ડેન્ગ્યુ બન્યો કાળમુખો, ભરખી ગયો ટીનેજરને અને જીવનથી થનગનતા યુવાનને

ગુજરાતમાં અને ખાસ કરીને સુરત (Surat) અને વડોદરા (Vadodara)માં દિન-પ્રતિદિન ડેન્ગ્યુ (Dengue)ના કેસોમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે

ડેન્ગ્યુ બન્યો કાળમુખો, ભરખી ગયો ટીનેજરને અને જીવનથી થનગનતા યુવાનને

સુરત/વડોદરા, ચેતન પટેલ/રવી : ગુજરાતમાં અને ખાસ કરીને સુરત (Surat)માં દિન-પ્રતિદિન ડેન્ગ્યુ (Dengue)ના કેસોમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો તથા કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ડેન્ગ્યુના કારણે વધુ એક મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીને ડેન્ગ્યુ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગઈ કાલે મોડી સાંજે સારવાર દરમિયાન આ કિશોરીનું મોત નીપજ્યું હતું. કિશોરીના મોત થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીના પરિવારજન તેમજ આસપાસની સોસાયટીના તમામ લોકોનું મેડિકલ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત દરેક જગ્યાઓ પર દવાનો છંટકાવ પણ કરવામાં આવી હતી. આ સિવાય વડોદરા (Vadodara)ના ગોત્રી ગામમાં પણ ડેન્ગ્યુના કારણે 31 વર્ષના કૌશલભાઈ પટેલનું થયું મૃત્યું થયું છે. અત્યાર સુધી વડોદરામાં ડેન્ગ્યુના 800 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરતની વિગતો જોઈએ તો પુણાગામના કારગીલ ચોક સ્થિત રૂક્ષ્મણી સોસાયટી ખાતે રહેતી 17 વર્ષીય નિરાલી પ્રજાપતિની તબિયત બગડતા ગઇ તા. 4 નવેમ્બરના રોજ વરાછાની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતાં. જ્યાં તેની હાલતમાં કોઇ સુધારો જોવા ન મળતાં તા. 9મીએ મજુરાગેટની હોસ્પિટલમાં રીફર કરાયાં હતાં. રિપોર્ટમાં ડેન્ગ્યૂ ડિટેક્ટ થયો હોવાની સાથે કિશોરીને ઓટો ઇમ્યુન હિમોલાઇટીક એનિમિયાના કોમ્પ્લિકેશન પણ જોવા મળ્યાં હતાં. આ સ્થિતિ લાખ દર્દીઓ પૈકી એકાદમાં જોવા મળતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જેમાં વારે ઘડીએ બ્લડ ચઢાવવું પડે છે. અઠવાડિયા ઉપરાંતની સારવાર અંતે કિશોરીનું મોત નીપજ્યું હતું.

છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ તો ડેન્ગ્યુના ૧૧૭ જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે પાછલા વર્ષે ડેન્ગ્યુના 257 જેટલા કેસો નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુના 290 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરની 1900 જેટલી હોસ્પિટલોને એક એપ્લિકેશન આપવામાં આવી છે અને એપ્લિકેશન દ્વારા દરેક હોસ્પિટલે રોજે રોજ આવતા ડેન્ગ્યુના કેસોની અપડેટ આપવાની હોય છે. હાલ જે પણ હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુના કેસો અપડેટ કરવામાં નથી આવ્યા તે તમામ હોસ્પિટલોને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થાય તે માટે dry day ની શરૂઆત કરવામાં આવી છે જેમાં મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય કમિશનર તથા પદાધિકારીઓ વિવિધ વિસ્તારોમાં ફરી ડેન્ગ્યુ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડે છે.

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news