સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલને સરકારે યાત્રાધામ જાહેર કર્યું

ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરીને 100 કિલો ચાંદીની તુલા કરાઈ, મુખ્યમંત્રીએ વડતાલમાં નવ નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું

Updated By: Nov 23, 2018, 06:34 PM IST
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલને સરકારે યાત્રાધામ જાહેર કર્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીની વડતાલ ખાતે 92 કિલો ચાંદી વડે રજતતુલા કરવામાં આવી હતી.

વડતાલ(ખેડા): રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગણાતા વડતાલને યાત્રાધામ તરીકે જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ નવનિર્મિત બસના લોકાર્પણ પ્રસંગે આ મહત્ત્વની જાહેરાત કરી હતી. ખેડાના વડતાલમાં સ્વામિનારાયણ સંતો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજતતુલા પણ કરવામાં આવી હતી. 

આજે દેવ દિવાળીના પર્વે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વડતાલ ખાતે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે આવ્યા હતા. આ સાથે જ તેમનો અહીં વડતાલમાં નવ નિર્મિત એસટી બસ મથકના લોકાર્પણનો પણ કાર્યક્રમ હતો. 

એસટી બસ મથકના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવવામાં આવ્યું છે. સાથે જ રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોકોને યાત્રાધામ જાહેર કરવામાં આવ્યા છે. તેના અનુસંધાને સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગણાતા વડતાલને પણ આજે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ જાહેર કરવામાં આવે છે. 

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાય વર્ષોથી અનેક સંતો અને ભગવાનમાંથી પ્રેરણા લઇ લોકોને સદાચારી વનાવવા, વ્યસનમુક્ત કરવા, શિક્ષણ આપવું, આરોગ્ય ધામ ઉભા કરી સેવા કરવા જેવા સદ્કાર્યો ચલાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને ખુદ વડતાલમાં બેસીને શિક્ષા પત્રી લખી છે. ગુજરાતમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઘણા યાત્રાધામો જાહેર કરવામાં આવ્યા છે, તેમાં આજે વડતાલને યાત્રાધામ તરીકે જાહેર કરીએ છે."

વડતાલ આવેલા મુખ્યમંત્રીની રજતતુલા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. તેમાં 8 કિલો ચાંદી ઉમેરી 100 કિલો ચાંદીની તુલા પૂર્ણ કરીને રૂ.40 લાખની આ ચાંદી સ્વામિનારાયણ હોસ્પિટલના લાભાર્થે અર્પણ કરવામાં આવી હતી. 

મુખ્યમંત્રીની રજતતુલા પ્રસંગે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, કથાના વકતા પૂ.જ્ઞાનજીવન સ્વામી, બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી પૂ.ઘનશ્યામ સ્વામી, પૂ.નૌતમ સ્વામી સહિત સંતો, સત્સંગીઓ વગેરે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની રજતતુલાને હાજર સત્સંગીઓએ જય સ્વામિનારાયણના નાદ સાથે વધાવી લીધી હતી. 

 વડતાલ સ્થિત સ્વામિનરાયણ ધામ ખાતે મુખ્યમંત્રીનું સંપ્રદાય દ્વારા વિવિધ પ્રકારના હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેમાં તલનો હાર, મેથીનો હાર, ઘઉનો હાર, મમરાનો હાર અને મગફળીનો હાર પહેરાવાયો હતો. મુખ્ય પ્રધાનને ઘંઉનો હાર પહેરાવતી વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સ્વામીએ જણાવ્યુ હતું કે, ખેડુતોને ટેકાના ભાવો મળી રહે અને ભગવાન મુખ્ય પ્રધાનને તે માટે શક્તિ આપે તેવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.