ડાયમંડ નગરીમાં મોટી ચોરી! નોકરી માંગવા આવેલો કર્મચારી 'કળા' કરી ગયો! 8.36 કરોડના હીરાની અદલા-બદલી
Surat News: કતારગામ, ફુલપાડા રોડ પર વ્રજ ડાયમંડમાં નોકરી કરતા કર્મચારીએ તેના સાળા અને મિત્ર સાથે મળી ઊંચા ગ્રેડના હીરા બદલી નાંખી સારા હીરાની ચોરી કરી હતી. માલિકે સોફટવેર ડેવલપરને બોલાવી તપાસ કરાવતા કર્મચારીનો ભાંડો ફુટી ગયો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: કતારગામ ફુલપાડા રીડ ખાતે મુંબઈની કંપની માટે હીરા પોલીસ્ડ કરતી કંપનીમાં હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરતા કર્મચારીએ રૂ.15.63 કરોડના હીરાનો બદલો મારી નીચી ગુણવત્તાના હીરા મૂકી બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળાના મિત્ર મારફતે વેચી રૂ.8.37 કરોડ ત્રણ હિસ્સે વહેંચી દીધા હતા. આ અંગે જાણ થતા હીરાની કંપનીના ભાગીદારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.8.37 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે કર્મચારી અને હીરા વેચનારની ધરપકડ કરી છે.
સુરતના સરથાણા જકાતનાકા આશીર્વાદ રો હાઉસ ઘર નં. 40માં રહેતા 52 વર્ષીય પ્રવિણભાઈ મનુભાઈ વઘાસીયા કતારગામ ફુલપાડા રોડ મહેતા પેટ્રોલ પંપ પાસે આસારાવાળા કંપાઉન્ડ ખાતે વ્રજ ડાયમંડના નામે ભાગીદારીમાં હીરા પોલીશ્ડ કરવાનું કામ કરે છે. મુંબઈ બાંદ્રા ઈસ્ટ બી.કે.ભારત બુર્સમાં આવેલી ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લીનું જ કામ કરતી કંપની વ્રજ ડાયમંડમાં આવતા રફ હીરાને વિવિધ પ્રોસેસ કરવા અહીં 100 થી વધુ કર્મચારી કામ કરે છે.
તે મુજબ હીરા પોલીશ્ડ થયા બાદ તેની ગ્રેડીંગની એન્ટ્રી કંપનીના ચોથા માળે બેસતા ગૌતમભાઈ રાણા અને અશોકભાઈ ગલથરીયા કરીને તેના પેકેટ બદલી દરેક પેકેટ પર લોટ નંબર લખી પાંચમા માળે બેસતા જુગલ પટેલને જાતે જઈ આપે છે.જુગલ દરેક હીરાનું વજન કરી હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરે ત્યાર બાદ સ્ટોક રૂમમાં આપે પછી તેના ચલણ બનાવી મુંબઈ ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી ને મોકલવામાં આવે છે.
આ તમામ કાર્યવાહી માટે બનાવેલા સોફ્ટવેરમાં ગ્રેડીંગની એન્ટ્રીનું કામ કરતા દરેકને યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા છે.દરમિયાન, ગત 17 માર્ચના રોજ ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી ના માલિક સમીરભાઈ મહેતાએ વ્રજ ડાયમંડે તૈયાર કરેલા હીરાના જીઆઈએ સર્ટિફિકેટમાં હીરામાં અગાઉ પણ નંબર છપાયા હોવાની જાણ કરતા સોફ્ટવેરમાં ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે 24 થી 27 ડિસેમ્બર 2022 દરમિયાન ચાર વખત એક જ પેકેટના હીરાનું ગ્રેડીંગ બદલવામાં આવ્યું હતું.
આથી મેનેજર કાંતિભાઈ સીંગાળા, ધર્મેશભાઈ સાકરીયા અને હીરા ગ્રેડીંગની એન્ટ્રીનું કામ કરતા ગૌતમભાઈ રાણા, અશોકભાઈ ગલથરીયા અને જુગલ પટેલની પુછપરછ કરતા જુગલ પટેલે પોતે ગૌતમભાઈ રાણા અને અશોકભાઈ ગલથરીયાના યુઝરનેમ અને પાસવર્ડથી પોતાના કોમ્પ્યુટરમાં લોગઈન કરી 2 માર્ચ 2021 થી 17 માર્ચ 2023 દરમિયાન બે વર્ષના સમયગાળામાં રૂ.15,63,23,243 ના હીરાનો બદલો મારી રૂ.7,26,32,191ની કિંમતના નીચી ગુણવત્તાના હીરા મૂકી બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળા ચિરાગ રેશમવાલાના મિત્ર રુચિત મહેતા મારફતે વેચી રૂ.8,36,91,052 ત્રણ હિસ્સે વહેંચી દીધાની કબૂલાત કરી હતી.
આ હકીકતના આધારે પ્રવિણભાઈ વઘાસીયાએ ગતરોજ ક્રાઈમ બ્રાન્ચમાં જુગલ સુરેશભાઈ પટેલ , તેના સાળા ચિરાગ વિજયભાઈ રેશમવાલા અને તેના મિત્ર રુચિત રાજેશભાઈ મહેતા વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.એન.પરમારે જુગલ પટેલ અને રુચિત મહેતાની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે