દમણમાં કસીનોના વાયુવેગે ફેલાયેલા સમાચાર વિશે આવ્યા મોટા અપડેટ, જાણો શું છે મામલો

Fake Letter Viral In Daman : દમણમાં કસીનોને પરમિશન મળી એ જાણીને પ્રવાસીઓમાં ખુશી વ્યાપી ગઈ, પરંતુ જ્યારે પોલીસ સુધી આ હકીકત પહોંચી તો મોટો ખુલાસો થયો

દમણમાં કસીનોના વાયુવેગે ફેલાયેલા સમાચાર વિશે આવ્યા મોટા અપડેટ, જાણો શું છે મામલો

નિલેશ જોશી/દમણ :સંઘ પ્રદેશ દમણની ડેલટીન હોટલમાં ગોવાની જેમ જ કસીનો રમાડવાની પરમિમિશન મળી ગઈ છે. આ પ્રકારના પરમિશન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ગુજરાત સહિતના જુગારના શોખીનોમાં આનંદ છવાયો હતો. અને જે કંપનીને દમણમાં જુગાર રમાડવાની પરમિશન મળી હતી એ વિજિલ સ્ક્રૂઝવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેરમાં રાતોરાત ઉછાળો પણ આવ્યો હતો. જોકે દમણની ડેલ્ટીનમાં કસીનોની પરમિશન મળ્યાનો લેટર નકલી હોવાનો ખુલાસો થયો છે. દમણ પોલીસે આ નકલી મેસજ ફેલાવનારા 5 લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારે સરકારી વેબસાઈટ જેવી નકલી વેબસાઈટ બનાવી લોકોને ગુમરાહ કરવાનો શું હેતુ હતો તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. 

સંઘ પ્રદેશ દમણ ગુજરાતનું સૌથી ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે. તેના જ કારણે દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નાનકડા પ્રદેશમાં મોજ મસ્તી કરવા આવે છે. જોકે મોજ મસ્તીની સાથે જો ગોવાની જેમ કસીનો જુગારની વયસ્થા થાય તો દમણમાં પ્રવસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે તેવુ અનેક લોકોનું માનવું છે. ગોવાની જેમ જ દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું અને એક સમયે ગોવાના તાબે રહેલ દમણમાં પણ ગોવાની જેમ દરિયામાં ક્રુઝમાં કસીનો જુગાર ચાલુ થાય તેવી વાતો ફેલાતી રહી છે. જોકે આજ દિન સુધી દમણમાં આવું કોઈ કસીનો લાયસન્સ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી. ત્યારે અચાનક દમણની ડેલ્ટીન હોટેલમાં કસીનોની પરમિશન મળી ગયા હોવાનો બોગસ લેટર થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દમણના ડેપ્યુટી ડાયરેક્ટર ટુરિઝમ વિભાગના નામે જણાવવામાં આવેલ કે, દમણ સ્થિત ડેલ્ટીન હોટેલમાં કસીનો રમાડવા માટેની પરમિશન મળી ગઇ છે. 

સરકારી અધિકારીના નામે ફરતા આ લેટરને જોઇ વ્યવસ્થાતંત્ર પણ ચોંકી ઉઠ્યુ હતું. જેને લઇ દમણ પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ પ્રકારના કારનામા કરનારા 5 આરોપીઓની દમણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ આર્થિક ફાયદા માટે આ ફેક લેટર બનાવી વાયરલ કરતા પોલીસે દિલ્હી, મુંબઇ, સેલવાસ અને વાપીના આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડાયેલા 5 આરોપીઓ પાસેથી 11 મોબાઇલ અને અન્ય દસ્તાવેજો કબજે લઇ તેની ઝીંણવટભરી તપાસ હાથ ધરી છે.

દમણ પોલીસના એસપી અમિત શર્માએ તપાસ વિશે જણાવ્યું કે, આ લેટર લિંક્ડઈન અને ટ્વિટર થકી વાયરલ કરાયો હતો. ત્યારબાદ અન્ય સોશિયલ મીડિયામાં શેર કરાયો હતો. જેમાં સેલવાસનો અન્શુમાલી પાંડે નામનો ઈસમ સામેલ હોવાનું બહાર આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. વિજિલ કંથારીયાએ તેને આ લેટર વોટ્સએપ ઉપર મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વિજિલ સ્ક્રૂઝવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકનો પ્લાન હતો કે આ પ્રકારની જાહેરાતથી તેની કંપનીમાં અચાનક લોકો મોટું રોકાણ કરશે. ત્યાર બાદ કરોડોનું ફ્રોડ કરી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી જવું. જોકે દમણ પોલીસે વિજિલની દિલ્હીથી ધરપકડ કરી છે. વિજિલે પોલીસ સમક્ષ જણાવ્યું કે વધુમાં વધુ લોકોને આ ફેક લેટર મોકલવા તેણે અન્ય લોકોને કહ્યું હતું. જેથી તેની પાસે વધુ ઈન્વેસ્ટર્સ આવે અને ખોટી રીતે તે રૂપિયાની કમાણી કરી શકે. 

કૌભાંડમાં પકડાયેલા આરોપી

  • વિજિલ કંથારીયા
  • પવન ચૌધરી
  • ઉમેશ પંડયા
  • ઇકબાલ અહેમદ ખત્રી
  • દેવેન્દ્ર ગૌંડ 

દમણ પોલીસની તપાસ માં બહાર આવ્યું કે, આ ફેક લેટર દેવેન્દ્રકુમાર ગૌંડે તૈયાર કર્યા હતા. જે બાદ મુંબઇથી તેની પણ ધરપકડ કરાઇ હતી. લોકોને કસીનોની માહિતી સાચી લાગે તે માટે આરોપી દેવેન્દ્ર દ્વારા damannic.co.in નામથી એક વેબસાઈટ પણ તૈયાર કરાઇ હતી. જોકે સંઘપ્રદેશ પ્રશાસનની ઓરીજિનલ વેબસાઇટ daman.nic.in છે.

દમણ પોલીસે રૂપિયાની કમાણીની લાલચે ફેક લેટર વાયરલ કરનારા દિલ્હીના માસ્ટરમાઈન્ડ એવા મુખ્ય આરોપી વિજિલ કંથારીયા દેશભરના લોકોને છેતરવાનો પ્લાન હતો. કસીનોની પરમિશન મળી ગયા હોવાના ફેક મેસેજ વાયરલ કરી વિજિલ પોતાની કંપનીના નામે ઈન્વેસ્ટર્સને ચૂનો લાગવવાની ફિરાકમાં હતા. જોકે દમણ પોલીસે સમયસર આતંરરાજ્ય રેડ પાડીને સમગ્ર કૌભાંડ થાય તે પહેલા તેનો પર્દાફાશ કર્યો. દેશભરના ઈન્વેસ્ટર્સના કરોડો રૂપિયા ડૂબતા અટકાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news