહ્યું છે. ઉમેદવારોની જાહેરાત બાદ સર્જાયેલી સ્થિતિને સંભાળવા ખુદ અમિત શાહ કમલમમાં બેઠકમાં જોડાયા છે. વાઘોડિયા, કરજણ, પાદરા, વિજાપુર અને ચોર્યાસી બેઠક પર ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બેઠક બાદ જ બાકી રહેલા બીજા તબક્કાના 16 ઉમેદવારની જાહેરાત થશે. ત્યારે હાલ બેઠકોની જાહેરાત થયા બાદ કયા કયા દિગ્ગજો બળવાખોરોની કારણે મુશ્કેલીમા મૂકાયા છે તે જોઈએ.

જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમની બેઠક પરથી સતત બે ટર્મથી જીતેલા કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ત્રીજીવાર આ બેઠક પર ઉમેદવારી કરી રહ્યાં છે. આશરે 45 થી 50 હજાર જેટલા ક્ષત્રિય મતદારો ધરાવતી આ બેઠક ક્ષશ્રત્રિય ઉમેદવારને ફાળવવામાં આવે તે માટે સ્થાનિક સ્તરે તીવ્ર લાગણી હતી. છતા જિલ્લાની એકપણ બેઠક ભાજપે ક્ષત્રિય સમાજને ન ફાળવીને તેમની લાગણીની અવગણના કરી હોવાનું ચિત્ર ઉપસે છે. તેને લીધે સ્થાનિક ક્ષત્રિય મતદારોમાં ભારે નારાજગી જોવા મળે છે. જીતુભાઈની બેઠક પરક્ષત્રિય પછી બીજા ક્રમે કોળી મતદારો છે, જે 40 થી 45 હજાર છે. આ બેઠક પર આપના ઉમેદવાર તરીકે રાજુ સોલંકી લડી રહ્યાં છે. જે કોળી સમાજ પર મોટો પ્રભાવ ધરાવે છે. કોંગ્રેસ આ બેઠક પર ક્ષત્રિય સમાજના લોકપ્રિય નેતા કેકે ગોહિલને ઉતાર્યા છે. આ સંજોગોમાં જીતુભાઈની હાલત મુશ્કેલ બની હોવાનું જણાય છે.

હાર્દિક પટેલ
ભાજપમા ખિસકોલી તરીકે જોડાવાની મહેચ્છા વ્યકત કર્યા પછી તેમના માટે આકરા ચઢાણ શરૂ થયા છે. 2017 ની ચૂંટણીમાં ભાજપના વિરોધમાં ગુજરાત ગજાવનાર હાર્દિક હાલ પોતાના મત વિસ્તારમાં એક નાનકડી સભા કરવાના પણ ફાંફા છે. સ્થાનિક કાર્યકરો તરફથી કોઈ પણ સહયોગ મળતો નથી. તેમજ મતદારોમાં પણ એ નારાજગી સ્પષ્ટ જણાય છે. પક્ષાંતર કરવાનું હાર્દિક પટેલને સૌથી વધુ અહિત કનડી રહ્યું છે. જે ધાર્મિક નેતાની મધ્યસ્થી સાથે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા, તે ધાર્મિક સંતને પણ આ વિશે દરમિયાનગીરી કરવા અને ભાજપનો સહકાર મળે તેવા પ્રયાસો કરવાનુ કહ્યું હોવાનુ જાણવા મળ્યું છે. 

અલ્પેશ ઠાકોર
2017 ના એવા જ બીજા આંદોલનકારી અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પર જીત્યા, ભાજપમાં જોડાયા, અને પેટાચૂંટણીમાં ભૂંડે હાલ હાર્યા. લીલી શાહીથી સહી કરવાની બડાશો હાંક્યા પછી સ્થાનિક ભાજપમાં તેમનો વિરોધ હજી પણ શમતો નથી. રાધનપુર બેઠક પર તેમની ઉમેદવારીનો ભારે વિરોધ થતા આખરે તેમને ગાંધીનગર દક્ષિણની બેઠક ફાળવાઈ છે. પરંતુ આ બેઠક પર પણ સ્થાનિક ભાજપ સંગઠન અલ્પેશ ઠાકોરને સ્વીકારવા તૈયાર નથી. જેથી અલ્પેશની મૂંઝવણ એ છે કે ઠાકોર સેનાના તેમની પાસે સંખ્યાબંધ કાર્યકર્તાઓ તો છે, પરંતુ ભૌગોલિક રીતે આ મત વિસ્તાર તેમના માટે પણ અજાણ્યો છે. તેથી અલ્પેશ ઠાકોર પણ હાલ કપરી પરિસ્થિતિમાં છે. 

કુમાર કાનાણી
સુરનતી વરાછા બેઠક પર કાનાનીની ટિકિટ કપાવાનું લગભગ નિશ્ચિત મનાતું હતુ. પરંતુ કોઈ પણ પ્રકારે તઓ ટિકિટ મેળવવામાં સફળ થયા છે. જોકે, ખરી મુશ્કેલી તેમના માટે હવે શરૂ થઈ રહી છે. સ્થાનિક ભાજપ સંગઠન તેમના માટે મોકળાશથી કામ કરે તેવી શક્યતા જણાવી નથી. વરાછાના મોટાગજાના નેતા મુકેશ કોઠિયા કાનાનીને આયાતી ઉમેદવાર ગણાવતુ નિવેદન આપી ચૂક્યા છે. તેમને વરાછામાં આપના અલ્પેશ કથીરિયા જેવા ઉમેદવારનો સામનો કરવાનો છે, ત્યારે ભાજપ સંગઠન જો સહકાર ન આપે તો કાનાની માટે આ ચૂંટણી માટે જીતવી અત્યંત મુશ્કેલ બની જવાની છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news