સાયરસ મિસ્ત્રીની મોત પહેલાની અંતિમ તસવીરો, જુઓ ગુજરાતમાં કઈ ખાસ જગ્યા પર ગયા હતા!

Cyrus Mistry Death Case: સાયરસ મિસ્ત્રી પારસી છે. તેથી તેમણે અમદાવાદથી મુંબઈ જતા સમયે વચ્ચે પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડાની મુલાકાત લીધી હતી
 

સાયરસ મિસ્ત્રીની મોત પહેલાની અંતિમ તસવીરો, જુઓ ગુજરાતમાં કઈ ખાસ જગ્યા પર ગયા હતા!

નીલેશ જોશી/વાપી :ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું ગઈ કાલે રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું. તેનું નિધન આકસ્મિક અને ચોંકાવનારું હતું. આ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પુષ્ટિ કરી કે સાઈરસ મિસ્ત્રી જે મર્સિડિઝમાં સવાર હતા તેને અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી સાઈરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળ બેઠા હતા.  અમદાવાદથી મુંબઈ પાછા ફરતી વખતે પાલઘર પાસે તેમની લક્ઝરી કાર ડિવાઈડર સાથે ભટકાઈ અને તેમની ગાડીને અકસ્માત થયો હતો. જેમાં સાયરસ મિસ્ત્રીનું પણ નિધન થયું. ત્યારે સાયરસ મિસ્ત્રીના મોત પહેલાની છેલ્લી તસવીરો સામે આવી છે. 

સાયરસ મિસ્ત્રીએ ઉદવાડામાં ખરીદી કરી 
સાયરસ મિસ્ત્રી પારસી છે. તેથી તેમણે અમદાવાદથી મુંબઈ જતા સમયે વચ્ચે પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડાની મુલાકાત લીધી હતી. દરેક પારસીનો ઉદવાડા સાથે ખાસ નાતો રહ્યો છે, પવિત્ર સ્થળ હોવાથી તેઓ અચૂક આ સ્થળે આવતા હોય છે. સાયરસ મિસ્ત્રી મુંબઈ પહોંચતા પહેલા થોડો સમય ઉદવાડા રોકાયા હતા. તેમણે ઉદવાડાની દુકાનમાંથી વસ્તુઓની પણ ખરીદી કરી હતી. ત્યારે આ સમયની એક તસવીર સામે આવી છે. આ તસવીર તેમના મૃત્યુ પહેલાંની અંતિમ તસવીર કહી શકાય. કારણ કે, તેના બાદ તેમના અકસ્માતમાં નિધનના સમાચાર આવ્યા હતા. જેથી ઉદવાડામાં ક્લિક થયેલી આ તસવીર સાયરસ મિસ્ત્રીની આખરી તસવીર કહી શકાય. સાથે જ ઉદવાડા પાસે તેમની કાર પણ એક તસવીરમાં ક્લિક થઈ છે. 

ચારોટી પાસેના સીસીટીવીમાં કાર દેખાઈ
સાયરસની મિસ્ત્રીની કાર છેલ્લે ચારોટી નજીક ક્લિક થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને ચારોટી પાસેની સીસીટીવી મળી આવ્યા છે. અકસ્માત થતા પહેલાના નેશનલ 48 પર ચાલતી ગાડીના સીસીટીવી પોલીસના હાથ લાગ્યા છે. સમગ્ર ઘટના અંગે મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે. RTO સહિત પોલીસની ટીમો કામે લાગી છે. 

cycrus_mistry_zee3.jpg

ઈજાગ્રસ્તોને વાપીની હોસ્પિટલમાં ખસેડાયા હતા
ઉલ્લેખનીય છે કે, પાલઘરમાં અકસ્માત થયા બાદ મર્સિડીઝ કારમાં સવાર ઈજાગ્રસ્તોને વાપીની રેઈનબો હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દુર્ઘટના બાદ સાઈરસ મિસ્ત્રીને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. જહાંગીર દિનશા પંડોલનું સારવાર દરમિયાન મોત થયું. અનાહિતા અને તેમના પતિ ડેરિયસ બંને કારમાં આગળની સીટ પર બેઠા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા અને હાલ સારવાર હેઠળ છે. તેમને તાત્કાલિક સારવાર માટે વાપીની એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયા હતા. તેના બાદ અનાહિતા અને ડેરિયસને આજે મુંબઈની એક હોસ્પિટલમાં રેફર કરાય તેવી શક્યતા છે. 

ઉદવાડા પારસીઓનું પવિત્ર સ્થળ છે 
ઈ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી. સંજાણથી ઉદવાડા આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં પારસી સમુદાય દ્વારા પોતાના ઐતિહાસિક વારસો જાળવી રાખ્યો છે. જેના કારાણે વિશ્વભરના પારસીઓ માટે ઉદવાડા ગામ પવિત્ર સ્થળ છે. ઉદવાડા ગામે કુદરતી રીતે પ્રગટેલા આતશના દર્શન માટે વિશ્વભરના પારસીઓ અહીં આવે છે. અહીં પાક ઇરાનશાહ આતશ બહેરામ મુખ્ય પવિત્ર તીર્થધામ આવેલું છે. વર્ષો પહેલાં કુદરતી રીતે પ્રગટેલી આતશ આજે પણ ઇરાનશાહમાં પ્રજ્વલિત છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news