જીએસએલ કરશે ટેબલ ટેનિસ લીગનું આયોજન, ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ લેશે ભાગ
આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા મહત્ત્વના ખેલાડીઓમાં હરમીત દેસાઈ, સેનિલ શેટ્ટી, માનુશ શાહ, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, મોઉમા દાસ, રીથ રિશ્ય, સૌમ્યજીત ઘોષ, કૃત્ત્વિકા સિંહા રૉય, ઇશાન હિંગોરાણી, ફ્રેનાઝ છીપા અને ફિલનાઝ કાદરીનો સમાવેશ થાય છે.
Trending Photos
Teble Tennis League: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અમદાવાદમાં 17થી 21 ઑગસ્ટ દરમિયાન જીએસએલ ટેબલ ટેનિસ લીગનું આયોજન કરવા માટે સજ્જ થઈ ગયું છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલ ‘એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા’ ખાતે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ વાર્ષિક ઇવેન્ટ યોજવા પાછળનો વિચાર આ ગેમની લોકપ્રિયતાને પ્રોત્સાહન આપવાનો તથા વધુને વધુ ખેલાડીઓ અને નવી પ્રતિભાઓને આ લીગમાં જોડાવા અને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા ટેબલ ટેનિસ રમવા માટે ઉત્સાહિત હોય તેવા લોકોને એક સ્પર્ધાત્મક મંચ પૂરું પાડવાનો છે. આ પાંચ દિવસના ઇવેન્ટમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે અને 32 મેચમાં તેમની વચ્ચે રસાકસીભર્યા મુકાબલા થશે.
જીએસએલ ટેબલ ટેનિસ લીગ સમગ્ર ભારતની અને દર વર્ષની સૌથી પ્રતિષ્ઠિત લીગ બનવા તરફ અગ્રેસર છે તથા તેના આયોજન પાછળનો વિચાર આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવતી ટીમો અને સહભાગીઓ ભાગ લઈ શકે તે માટે તેમને એક મંચ પૂરું પાડવાનો છે.આ લીગનું આયોજન અન્ય કોઈ પ્રોફેશનલ લીગ મેચોની જેમ જ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક વ્યાવસાયિક સમુદાયો ટીમોની રચના કરવા માટે યોગદાન આપે છે અને ખેલાડીઓની હરાજી કરવામાં આવે છે. આ ફ્રેન્ચાઇઝીએ હરાજીના માધ્યમથી રૂ. 22 લાખની કુલ રકમમાંથી ખેલાડીઓને ખરીદ્યાં છે.
જીએસટીટીએના અધ્યક્ષ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, ‘ટેબલ ટેનિસની રમતમાં વધુને વધુ ખેલાડીઓ રસ લઈ રહ્યાં હોવાથી છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતમાં આ રમતની લોકપ્રિયતા ઘણી વધી છે. તમામ કેટેગરીઓના રાજ્ય સ્તરના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ્સમાં ખૂબ સારો દેખાવ કરી રહ્યાં છે. જીએસએલ ટેબલ ટેનિસ લીગ એ એક એવું મંચ છે, જે જુનિયર લેવલના ઉભરી રહેલા ખેલાડીઓ ટોચના સીનિયર ખેલાડીઓ સાથે રમી શકે અને પોતાના કૌશલ્યોને નિખારી શકે, તે માટે તેમને યોગ્ય એક્સપોઝર અને તક પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ખૂબ જ અનુભવી કૉચ તેમજ ટીમના સીનિયર સભ્યો પણ યુવાન અને ઉર્જાવાન ખેલાડીઓ સાથે વાતચીત કરતાં રહે છે અને તેમના કૌશલ્યોને ધારદાર બનાવવા માટે તેમનું માર્ગદર્શન પણ કરે છે.’
લીગ મેચો બે તબક્કામાં રમાશે
આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચો રમશે, જેમાં પ્રત્યેક ટીમે એકબીજાની સાથે રમવાનું રહેશે. જીતવામાં આવેલી પ્રત્યેક ગેમ માટે જે-તે ટીમને વિનિંગ પોઇન્ટ્સ આપવામાં આવશે. આ પ્રકારના વિનિંગ ગેમ પોઇન્ટ્સ પ્રત્યેક ટીમના કુલ પોઇન્ટ્સમાં ઉમેરી દેવામાં આવશે. પ્રથમ તબક્કાના અંતે મહત્તમ વિનિંગ પોઇન્ટ્સ ધરાવતી ટોચની ચાર ટીમો બીજા તબક્કા માટે ક્વૉલિફાઈ થશે.
પ્રથમ ક્વૉલિફાઇંગ મેચમાં આ લીગના પ્રથમ તબક્કાની ટોચની બે ટીમો એકબીજાની વિરુદ્ધ રમશે અને તેમાંથી જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. જોકે, હારનારી ટીમને બીજી ક્વૉલિફાઇંગ મેચ રમાડી ફાઇનલમાં પહોંચવાનો બીજો એક મોકો આપવામાં આવશે. આ દરમિયાન લીગના પ્રથમ તબક્કાની ત્રીજા અને ચોથા ક્રમની ટીમો એલિમિનેટર મેચમાં એકબીજાની વિરુદ્ધ રમશે. આ મેચની વિજેતા ટીમ પ્રથમ ક્વૉલિફાઇંગ મેચની હારનારી ટીમની સાથે રમશે. તો, બીજી ક્વૉલિફાઇંગ મેચની વિજેતા ટીમ ફાઇનલ મેચમાં પ્રથમ ક્વૉલિફાઇંગ મેચના વિજેતાની સામે રમશે.
આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી પ્રત્યેક ટીમ ગુજરાતના રજિસ્ટર થયેલા ખેલાડીઓ તથા આંતરરાષ્ટ્રીય / અન્ય રાજ્યના રાષ્ટ્રીય ખેલાડીઓનું સંયોજન હશે. આ ટીમના સંયોજનમાં બે મેન્સ કેટેગરી (ભારત અને ગુજરાત રેન્ક), જુનિયર્સ (અંડર 17 - મેન્સ અને વિમેન્સ); બે વિમેન્સ કેટેગરી (ભારત અને ગુજરાત રેન્ક) તથા 39 વર્ષથી મોટી વયના ગુજરાત રેન્કના ખેલાડીઓ ધરાવતી એક મેલ / ફીમેલ કેટેગરીનો સમાવેશ થાય છે.
કયા કયા ખેલાડીઓ લેશે ભાગ
આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા મહત્ત્વના ખેલાડીઓમાં હરમીત દેસાઈ, સેનિલ શેટ્ટી, માનુશ શાહ, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, મોઉમા દાસ, રીથ રિશ્ય, સૌમ્યજીત ઘોષ, કૃત્ત્વિકા સિંહા રૉય, ઇશાન હિંગોરાણી, ફ્રેનાઝ છીપા અને ફિલનાઝ કાદરીનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટના કૉચમાં એ. રાજનાથ કમલ, મુરલીધર રાવ, અંશુલ ગર્ગ, દીપક મલિક, પરાગ અગ્રવાલ, અનોલ કશ્યપ, સોમનાથ ઘોષ અને એન. રવિચંદ્રનનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે