સરદાર પટેલના સંઘર્ષમય જીવનના 5 કિસ્સા, એકવાર તો અંગ્રેજો તેમના ઘરનો સોફો ઉઠાવી ગયા હતા!

Gujarat History : સરદાર પટેલ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમણે જીવનની એક એક પળ દેશ માટે ખર્ચી નાંખી, તેમના મોત બાદ અંગત મૂડી તરીકે માત્ર 237 રૂપિયાનું બેલેન્સ હતું

સરદાર પટેલના સંઘર્ષમય જીવનના 5 કિસ્સા, એકવાર તો અંગ્રેજો તેમના ઘરનો સોફો ઉઠાવી ગયા હતા!

ચિંતન ભોગાયતા/અમદાવાદ :આમ તો અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ પટેલના જીવનના અનેક કિસ્સા પ્રખ્યાત છે, પણ છતાં કેટલીક એવી પણ વાતો છે જે કદાચ આપને ખબર નહીં હોય. આ કિસ્સામાં આપણે જાણીશું કે વલ્લભભાઈ પટેલ કેટલા કર્મશીલ હતા. 

સરદાર પટેલ વ્યવસાયે વકીલ હતા. એક વખત એવું બન્યું કે વલ્લભભાઈનાં પત્ની બીમાર પડ્યાં હતા. ઝવેરબાને સારવાર માટે મુંબઈ લઈ જવાં પડ્યાં. 11મી જાન્યુઆરી 1909ના દિવસે ઝવેરબાનું અવસાન થયું. ટપાલ મારફતે જ્યારે આ સમાચાર વલ્લભભાઈ સુધી પહોંચ્યા ત્યારે તેઓ ખૂનના કેસમાં બચાવ પક્ષે દલીલો કરી રહ્યા હતા. ટપાલ વાંચ્યા પછી પણ તેઓ અસ્વસ્થ ન થયા. ટપાલને કાળા કોટના ખિસ્સામાં મૂકી દીધી અને દલીલો ચાલુ રાખી. કેસની સુનાવણી પૂર્ણ થઈ પછી જ તેઓ મુંબઈ જવા માટે રવાના થયા હતા

અંગ્રેજોએ દંડ વસૂલવા સરદાર પટેલનો સોફો જપ્ત કરાયો 
એપ્રિલ 1919 ના એ સમયગાળામાં અમદાવાદ, વિરમગામ અને નડિયાદમાં તોફાનો થયા હતા. એ તોફાનોમાં સંડોવાયેલા મનાતા સંખ્યાબંધ આરોપીઓના બચાવ પક્ષના વકીલ તરીકે વલ્લભભાઈ હાજર થયા હતા. વલ્લભભાઈની અસરદાર રજૂઆતના કારણે બધા આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા. અમદાવાદ શહેર ઉપર નાખવામાં આવેલા રૂપિયા 9 લાખના દંડમાં વલ્લભભાઈ અને વકીલ ડોક્ટર બળવંતરાય કાનુગાએ પણ પોતાનો ભાગ ચૂકવવો પડ્યો. ડૉ. કાનુગાને ત્યાંથી વસૂલ કરવા જેટલી રકમ અંગ્રેજ અમલદારે કાઢી લીધી. પણ સરદાર સાહેબના ઘરેથી એટલી રકમ ન મળતાં તેમના દીવાનખંડનો સોફો જપ્ત કરી લેવાયો. 

આ ગાંધીમાં એવું તો શું છે 
અમદાવાદમાં વકીલાત દરમિયાન બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ દરરોજ સાંજનો સમય ભદ્ર વિસ્તારમાં આવેલી ગુજરાત ક્લબમાં જ વિતાવતા. સિગારેટના ડબ્બા ખાલી થતા, પત્તાં રમતા. સરદાર પટેલ આ સમયે અવારનવાર ગાંધીજીના કરિશ્મા વિશે કહેતા પણ ખરા. ‘આ ગાંધીમાં એવું તો શું છે કે બધા તેમને સાંભળવા ભેગા થઈ જાય છે’ જો કે સમય જતાં વલ્લભભાઈ પટેલ પણ ગાંધી વિચારોથી પ્રેરાયા અને સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા.
 

સરદારનું બિરુદ કેવી રીતે મળ્યું?
વર્ષ 1928માં ગાંધીજીના કહેવાથી બારડોલી સત્યાગ્રહનું કાબેલ નેતૃત્વ વલ્લભભાઈ પટેલે કર્યું હતું. આ નેતૃત્વ રંગ લાવ્યું અને પ્રજા એમને સરદારના હુલામણા નામથી સંબોધવા લાગી. 

બેંક બેલેન્સ માત્ર 237 રૂપિયા 
સરદાર પટેલના અવસાન બાદ જ્યારે એમનું બેંક બેલેન્સ ખબર પડી તો એ જાણીને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા. સરદારની અંગત મૂડી તરીકે માત્ર 237 રૂપિયાનું બેલેન્સ હતું. સરદાર પટેલ જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના ખજાનચી હતા. અવસાન પછી જ્યારે એમનાં દીકરી મણિબહેને પક્ષના હિસાબની વિગતો પક્ષના નેતાઓને સોંપી તો ખબર પડી કે સરદાર સાહેબે એક પણ રૂપિયો પોતાના અંગત કામ માટે વાપર્યો નહોતો. જ્યારે સરદારે પોતાના સંબંધો અને વગ વાપરીને પક્ષ માટે ભંડોળ ભેગું કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news