નવી શિક્ષણ નીતિ નવા ભારતની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપશે: CM રૂપાણી

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ માટે ‘ઈમ્પિલિમેન્ટિંગ NEP 2020 ટુ ટ્રાન્સફોર્મ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા’ની થીમ સાથેની બે દિવસીય '95 મી નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટ'નો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-શુભારંભ કરાવ્યો હતો

Updated By: Apr 14, 2021, 05:41 PM IST
નવી શિક્ષણ નીતિ નવા ભારતની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપશે: CM રૂપાણી

હિતલ પારેખ/ ગાંધીનગર: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના અમલીકરણ માટે ‘ઈમ્પિલિમેન્ટિંગ NEP 2020 ટુ ટ્રાન્સફોર્મ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા’ની થીમ સાથેની બે દિવસીય '95 મી નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટ'નો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-શુભારંભ કરાવ્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મજયંતી અવસરે એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઝ ઉપક્રમે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના યજમાન પદે તા. 14 અને 15 એપ્રિલ દરમિયાન મીટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં જ્ઞાન સાથે કૌશલ્યના સમાયોજનથી સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત નિર્માણનો સંકલ્પ સાકાર થશે તેમ જણાવ્યું છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના સહયોગથી યોજાયેલી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક બેઠક અને નેશનલ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણવિદોની ભૂમિકા મહત્વની બની રહેશે.

આ પણ વાંચો:- Rajkot: કોરોના દર્દીનો વીડિયો વાયરલ, કહ્યું- મને કાંઈ પણ થશે તો જવાબદારી ડોક્ટર અને મુખ્યમંત્રીની

ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે સમતામૂલક સમાજની પરિકલ્પનાને ડૉ. બાબાસાહેબે સંવિધાન દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું છે. રાજ્યપાલે જીવનમાં શિક્ષણના મહત્વને દોહરાવતા જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા વ્યક્તિની આંતરિક પ્રતિભાનું જાગરણ થાય છે. નવી શિક્ષણ નીતિમાં બાળકની શીખવાની નૈસર્ગિક પ્રક્રિયાને મહત્વ આપવામાં આવ્યું છે. વિષય પસંદગીની સ્વતંત્રતા, બહુ સંક્રાયગત અધ્યયન, માતૃભાષામાં શિક્ષણ અને કૌશલ્યને મહત્વ આપવાના કારણે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ સમગ્ર દેશને વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં લાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેમણે શિક્ષણ નીતિમાં ભારતીય મૂલ્યોનો સમાવેશ કલ્યાણકારી સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું. રાજ્યપાલએ આ પ્રસંગે ઉપસ્થિત કુલપતિઓને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતુ કે, નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે. નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણ માટે એક આવશ્યક માહોલ તૈયાર કરવાનારી છે. શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા પાયાના કોઈપણ બદલાવના કેન્દ્રમાં શિક્ષક હોવો જોઈએ. શિક્ષણ નીતિ હેઠળ શિક્ષકોને વધુ સક્ષમ બનાવવા માટે તમામ સંભવ પગલાં લેવા પડશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ડૉ.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતિના અવસરે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ- એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર પરામર્શ સત્રનું આયોજન એક સરાહનીય પગલું છે.

આ પણ વાંચો:- વલસાડની 21 સેન્ચ્યુરી હોસ્પિટલે માનવતાને નેવે મૂકી, કાર કબજે કર્યા બાદ જ મૃતદેહ સ્વજનોને સોંપ્યો

તેમણે કહ્યું કે, ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ દર વર્ષે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરે છે. આ વર્ષે 95મા સંમેલનની યજમાની ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા થઈ રહી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સમાજના વંચિત વર્ગના યુવાનોને શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ક્ષેત્રે અગ્રેસર છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. સાથે જ ગુજરાતના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના યુવાઓને વ્યવસાયલક્ષી તાલિમ પણ આપી રહી છે. ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્યો પર આધારિત શિક્ષા સંસ્કાર પણ આ યુનિવર્સિટી આપી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિના અમલ માટે પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ દેશમાં સંશોધનના ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે. સાથે જ ભારતની સમૃદ્ધિ પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાનની પરંપરાને પણ જાળવી રાખશે જે અંતતઃ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ પર વિચારવિમર્શ માટે આપણે સૌએ નિરંતર વેબિનાર સંગોષ્ઠી દ્વારા સમીક્ષા કરતાં રહેવું પડશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્વકાંક્ષી સ્વપ્ન સાકાર થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સમાજમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ એક ઉપયોગી અને મહત્વનું માધ્યમ છે. સમાજમાં સમાનતા, સમરસતા અને સમાવેશીપણાથી જ સામાજિક અને આર્થિક ગતિશીલતા પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરે ઓપન યુનિવર્સિટીએ આ માટે જ યુનિવર્સિટી ખાતે બાબાસાહેબ આંબેડકર સમરસતા પીઠ શરૂ કરી છે જે આનંદનો વિષય છે. મુખ્યમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત ચાર પુસ્તકોના લેખન કાર્ય બદલ યુનિવર્સિટીના ટ્રસ્ટી કિશોર મકવાણાને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો:- રાજકોટના તબીબનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે

'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020' નું ગુજરાતી સંસ્કરણ કરી, તેના અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના દ્વારા તેને ધરાતલ સુધી અમલીકરણ કરાવવા બદલ ગુજરાતની અગ્રેસરતાની પ્રસંશા કરતા કેન્દ્રીય શિક્ષણમંત્રી ડૉ.રમેશ પોખરિયાલ 'નિઃશંક'એ કહ્યુ હતુ કે, 'સમગ્ર દુનિયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના વર્ષ તરીકે યાદ રાખશે તથા આ નીતિ વિશ્વમાં 'ભારતની શિક્ષણનીતિ' તરીકે પ્રચલિત થતા સમગ્ર વિશ્વ ભારતને જ્ઞાનની મહાશક્તિના રૂપમાં ઓળખશે'.

ડૉ. રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020' ના સુચારુ અમલીકરણ માટે 'ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ' એસોશિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ- AIU, ઓ.પી. ઝીન્દાલ યુનિવર્સિટી તથા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી દ્વારા જે સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે; તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા દેશના છેવાડાના વ્યક્તિને માતૃભાષમાં કૌશલ્ય- મૂલ્યવર્ધિત- સશક્ત શિક્ષણ આપવાનું જે દ્રષ્ટિવંત સ્વપ્ન નિહાળવામાં આવ્યું હતું તેને સાકાર કરવાનું કાર્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 'રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020' ના માધ્યમથી કરી રહ્યા છે.

'રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020' માત્ર ભારત દેશ માટે જ ઐતિહાસિક, શિક્ષણિક દૃષ્ટિએ આમૂલ પરિવર્તક અને સર્વગ્રાહી શિક્ષણ વિકાસની દ્યોતક જ નહિ, પરંતુ સમગ્ર દુનિયા માટે પણ ઉપકારક અને માર્ગદર્શક હોવા અંગે કેમ્બ્રિઝ વિશ્વવિદ્યાલય સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની સાથે 'યુનેસ્કો' ના ડિરકેટર-જનરલ ઔદ્રેય એઝોઉલ પણ સ્વીકારી ચુક્યા હોવાનું અત્યંત ગર્વભેર પોખરિયાલે જણાવ્યું હતું.

આ પણ વાંચો:- મોટી જાહેરાત : હાલ નહિ લેવાય ધોરણ 10 ની મરજિયાત વિષયની પરીક્ષાઓ, તો પછી ક્યારે લેવાશે તે પણ જાણી લો

ડૉ. આંબેડકરના જન્મદિવસે શિક્ષણ અંગેના તેમના વિચારોને યાદ કરતા પોખરિયાલે કહ્યું હતું કે, શિક્ષણ એ મૌલિક જ અધિકાર નહિ પરન્તુ સામાજિક પરિવતનનું મોટું માધ્યમ છે. જે શિક્ષણ સામાજિક સમાનતા અને સમરસતાના પાઠ ન ભણાવે તેવું શિક્ષણ લોકહિતમાં નથી. શિક્ષણ સમાજની અંતિમ વ્યક્તિ સુધી પહોંચવું આવશ્યક છે. ડૉ.બાબા સાહેબ આંબેડકરના આ વિચારોને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 'રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020' થી મૂર્તરૂપ આપ્યું છે. મને એ કહેતા આનંદ થાય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઘડતા પૂર્વે અમે ગામથી સંસદ, અધ્યાપકોથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓથી વાલીઓ, વિશેષજ્ઞોથી વૈજ્ઞાનિકો સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા લગભગ તમામ લોકોનો અભિપ્રાય લઇ તેમનું સામુહિક યોગદાન મેળવ્યું હતું. આ દૃષ્ટિએ આ શિક્ષણ નીતિએ સરકારની નીતિ નહિ; પરંતુ દેશની નીતિ છે.

'રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિઝન ડોક્યુમેન્ટ ત્યારે જ સફળ થશે જયારે આપણે તેનો સુચારુ અમલ કરી શકીશું. 'રિફોર્મ- પર્ફોર્મ- ટ્રાન્ફોર્મ': શિક્ષણનિતીના બાકીના બે તબક્કાઓ ઉપર હવે આપણે કામ શરુ કરવાનું છે. આ માટે તેમણે 5-I’s: Initiate, Innovate, Interact, Involvement and Implementation ની ફોર્મ્યૂલા ઉપર કાર્યરત થવાનું સૂચન પણ કર્યું હતુ. આ પ્રસંગે ડૉ.રમેશ પોખરિયાલ નિ:શંકે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020' નું ગુજરાતી સંસ્કરણ કરી, ટાસ્ક ફોર્સની રચના કરીને તેને ધરાતલ સુધી અમલીકરણ કરાવવા બદલ તથા આ નીતિના ક્રિયાન્વન માટે સમગ્ર દેશમાં અગ્રેસર રહેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો:- 14 દિવસ પહેલા જન્મેલા બાળકને કોરોના ભરખી ગયો, પિતા માસુમનો દેહ લઈને બહાર નીકળ્યા

એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીના પ્રમુખ પ્રૉ. તેજપ્રતાપે કહ્યું હતું કે, AIU અને BAOU ના સંયુક્ત ઉપક્રમે યોજાનારા બે દિવસીય નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટ ભારતની નવી શિક્ષણ નીતિ-2020 ના પ્રભાવી અને અસરકારક અમલીકરણ માટે ખૂબ જ મદદરૂપ થશે. બે દિવસના મંથનમાં ભારતભરના શિક્ષણવિદોના જ્ઞાનના આદાન-પ્રદાનનો મહત્તમ લાભ મળશે. ભારતના ઇતિહાસમાં 2020 નું વર્ષ નવી શિક્ષણ નીતિના વર્ષ તરીકે ઓળખાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

UGC ના ચેરમેન પ્રૉ. ડી. પી. સિંઘે જણાવ્યું હતું કે, આજે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શરૂ થયેલી આ ઉચ્ચ કક્ષાની બે દિવસીય મીટ ભારતની નવી શિક્ષણ નીતિ-2020ના અમલમાં ખૂબ મહત્વની સાબિત થશે. દેશનો વિકાસ શિક્ષણ વ્યવસ્થા ઉપર નિર્ભર છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં 21મી સદીમાં જાહેર કરેલી NEP-2020 સશક્ત, સમર્થ, કૌશલ્ય અને આત્મનિર્ભર ભારતની દિશામાં દોરી જશે. નવી NEP-2020 ભારતીયોને વૈશ્વિક નાગરિક બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેમ જણાવી ડૉ. સિંઘે ડૉ. બાબાસાહેબનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો:- ‘મેં ગાડી પાર્ક જ કરી નથી, તો પાર્કિંગ ચાર્જ કેમ આપું...’ પ્રહલાદ મોદીનો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો

એસોશિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી ડૉ. પંકજ મિતલે કહ્યું હતું કે, AIUના ઇતિહાસમાં પ્રથમવાર બે દિવસીય VC મીટનો પ્રધાનમંત્રીના હસ્તે પ્રારંભ થઇ રહ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ બે દિવસીય મીટમાં ભારતના ઉપકુલપતિઓ, શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં નવી શિક્ષણ નીતિ-2020ના શ્રેષ્ઠ અને ઝડપી અમલીકરણ માટે વિવિધ ટેકનિકલ સત્રો યોજાશે. જેમાં તજજ્ઞો પોતાનું યોગ્ય માર્ગદર્શન આપશે. ડૉ. પંકજે આ પ્રસંગે AIUની વિકાસ યાત્રા અને વર્તમાન કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

BAOU ના વાઇસ ચાન્સેલર પ્રૉ. અમી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરીને બે દિવસીય મીટની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લેખક કિશોર મકવાણા દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ઉપર તૈયાર થયેલા ચાર પુસ્તકો- “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન”નું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાઈસ ચાન્સેલર મીટમાં વિવિધ યુનિવર્સિટીના કુલપતિ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ઉચ્ચ અધિકારીઓ સહિત ભારતભરમાંથી શિક્ષણવિદો અને પ્રાધ્યાપકો ઓનલાઈનના માધ્યમથી જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube