ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાન કરી રહ્યું છે હસ્તક્ષેપ? આરોપ પર જાણો પાકે શું આપ્યો જવાબ
રવિવારે પીએમ મોદીએ ગુજરાતના પાલનપુરમાં એક ચૂંટણી સભામાં આરોપ લગાવતા કહ્યું હતું કે પાકિસ્તાન ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.
- વડાપ્રધાને રવિવારે ચૂંટણી સભામાં પાકિસ્તાનના હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો.
- પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે સ્પષ્ટીકરણ આપ્યું.
- કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પણ પીએમ મોદી પર નિશાન સાંધ્યું.
Trending Photos
નવી દિલ્હી: રવિવારે પીએમ મોદીએ ગુજરાતના પાલનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધી ત્યારે પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના નેતા એહમદ પટેલને રાજ્યના મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. જેના પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે આજે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા કહ્યું કે તેમણે આ પ્રકારના ખોટા નિવેદનો આપવાની જગ્યાએ પોતાના દમ પર ચૂંટણી જીતવાની કોશિશ કરવી જોઈએ. તેમણે પીએમ મોદીના આરોપોને નિરર્થક અને બેજવાબદારીભર્યુ ગણાવ્યું.
અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પાલનપુરમાં આયોજિત ચૂંટણી સભામાં આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ પાસે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાલમાં જ પાડોશી દેશના નેતાઓ સાથે થયેલી બેઠક પર સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. પીએમએ પાકિસ્તાની સેનાના પૂર્વ મહાનિદેશક (ડીજી) સરદાર અરશદ રફીક દ્વારા કથિત રીતે કરવામાં આવેલી અપીલ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. રફીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની કથિત રીતે અપીલ કરી હતી.
કોંગ્રેસનું સ્પષ્ટીકરણ
આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ આજે આ મુદ્દે સ્પષ્ટીકરણ કરતા કહ્યું કે પીએમએ કહ્યું કે કોંગ્રેસ, પાકિસ્તાન સાથે મળીને ગુજરાત ચૂંટણીમાં ષડયંત્ર કરી રહી છે. આ બીજા તબક્કાની ચૂંટણી પહેલા ધ્રુવીકરણની કોશિશ છે. આ તેમની હતાશા દર્શાવે છે અને ભાજપની હાર નિશ્ચિત છે. આ સાથે આનંદ શર્માએ કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અહીં એક લગ્ન સમારોહમાં ભાગ લેવા આવ્યાં હતાં. તેમના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ રાજનયિક, પૂર્વ આર્મી ચીફ સહિત અનેક ગણમાન્ય નેતાઓ હાજર હતાં. શું પીએમ મોદી એમ વિચારે છે કે તમામ લોકો પાકિસ્તાન સાથે મળીને ષડયંત્ર રચી રહ્યાં છે? પીએમ મોદીએ આ મુદ્દે માફી માંગવી જોઈએ.
પીએમ મોદીએ પાલનપુર રેલીમાં કર્યા હતાં આકરા પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ પાસે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાલમાં જ પાડોશી દેશના નેતાઓને મળ્યાં તેના ઉપર સ્પષ્ટીકરણ પણ માંગ્યું. પાલનપુરમાં એક રેલીને સંબોધિત કરવા દરમિયાન વડાપ્રધાને પાકિસ્તાની સેનાના પૂર્વ મહાનિદેશક સરદાર અરશદ રફીક દ્વારા કથિત રીતે કરવામાં આવેલી અપીલને લઈને સવાલ ઉઠાવ્યાં. રફીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે કથિત રીતે અપીલ કરી હતી.
મોદીએ કહ્યું કે કોંગ્રેસના સસ્પેન્ડેડ વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે કોંગ્રેસના ટોચના નેતાઓને પાકિસ્તાનની નેતાઓ સાથે કથિત રીતે મુલાકાત કર્યા બાદ એક દિવસ પછી તેમને નીચ કહ્યાં હતાં. વડાપ્રધાને કહ્યું કે મીડિયામાં મણિશંકર ઐય્યરના આવાસ પર થયેલી બેઠક અંગે ગઈ કાલે અહેવાલો હતાં. જેમાં પાકિસ્તાનના રાજદૂત, પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ભાગ લીધો હતો. મોદીએ કહ્યું કે ઐય્યરના નિવાસસ્થાન પર 3 કલાક જેટલું આ બેઠક ચાલી હતી.
તેમણે કહ્યું કે બીજા દિવસે મણિશંકર ઐય્યરે કહ્યું કે મોદી નીચ છે. આ એક ગંભીર મામલો છે. મોદીએ કહ્યું કે રફીકે અહેમદ પટેલનું ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે સમર્થન કર્યુ હતું. તેમણે કહ્યું કે એક બાજુ પાકિસ્તાની સેનાના પૂર્વ ડીજી ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. બીજી બાજુ પાકિસ્તાનના લોકો મણિશંકર ઐય્યરના આવાસ પર બેઠક કરી રહ્યાં છે.
મોદીએ કહ્યું કે અને આ બેઠક બાદ ગુજરાતની જનતા, પછાત જાતિ, ગરીબ લોકો અને મોદીનું અપમાન કરવામાં આવ્યું. શું તમે નથી માનતા કે આ પ્રકારની ઘટનાઓ શંકા પેદા કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશની જનતાને જણાવવું જોઈએ કે કઈ યોજના બની રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે