વડોદરા ભાજપમાં અસંતોષની આગ પેટી : 3 મોટા નેતા નારાજ, સત્તા અને સંગઠન આમને-સામને

MLA Ketan Inamdar Resigns : લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ.... સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આપ્યું રાજીનામું....અંતર આત્માનો અવાજ સાંભળી આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું..
 

વડોદરા ભાજપમાં અસંતોષની આગ પેટી : 3 મોટા નેતા નારાજ, સત્તા અને સંગઠન આમને-સામને

Gujarat Loksabha Elections : વડોદરા ભાજપનો આંતરિક ઉકળાટ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ભાજપના મોટા મહિલા નેતા, બાદમાં દબંગ પૂર્વ ધારાસભ્ય અને હવે ધારાસભ્ય સહિતના મોટા નેતાઓની નારાજગી સામે આવી રહી છે. લોકસભાની બેઠકની વડોદરાની બેઠક માટે રંજન બેનની પસંદગી થતાં જ્યોતિબેન પંડ્યા નારાજ થયા હતા અને તેમણે મીડિયા સમક્ષ આ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જે બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ દબંગ અંદાજ માટે જાણીતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું  કે, વાઘોડિયા બેઠક પર કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો અને કઈ જાતિના કેટલા ઉમેદવારો લડે છે, તેના પરથી સમીકરણો નક્કી થશે. સમીકરણો જોઈને ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરીશ. આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભા જ નહીં, પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ. અને હવે કેતન ઈનામદારે રાજીનામું ધરી દીધું છે. ઈનામદારે દાવો કર્યો છે કે, તેઓ અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે.  

ત્યારે સવાલ એ છે કે, વડોદરા ભાજપમાં જ કેમ અસંતોષની આગ પેટી છે. જ્યોતિબેન પંડ્યા બાદ હવે કેતન ઇનામદારનો અસંતોષ બહાર આવ્યો છે. આ અગાઉ મધુ શ્રીવાસ્તવથી માંડીને દબંગ નેતાગીરી વડોદરામાં જ કેમ સામે આવી છે. વડોદરા ભાજપમાં ભૂકંપનું એપી સેન્ટર કેમ બન્યું છે. વડોદરા ભાજપ સંગઠન અને સત્તા પાન આમને સામે હોવાની રાજકીય ચર્ચાઓ છે. 

ketan_inamdar_savli_zee.jpg

કેતન ઈનામદાર નારાજ 
લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. તેઓએ મોડી રાતે ઈમેઈલ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદાર સતત બે ટર્મથી સાવલીથી ભાજપના ધારાસભ્ય છે. 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા. કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે, પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત સામે આવી છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં તેઓ નારાજ થયા હતા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઈનામદાર ચૂંટણી લડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજગી હતી. ચૂંટણીમાં સામે લડેલા કુલદીપસિંહ રાઉલજીને ભાજપે ડભોઇ વિધાનસભાની વિશેષ જવાબદારી સોંપતા કેતન ઇનામદાર નારાજ જોવા મળ્યા છે.    

રંજનબેન સામે મધુ શ્રીવાસ્તવે બળાપો કાઢ્યો 
મહત્વનું છે કે વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત પછી વડોદરા ભાજપમાં વિખવાદની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવે ગઈકાલે જો વિપક્ષમાં સક્ષમ ઉમેદવાર ન હોય તો પોતે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી. અને રંજનબેન ભટ્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

જ્યોતિ પંડ્યાનો રંજન ભટ્ટ સામે મોરચો
ભાજપ દ્વારા લોકસભાની બીજી યાદી જાહેર થતાં જ આંતરિક ડખાંઓ શરૂ થઈ ગયા છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી જેના કારણે સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યા નારાજ થઈ ગયા હતા અને તેમણે ખુલ્લેઆમ વાતનો વિરોધ કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા જ્યોતિ પંડ્યાએ જણાવ્યું કે, આજે મારો માયલો મારૂ જમીર માની રહ્યું નથી. આ રીતે કામ કરવું મને પસંદ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, તમે ફરી ફરીને એવા ઉમેદવારને ટિકિટ આપી છે જેને આખું શહેર પસંદ કરતું નથી. તમે હજારો લોકોને પૂછજો તો ખબર પડશે. હું એવું બોલી રહી છું જે પાર્ટી માટે સારૂ નથી. હું ડોક્ટર છું, હું સોશિયલ હેલ્થની વાત કરૂ છું.
 
શૈલેષ મહેતાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બાલકૃષ્ણને જાહેરમાં ટોણો માર્યો 
વડોદરાના ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ જાહેર મંચ પરથી બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) ને જાહેર મંચ પરથી ટોણો માર્યો હતો. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, વહુ સાસરે જાય ત્યારે બહુ વખાણ થતાં હોય પણ એ વહુ જ્યારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય? અને ઘરવાળા પણ એને કંઇ નજરે જુએ એ આપણે સૌ જાણીએ છીએ એટલે જ્યાં છીએ ત્યાં પછી કાયમી રહેવું જોઇએ. પછી આપણે જઇએ અને પાછા આવીએ ત્યારે માન-સન્માન ન જળવાય. એવા આપણા સમાજમાં દાખલા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસ છોડીને ફરી ભાજપમાં આવ્યા છે. તેઓ ગત વિધાનસભામાં શૈલેષ સોટ્ટા સામે ચૂંટણી લડ્યા હતા. પહેલી વખત જાહેર મંચ પર બે નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. ભાજપના કાર્યક્રમ દરમિયાન ટોંણો માર્યો હતો. ત્યારે ધારાસભ્યના નિવેદનને લઈને વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news