નકલી માર્કશીટ અને સર્ટિ જોઈએ છે? ગુજરાતના આ શહેરમાં ફરી ઝડપાયું મોટું કૌભાંડ
આણંદ શહેરમાં વેન્ડોર ચોકડી પાસે આવેલી શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં શીવ ઓવરસીઝમાં એસઓજી પોલીસે છાપો મારી અંકિતકુમાર ગોપાલભાઈ પટેલ રહે, નવી અરડી. તા. ઉમરેઠ બે મોબાઇલો તેમજ લેપટોપ સાથે મળી આવ્યો હતો.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં અલગ -અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતાં બે આરોપીઓને બે મોબાઇલ ફોન તથા લેપટોપ મળી કુલે રૂપિયા 65 હજારના મુદામાલ તેમજ માર્કશીટ અને સર્ટીઓ મળી કુલે નંગ 10 સાથે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરમાં વેન્ડોર ચોકડી પાસે આવેલી શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં શીવ ઓવરસીઝમાં એસઓજી પોલીસે છાપો મારી અંકિતકુમાર ગોપાલભાઈ પટેલ રહે, નવી અરડી. તા. ઉમરેઠ બે મોબાઇલો તેમજ લેપટોપ સાથે મળી આવ્યો હતો. બાદમાં પોલીસે તપાસ કરતાં જુદા -જુદા રાજ્યની અલગ- અલગ શૈક્ષણિક સંસ્થાઓના સર્ટીફીકેટ તેમજ માર્કશીટોની ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટ કોપીઓ મળી આવી હતી.
પોલીસે માર્કશીટો અને સર્ટીફીકેટ બાબતે અંકીત પટેલ પુછપરછ કરતાં આ તમામ અલગ -અલગ સરકારી શૈક્ષણિક સર્ટીફીકેટો તેમજ માર્કશીટો બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી. પોલીસે બન્ને મોબાઇલ તથા લેપટોપ મળી કુલે રૂપિયા ૬૫ હજાર નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી મળી આવેલ માર્કશીટ તથા સર્ટીઓ ખરાઇ અંગે આણંદ શહેર પોલીસ મથકે જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી.
શીવ ઓવરસીઝમાં મળી આવેલ માર્કશીટ તેમજ સર્ટીઓ અંગે એસઓજી પોલીસે ઉત્તરાખંડ, હેમવતી નંન્દન બહુગુળા ગઢવાલ યુનીવર્સીટીની ખરાઇ કરાવવા મોકલી આપવામાં આવી હતી. તપાસ બાદ માર્કશીટ સર્ટીઓ બનાવટી હોવાનો અહેવાલ મળતા પોલીસે શીવ ઓવરસીઝનાં અંકીતકુમાર ગોપાલભાઇ પટેલ રહે. પટેલ ખડકી, નવી અરડી, તા.ઉમરેઠ, ધવલ મોહનભાઇ પટેલ મુળ રહે. ચુણેલ, રાજ મંડળ, તા. મહુધા, જી, ખેડા હાલ રહે. પણસોરા, ભગવતી ટ્વીન્સ, મકાન નં- ૧૭, મેઘવા રોડ, તા,ઉમરેઠની ધરપકડ કરી હતી અને તેઓની વધુ પુછપરછ કરતા આ નકલી માર્કસીટો અને સર્ટીફિકેટ વડોદરાનો જીગરભાઈ રમેશભાઈ ગોગરા બનાવી આપતો હોવાનું ખુલતા એસઓજી પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ઇ.પી.કો. કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૪, ૧૨૦(બી), તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬ (સી) મુજબ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા શખ્સોએ અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી માર્કસીટનાં આધારે વિદેશ મોકલી આપ્યા છે,અને તે પેટે તેઓ કેટલા પૈસા લેતા હતા તેની પણ પુછપરછ હાથ ધરવા માટે આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે