નકલી બિયારણ! ખેડૂતોને ફક્ત સલાહોનો ડોઝ, આ ભૂલ્યા તો એક પણ રૂપિયો નહીં મળે
Ram Mokariya On Duplicate Seeds : ગુજરાતમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થતું હોવાની સાંસદની ફરિયાદ.. સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને લખ્યો પત્ર... બીજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ...
Trending Photos
Gujarat Farmers : ગુજરાતમાં નકલી બિયારણ મામલે સરકારની પોલ ખૂલી જતાં કૃષિ વિભાગ બચાવમાં ઉતર્યો છે. ખેડૂતો વર્ષોથી ગુણવત્તા વિનાનું બિયારણ વેચાતું હોવાની બુમરાણ પાડી રહ્યાં છે પણ આ અંગે કૃષિ વિભાગ મગનું નામ મરી પાડવાનું નામ લઈ રહ્યો નથી. આજે સાંસદની રજૂઆત બાદ હોબાળો થતાં કૃષિ નિયામક શીશીર સોલંકીએ ખુલાસો કર્યો છે કે, જે રજૂઆત મળી તે અંગે ચકાસણી કરીશું. નકલી બિયારણ એવું કશું હોતું નથી ફક્ત ખેડૂતોને ઉગાવો ઓછો આવતો હોય છે. આ સાથે એ પણ કબૂલ્યું છે કે ઈનલીગલ બિયારણ વેચાતું હોય છે, ખેડૂતોને અપીલ કે વિશ્વાસુ વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદે અને બિયારણ ખરીદે ત્યારે ખેડૂતો ચોક્કસ બિલ મેળવે. આમ સરકારે ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળીને હાથ અધ્ધર કરી દીધા હોય તેવો જવાબ આપ્યો છે. આ મામલે સરકારનો કૃષિ વિભાગ કાર્યવાહી કરે છે પણ વર્ષ 2015થી 2022 દરમિયાન ગુજરાતમાં 9 કંપનીઓ સામે નકલી બિયારણની ફરિયાદ થઈ છે અને આ મામલે 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતના હાથમાં ગુણવત્તા વિનાનું બિયારણ આવે તો ખેતી ખર્ચ તો માથે પડે પણ આખી સિઝન બગડી જવાનો ભય રહે છે પણ આ મામલે કૃષિ વિભાગ હાથ ખંખેરી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે ગુણવત્તા વિનાનું બિયારણ કપાસ અને મગફળીનું વેચાય છે. સરકાર પણ આ સારી રીતે જાણતી હોવા છતાં ગુણવત્તા વિનાની કંપનીઓ સામે કાર્યવાહી થઈ રહી નથી. બિયારણ વિક્રેતાઓ પણ વધારે કમિશનની લાલચમાં આ બિયારણને ખેડૂતો સુધી પહોંચાડી પોતાના ટાર્ગેટો પૂરા કરે છે.
માર્ચ મહીનામાં ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગુજરાતના કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં તેમને નકલી બિયારણ અંગેની 15 ફરિયાદો મળી છે જે પૈકી 11 સામે કાર્યવાહી ચાલુ છે. એક કંપનીનું લાયસન્સ રદ કરી દેવાયું છે અને એક કિસ્સામાં ખેડૂત અને કંપની વચ્ચે સમાધાન થઈ ગયું છે.દેશની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીએ 26 જુલાઈ 2022ના રોજ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોએ નકલી બિયારણનું વેચાણ થતું હોવાની જાણ થઈ છે. ગુજરાતમાં કપાસ, મગફળી અને સોયાબિનના નકલી બિયારણનો 150 કરોડ રૂપિયાનો જથ્થો આટલા વર્ષ દરમિયાન જપ્ત કરવામાં આવ્યો છે.
સરકારે ગત વર્ષે પણ 33 જિલ્લાઓમાં આ પ્રકારના નકલી બિયારણના ધંધા સામે કાર્યવાહી કરવા માટે 35 અલગ અલગ ટીમો બનાવી હતી. આમ છતાં આ વર્ષે પણ ગુણવત્તા વિનાના બિયારણની બૂમરાણ ઉઠી છે.
નકલી બિયારણ વેચનારને શું સજા થાય?
પેકેટ ઉપર ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે છે. પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો લાગે છે. ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે. બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે.
ખેડૂતોએ વાવણી સમયે આ ધ્યાન રાખવું
- વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ - સંકર જાતોનું જ બીજ ખરીદવું.
- સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશાં ગુજરાત રાજ્ય બીજ નિગમ અને ગુજરાત રાજ્ય બીજ નિગમનાં માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
- બિયારણના પૅકિંગ ઉપર બીજી પ્રમાણન એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી.
- શક્ય હોય ત્યાં સુધી 'ટ્રુથફુલ' બિયારણને બદલે સર્ટિફાઇડ' બિયારણ જ ખરીદવું.
- બિયારણ ખરીદતી વખતે પેકિંગ ઉપર બીજની સ્ફુરણની ટકાવારી દર્શાવેલી હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય તેની જોઈ ચકાસીને બિયારણી ખરીદી કરવી જોઈએ.
- સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતા વાવેલા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો ખેડૂતો માટે હિતાવહ નથી તેમ પણ જણાવવામાં આવે છે.
- ખેડૂતોને કોઈપણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
- બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું.
- બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
- ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.
- આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ઍગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી.
- વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે