વડોદરાના ભરચક વિસ્તારમાં આવી ચઢ્યો મગર, રેસ્ક્યૂ કરીને રીક્ષામાં લઈ જવાયો
Trending Photos
- મોડી રાત્રે સલાટવાડાના નવાગઢ મહોલ્લામાં વિશાળ મગર ધસી આવતા ચકચાર મચી ગઇ હતી
- નવાગઢ મહોલ્લામાં મગર આવતા જ લોકોના ટોળા વળી ગયા હતા
રવિ અગ્રવાલ/વડોદરા :શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા નજીક આવેલા સલાટવાડા રહેણાંક વિસ્તારના નવાગઢ મહોલ્લામાં મોડી રાત્રે સાડા છ ફૂટનો મગર ધસી આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, મગર સ્થાનિક લોકોને નુકશાન પહોંચાડે તે પહેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા. અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પકડી લીધો હતો. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં ધસી આવેલા મગરને જોવા અને જીવદયા સંસ્થાની રેસ્ક્યુ કામગીરી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રહેણાંક વિસ્તારમા પહોંચ્યો 6 ફૂટનો મગર
ચોમાસાની શરૂઆત થતાં અને કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં શરૂ કરવામાં આવેલી સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો ખોરાકની શોધમાં નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. મોડી રાત્રે સલાટવાડાના નવાગઢ મહોલ્લામાં વિશાળ મગર ધસી આવતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ મગરને જોતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવારને જાણ કરી હતી. તુરત જ સંસ્થાના કાર્યકર સુવાસ પટેલ, અરુણ સૂર્યવંશી, દેવ રાવલ, જયેશ રાવલ, વિશાલ રાવલની ટીમ મગરને રેસ્ક્યુ કરવાના જરૂરી સાધનો અને વડોદરા વનવિભાગના અધિકારી લઇને નવાગઢ મહોલ્લામાં ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યુ ટીમે એક સાડા છ ફૂટનો મગર મકાનો પાસે જોવા મળ્યો હતો.
અડધો કલાકની ભારે જેહમત બાદ મગર પકડાયો
નવાગઢ મહોલ્લામાં મગર આવતા જ લોકોના ટોળા વળી ગયા હતા. અને લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં ફોટા અને વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પહોંચી ગયેલી રેસ્ક્યુ ટીમે મગરને અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. મગરની રેસ્ક્યૂ કરીને રીક્ષામાં લઈ જવાયો હતો. વડોદરા વન વિભાગને સોપી દીધો હતો. વન વિભાગ દ્વારા નવાગઢ મહોલ્લામાંથી ઝડપાયેલા મગરને સલામત સ્થળે છોડી દેવામાં આવશે.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, વરસાદ પડવાના કારણે સલાટવાડા પાસે આવેલા નવાગઢ મોહલ્લા પાસે આવેલા વિશ્વામિત્રી નાળામાંથી આ મગર બહાર આવી ગયો હતો. અને તે બહાર નીકળીને લોકોના ઘર પાસે આવી ગયો હતો. સાડા છ ફૂટ લાંબા મગરને જોતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મગર પકડાયા બાદ મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ મગરને સહીસલામત રીતે પકડીને વડોદરા વન વિભાગને સોપવામાં આવ્યો હતો. આ મગર પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે