અર્બુદા મહોત્સવ માટે ચૌધરી સમાજના યુવાનોએ હાથમાં ઝાડુ ઉપાડ્યું, રસ્તે આવતા દરેક ગામ સ્વચ્છ કરાશે

Banaskantha Arbuda Rajat Jayanti : ઉત્તર ગુજરાતમાં યોજાનારા અર્બુદા માતા રજતમહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે, મહિલાઓ દિવસરાત એક કરીને યજ્ઞશાળામાં કામ કરી રહી છે... તો હવે સેમોદ્રા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે 

અર્બુદા મહોત્સવ માટે ચૌધરી સમાજના યુવાનોએ હાથમાં ઝાડુ ઉપાડ્યું, રસ્તે આવતા દરેક ગામ સ્વચ્છ કરાશે

Chaudhary Samaj અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુરમાં માં અર્બુદાના રજત જયંતિ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 3 ફેબ્રુઆરીથી ત્રી-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજવાનો છે, જેને લઈને આજે બનાસકાંઠાના તમામ ગામડાઓમાં ચૌધરી-આંજણા સમાજના લોકો દ્વારા દરેક ગામોની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ અર્બુદા માતાજીનો રજત મહોત્સવ યોજવાનો છે, જેને લઈને 3જી ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે. જેમાં દેશભરમાંથી 10 લાખથી વધુ લોકો માં અર્બુદના દર્શન કરવા પહોંચશે. ત્યારે આજે બનાસકાંઠાના તમામ ગામોમાં ચૌધરી-આંજણા સમાજના લોકો દ્વારા પોતાના ગામની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં દરેક ગામના લોકો દ્વારા પોતાના ગામોના રોડ-રસ્તા ગલીઓ તેમજ ચોક મહોલ્લા અને ગામની બહારના રોડની જેસીબી, ટ્રેક્ટરો તેમજ સફાઈના સાધનો લઈને સફાઈ કરવામાં આવી હતી. ગામલોકોએ પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને પ્રેરાઈને માં અર્બુદના મહોત્સવ પહેલા દરેક ગામોની સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવાનું કાર્ય કરી દરેક ગામને સુંદર અને સ્વચ્છ બનાવવાનો નીર્ધાર કર્યો છે. જેથી માં અર્બુદના પ્રસંગ પહેલા દરેક ગામો અને તેમના રસ્તાઓ સ્વચ્છ દેખાય અને લોકો સ્વચ્છતા માટે પ્રેરાય.

વસંતભાઈ ભટોળ -પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળે જણાવ્યું કે, અમારે માં અર્બુદનો પ્રસંગ છે તે પૂર્વે અમે આજે જિલ્લાના દરેક ગામોની સ્વચ્છતા હાથ ધરી છે. અમારા ગામમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગામની સફાઈ કરી રહ્યા છે. 

આ પણ વાંચો : 

સેમોદ્રા ગામના નાગરિક ગણેશભાઈ ડેલીયાએ જણાવ્યું કે, અમારા માતાજીના પ્રસંગ પહેલા અમારું ગામ સ્વચ્છ હોવું જરૂરી છે જેથી આજે દરેક ગામની જેમ અમે પણ અમારા ગામની સફાઈ કરી રહ્યા છીએ.

તો ગામના સરપંચ પ્રેમજીભાઈ ડેલીયાએ કહ્યું કે, સ્વચ્છતાથી જ ગામ સુંદર બને છે અમારા ચૌધરી-આંજણા સમાજ દ્વારા આજે દરેક ગામોમાં તમામ લોકો સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે અમે પણ અમારા ગામની સફાઈ કરી રહ્યા છીએ.

પાલનપુરના લાલાવાડા ખાતે ત્રીદિવસીય સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેને લઇ 7 માળની વાંસની યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. તો આજે આ યજ્ઞશાળામાં લીંપણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ સમગ્ર જિલ્લામાંથી ચૌધરી -આજણા પટેલ સમાજની હજારો મહિલાઓ લાલાવાડા ખાતે એકત્ર થઈ અને ઢોલ નગારા સાથે નાચગાન સાથે જાણે પોતાના ઘરે પ્રસંગ આવ્યો હોય, તેમ યજ્ઞશાળામાં દેશી ગાયના છાણથી યજ્ઞ શાળામાં લીંપળ કરી શ્રમદાન કર્યું હતું. મહત્વની વાત છે કે 3 જી ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સહસ્ત્ર ચંડી મહા યજ્ઞમાં દેશ વિદેશમાંથી ચારે વેદોના જ્ઞાની ભૂદેવો અહીં આવશે અને 108 યજમાનોને યજ્ઞમાં આહુતિ અપાવશે.

પાલનપુરમાં પહેલી ફેબ્રુઆરીથી રજત ઉત્સવની ઉજવણી શરૂ થશે, જેમાં પહેલી ફેબ્રુઆરીએ બનાસકાંઠા સહિત અનેક ગામેગામ વસતા ચૌધરી સમાજના લોકો પોત પોતાના ગામની સાફ-સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવાયું છે. 2 જી ફેબ્રુઆરીએ પાલનપુર ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરથી મહા શોભાયાત્રા યોજાશે, જે પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને પરિક્રમા કરશે, જેમાં લાખો લોકોની જનમેદની ઉમટશે. તો 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રી-દિવસય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પાલનપુરના લાલાવાડા ખાતે યોજાશે. જેમાં 500થી વધુ વિધવાન પંડિતો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવશે જેમાં 108 હવન કુંડ બનાવવામાં આવ્યા છે અને ત્યાં દેશના વિવિધ રાજ્યો માંથી 4 વેદોના જાણકાર પ્રખર પંડિતો યજમાનોને મહાયજ્ઞમાં આહુતિ અપાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news