Navsari Flood : નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા

Navsari Flood Update : નવસારીની કાવેરી, પૂર્ણા અને અંબિકામાં જળસ્તર વધતાં પૂરનો વધ્યો ખતરો... વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતાં બરુડિયાવડમાંથી 350થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

Navsari Flood : નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા

નિલેશ જોશી/નવસારી :નવસારીમાં સાંબેલાધાર વરસી રહેલા વરસાદથી હવે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કારણ છેલ્લા 4 દિવસોમાં નવસારી શહેરની લોકમાતા પૂર્ણા નદીમાં પુરની સ્થિતિ બનતા હજારો લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડસમા દૂષિત પાણી હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. મૂશળધાર વરસાદમાં નવસારીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. પૂર્ણાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ભરાયા પાણી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરાઈ છે. 

નદીની જળસપાટી વધતા નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટે પહોંચતા એલર્ટ મૂકાયુ છે. કાવેરી અને અંબિકાની પણ એવી જ સ્થિતિ છે, બંનેની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસી જવા અને લોકોને આશ્રય સ્થાનોએ જવા કલેક્ટરે અપીલ કરી છે. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયુ છે. 

  • નવસારી-બારડોલી હાઉવે પર પાણી ઘુંટણસમા ભરાયા. સુતા ગામમા પાણી ઘુસ્યા પાણી
  • નવસારી શહેરમાં વરસાદના પગલે સીટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો. શહેરના માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે આજે શહેરમાં સીટી બસ નહીં દોડે. મુસાફરોએ ખાનગી વાહન અથવા પોતાના વાહનથી મુસાફરી કરવી પડશે

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ

ચાર દિવસથી પાણી ચઢે-ઉતરે છે 
ડાંગ અને સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદની સીધી અસરથી નદીઓના જળસ્તરમાં વધારો થાય છે અને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ભોવાવવું પડે છે. પૂર્ણા નદીમાં રાત્રે પાણી વધતા લોકોએ પોતાની ઘરવખરી તેમજ કિંમતી સુરક્ષિત સ્થળે લઈ જવા સાથે પોતાને પણ સલામત રાખવા પડે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘણા રાતે ઘર નજીક જ બેસીને ઉજાગરો કરી રહ્યાં છે, જ્યારે સવારે પાણી ઉતરતા લોકો ઘરની સફાઈ કરીને થાકે છે. જ્યારે ફરી રાતે વરસાદની ધમાકેદાર બેટીંગને કારણે રાત્રે ફરી સામાન ખસેડવો પડે છે અને ઉજાગરો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે ત્રીજા દિવસે ઝડપથી વધેલા પાણી અને વધુ પડતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરોમાં કેડ સમા પાણી દૂષિત હોવાથી એમાં પલડવાને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે. જ્યારે પાણી ઓસરતા હવે પાણી ઓસર્યા બાદ સફાઇ વહેલી થાય એવી માંગ પણ અસરગ્રસ્તો કરી રહ્યા છે. 

નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સુબીર તાલુકામાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂર્ણા નદી ફરી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાંથી વરસાદી પાણી નવસારી પહોંચતા, નવસારીમાં જળ સપાટી 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 3 ફૂટ વધીને 24 ફૂટ થઈ હતી. જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઝડપથી પાણી વધતા લોકોએ પોતના બાળકોને ખભે ઉંચકીને બહાર કાઢવા પડ્યા હતા. જ્યારે ઝડપથી વધતા પાણીને કારણે તંત્ર દ્વારા નવસારી-સુરત રાજ્ય ધોરીમાર્ગને બંધ કરી દીધો હતો, જેને કારણે વાહનવ્યવહારને મોટી અસર પડી હતી અને લાંબો ચકરાવો મારવો પડ્યો હતો. જ્યારે પાણી ભરાવાની વાત જાણતા જ શહેરીજનો પાણી જોવા વિરાવળ જકાતનાકે આવવા માંડતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ નફ્ફટ લોકો પોલીસની વાતને પણ માનતા ન હતા અને પોલીસે તેમને સમજાવવમાં માથાકૂટ કરવી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news