ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના કહેવાતા રાજીવ સાતવનું નિધન થયું 

Updated By: May 16, 2021, 10:53 AM IST
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના કહેવાતા રાજીવ સાતવનું નિધન થયું 
  • કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનના સમાચાર આપ્યા છે. જેને પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં દુખનુ મોજું ફરી વળ્યું

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાના માત આપી હતી. પરંતુ તેના બાદ તેમની તબિયત લથડી હતી. તેઓ ગઈકાલથી વેન્ટીલેટર પર હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનના સમાચાર આપ્યા છે. જેને પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં દુખનુ મોજું ફરી વળ્યું છે. 

કોરોનામુક્ત થયા બાદ તબિયત લથડી હતી 
રાજીવ સાંસદ મહારાષ્ટ્રના રાજ્યસભાના સદસ્ય છે. આ પહેલા તેઓ લોકસભામાં સાંસદ હતા. આ ઉપરાંત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. પક્ષના નેતાઓ તેમને ગુજરાત કોંગ્રેસનો અવાજ કહેતા હતા. ગત 22 એપ્રિલના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. જેના બાદ તેઓ રિકવર થયા હતા. પરંતુ તેના બાદ તેમને નિમોનિયા થયો હતો. જેથી તેઓ વેન્ટીલેટર પર હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પૂણેની જહાંગીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

રણદીપ સુરજેવાલાએ કહ્યું, જ્યા રહો ત્યાં ચમકતા રહો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, નિશબ્દ... આજે એક એવો સાથી ગુમાવ્યો છે, જેણે સાર્વજનિક જીવનનું પહેલુ પગલુ યુવા કોંગ્રેસમાં મારી સાથે ભર્યું હતું. અત્યાર સુધી અમે સાથે ચાલ્યા. રાજીવ સાતવની સાદગી, હાસ્ય, જમીન સાથે લગાવ, નેતૃત્વ અને પાર્ટી સાથે નિષ્ઠા અને દોસ્તી સદા માટે યાદ રહેશે. અલવિદા મારા મિત્ર, જ્યાં રહો ત્યાં ચમકતા રહો. 

તેમના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, જાહેર જીવનમાં સતત કાર્યરત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજીનું નિધન ખૂબજ દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને તથા એમના સ્નેહીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...!!