દેવગઢ બારીયાની પાનમ નદીમાં ઘોડાપૂર આવતાં રેતી ખનન કરતા ટ્રક, ટ્રેક્ટર સહિતના ભારે વાહનો તણાયા
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક નાની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે, મધ્યગુજરાતમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ધરતીપૂત્રો ખુશખુશાલ
Trending Photos
દાહોદઃ રાજ્યમાં શુક્રવારે મેઘરાજાએ ફરીથી પધરામણી કરી હતી. શુક્રવાર સવારથી સમગ્ર રાજ્યમાં વરસાદે જોર પકડ્યું હતું. રાજ્યની અનેક નાની નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી તો કેટલીક નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શુક્રવાર સાંજ સુધીમાં 4થી 5.5 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની પાન નદીમાં પણ ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યા હતા. અચાનક જ આવેલા આ ઘોડાપૂરમાં પાનમ નદીમાં રેતી ખનન માટે રહેલા 7 જેટલા મોટા ટ્રક અને ડમ્પર, 7 ટ્રેક્ટર અને 2 જેસીબી મશીન તણાઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે આટલા ભારે વજનદાર વાહનો પણ તણાઈ ગયા હતા.
વાહનો રેત માફિયાના હોવાની આશંકા
પાનમ નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે તેમાં 7 મોટા ટ્રક, ટ્રોલી સહિતના 7 ટ્રેક્ટર અને નદીમાંથી રેતી કાઢવા માટેનાં જેસીબી મશીન તણાઈ ગયા હતા. જોકે, આટલા ભારે વાહનો તણાઈ ગયા છે તેની જાણ પૂરના પાણી ઓસર્યા બાદ થઈ હતી. પૂરના પાણી ઓસરી જતાં આ વાહનો એક-બીજાની ઉપર ચડી ગયેલા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ આ વાહનો રેતીની ચોરી કરતા રેત માફિયાનાં હોવાની આશંકા છે.
પાનમ નદીનું પૂર જોવા લોકોનાં ટોળાં ઉમટ્યા
દેવગઢ બારીયાની પાનમ નદીમાં આવેલા ઘોટાપૂરને જોવા માટે આજુ-બાજુના ગામોમાં રહેતાં લોકોના ટોળે-ટોળાં ઉમટી પડ્યા હતા. તંત્રએ લોકોને પાણીમાં ન જવા માટે સલાહ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે