સંકટ સામે સરકારની તૈયારી, દરિયાકાંઠાના જિલ્લાઓમાં NDRFની ટીમો ખડે પગે રાજ્યના 9 મંત્રીઓએ સંભાળી 9 જિલ્લાની જવાબદારી
ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 320 કિલોમીટર દૂર છે. જેથી દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર અત્યારે વાવાઝોડાની અસરને ખાળવા માટે કામે લાગ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ પોતે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તંત્ર સામે સૌથી મોટું કામ છે લોકોનું સ્થળાંતર, કેમ કે મિલ્કતોને થનારું નુકસાન ભલે અટકાવી ન શકાય, પણ લોકોની જિંદગી તો બચાવી જ શકાય છે.
વાવાઝોડાને અટકાવી નથી શકાતું, પણ તેનાથી થનારા નુકસાનને ઓછું જરૂર કરી શકાય છે. આ માટે જરૂર પડે છે અસરકારક કામગીરી અને આયોજનની..
1998ના સુપર સાઈક્લોનમાં કંડલાની તબાહી અને ત્યારબાદ ત્રાટકેલા વાયુ અને તાઉતે જેવા વાવાઝોડાને જોતાં હવે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ પર છે. રાહત અને બચાવની આગોતરી તૈયારીમાં સરકાર કોઈ પણ કસર બાકી રાખવા નથી માગતી...
રાજ્ય સરકારના 9 મંત્રીઓને 9 જિલ્લામાં કામગીરીના નિરીક્ષણની જવાબદારી સોંપાઈ છે, ત્યારે તમામ મંત્રોઓએ પોતાને ફાળવેલા જિલ્લામાં મોરચો સંભાળી લીધો છે.
મોરબીના નવલખી પોર્ટ અને મીઠાના અગરમાં કામ કરતા 1500થી વધુ શ્રમિકોનું સ્થળાંતર કરાયું છે. શ્રમજીવીઓના સ્થળાંતર માટે તંત્ર અને સ્થાનિક ઉદ્યોગકારોએ વ્યવસ્થા કરી છે. નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો વાવાઝોડા સમયે બંદર પર હાજરી જીવલેણ બની શકે છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને દ્વારકા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે, ત્યારે તેમણે બંદરો પર, કાંઠા પર રહેતા લોકોના સ્થળાંતરની કામગીરીની સમીક્ષા કરી હતી. સ્થળાંતરિત લોકો માટેના શેલ્ટર હોમની પણ સંઘવીએ મુલાકાત લીધી હતી.
દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાનું ઓછું છે, તેમ છતા સૌરાષ્ટ્ર અને કચ્છની જેમ અહીં પણ સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર તેમજ રાહત બચાવની તૈયારીઓ કરાઈ છે. ઓલપાડના દરિયા કાંઠે NDRF અને SDRFની ટીમો ખડેપગે છે.
સંઘ પ્રદેશ દમણના દરિયા કાંઠે તો કલમ 144 લગાવી દેવાઈ છે. 16મી જૂન સુધી પ્રવાસીઓ અને માછીમારોને દરિકાંઠે ના જવા સૂચના અપાઈ છે.જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ થશે, તેમ છતા લોકો દરિયાની સ્થિતિ અને કલમ 144ને અવગણીને દરિયાના મોજાને માણવાની જોખમી કોશિશ કરી રહ્યા છે.
ગાંધીનગરના કન્ટ્રોલ રૂમમાંથી સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે તેમજ તંત્રને સૂચના જરૂરી સૂચના અપાય છે. NDRF અને SDRFની ટીમોન તૈનાતી અંગેના નિર્ણય પણ કન્ટ્રોલ રૂમમાંથી જ લેવાય છે..આ ટીમો સતત દરિયાકાંઠે સ્થિતિની સમીક્ષા કરી રહી છે. વાવાઝોડું જેમ જેમ નજીક આવશે તેમ તેમ આ જવાનોની કામગીરી અને જવાબદારી પણ વધશે.
અસરગ્રસ્તોના ઉપચાર માટે પણ તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. સરકારી હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ઉપરાંત જો જરૂર પડશે તો ખાનગી તબીબોની પણ મદદ લેવામાં આવશે. દવાઓ અને તબીબી ઉપકરણોનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કરાયો છે.
તંત્ર જ્યાં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે, ત્યાં કાર્યનિષ્ઠાની મિસાલ પણ સામે આવી રહી છે. કચ્છના અબડાસામાં પ્રાંત અધિકારીએ બોલાવેલી બેઠકમાં મહિલા તલાટી પોતાના એક વર્ષના બાળકને સાથે રાખીને હાજર રહ્યા હતા. આ પ્રકારના પ્રકારના દ્રશ્યો લોકોનું અને તંત્રનું મનોબળ વધારે છે.
વાવાઝોડાની તીવ્રતાને જોતાં કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોનફરન્સિંગથી આ બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ પ્રધાનમંત્રીએ તંત્રની તૈયારી અંગેની માહિતી ટ્વિટ કરીને આપી હતી. આવનારા કલાકોમાં આ તમામ તૈયારીઓની પરીક્ષા થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે