દેવડા વગર પાટણની દિવાળી અધૂરી, ઘરે ઘરે આ મીઠાઈ ખાવાની છે પાટણની પરંપરા
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ (Patan) એક ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું શહેર છે. જ્યાંની રાણીની વાવ, પાટણના પટોળા વિશે આપણે જાણી છીએ. પણ મીઠાઈમાં પણ પાટણ આગવું સ્થાન ધરાવે છે. પાટણના દેવડા વગર તમામ તહેવારો અધૂરા લાગે. આ મીઠાઈનું મૂળ પાટણમાં છે. દિવાળી (Diwali) નો તહેવારો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અન્ય માવાની મીઠાઈની ખરીદી પહેલા દેવડાની માંગ પ્રથમ હરોળમાં રહે છે. શહેરમાં દેવડા મીઠાઈની માંગને પહોંચી વળવા સ્વીટની દુકાનોમાં દેવડા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દેવડાની શુ છે ખાસ વિશેષતા તે જોઈએ.
દિવાળી (Diwali 2021) આવતા જ પાટણવાસીઓમાં પોતાના સ્નેહીજનોને મીઠાઈ (sweets) માં દેવડા મોકલાવી પ્રથા છે. ગુજરાત તેમજ દેશવિદેશમાં રહેતા પાટણવાસીઓ આજે પણ પોતાના વતનમાંથી દેવડા મંગાવવાનું ભૂલતા નથી. કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ન આવે ત્યાં સુધી દિવાળી આવી જ નથી તેવું પાટણવાસીઓ માને છે.
આ પણ વાંચો : વિદેશમાં ભણવા મોકલેલા વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા ભાંગી પડ્યા માતાપિતા, વડોદરાના યુવકનું કેનેડામાં મોત
કેવી રીતે બનાવવામાં આવે છે દેવડા
- પ્રથમ તો મેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે.
- પછી તેને એક દિવસ ઠંડા કરવામાં આવે છે
- પછી ખાંડને મોટી કડાઈમાં નાંખી ઉકાળીને ચાસણી બનાવવામાં આવે છે અને તે ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકાસ ચેક કરવામાં આવે છે
- ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘી નાખવામાં આવે છે. ઘીને વાસણમાં ફેલાવી દેવામાં આવે છે
- બાદમાં મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડાના બ્લોકને ચાસણીમાં ડુબાડીને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે
- તેના પર સુકો મેવો એટલે કે કેસર, પીસ્તા નાંખવામાં આવે છે. તે ઠંડા થયા બાદ વેચાણમાં મૂકાય છે
આ પણ વાંચો : બાળકોએ માતાપિતાની હાજરીમાં ફટાકડા ફોડવા એવુ કેમ કહેવાય છે તે આ વીડિયો જોઈને સમજાઈ જશે
દેવડા બનાવવામાં પાટણના પાણીનો મોટો રોલ
વર્ષોથી દેવડા (devda sweet) બનાવવામાં માહેર થયેલા કારીગર જયંતીભાઈ જણાવે છે કે, પાટણના દેવડા એક સારી મીઠાઈ છે, જે 160 વર્ષ પહેલાં તેને બનાવવાની શરૂઆત થઈ હતી. આજે પણ પાટણના દેવડાનું આગવું સ્થાન છે. દરેક તહેવારમાં અન્ય મીઠાઈ પહેલા દેવડાની પ્રથમ ખરીદી કરવામાં આવે છે. દેવડા વગર દિવાળીનો પર્વ અધુરો લાગે છે. ખાસ તો વાત એ છે કે, દેવડાની બનાવટમાં પાટણ નું પાણી અને હવામાન ખૂબ જ અનુકૂળ આવે છે. જેથી તે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બને છે.
દેવડામાં પણ વિવિધ વેરાયટી
દેવડાના વેપારી દિલીપ સુખડીયાએ જણાવ્યું કે, અત્યારે પાટણની બજારોમાં દેવડામાં વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળી રહી છે. જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટર સ્કોચ દેવડા, સ્પેશ્યલ કેટબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા જેવી અવનવી વેરાયટી પાટણના બજારોમાં જોવા મળી રહી છે. બજારમાં ભલે ગમે તેટલી વેરાયટીની મીઠાઈ આવે, પણ પાટણની ઓળખ સમા દેવડાનું આગવું સ્થાન છે. પાટણવાસીઓ દેવડા ખરીદવાનું આજે પણ ભૂલ્યા નથી અને દિવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનો રિવાજ આજે પણ અકબંધ છે. વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભૂલાઈ નથી. તે જ પાટણના દેવડાની સાચી ઓળખ છે.
દેવડા વગર અમારી દિવાળી અધૂરી - પાટણવાસી
પાટણના લોકોના જણાવ્યા અનુસાર, અમે દર વર્ષે દેવડા ખરીદીએ છીએ. પાટણના દેવડા લોકો ખૂબ વખાણાય છે. જ્યાં જોઈએ ત્યાં દેવડા જ દેખાય છે. પાટણની પ્રજા દિવાળીમાં દેવડાની ખરીદી ખાસ કરે છે અને પાટણના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે. જ્યાં સુધી અમે દિવાળીમાં દેવડા ખરીદીએ નહિ ત્યાં સુધી અમારો તહેવાર અધૂરો લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે