આ તે કેવું આત્મનિર્ભર બજેટ! 3 લાખ કરોડના 'ફ્લેટ બજેટ' સામે જાહેર દેવું 3.39 લાખ કરોડ

Gujarat Budget 2023 : સરકારે ભલે આ બજેટમાં કરવેરા વધાર્યા નથી પણ રાહતો પણ આપી નથી એ વાસ્તવિકતા છે. સરકાર આ બજેટને મોદી સરકારનું વિઝન અને આત્મનિર્ભર બજેટ ગણાવી રહી છે. રાજ્યમાં બજેટનો આંક 3.01 લાખ કરોડે પહોંચી ગયો છે. સારી બાબત એ છે કે સતત ગુજરાતનો ગ્રોથ વધી રહ્યો છે. વિકાસ માટે દેવું જરૂરી છે પણ એટલું પણ ન હોવું જોઈએ કે રાજ્યની આર્થિક સ્થિતિ બેલેન્સ ના રહી શકે
 

આ તે કેવું આત્મનિર્ભર બજેટ! 3 લાખ કરોડના 'ફ્લેટ બજેટ' સામે જાહેર દેવું 3.39 લાખ કરોડ

Gujarat Budget 2023 : ગુજરાતમાં સરકારે ફૂલ ગુલાબી અને આત્મનિર્ભર બજેટ રજૂ કર્યાના દાવાઓ કર્યા પણ એ ના ભૂલવું જોઈએ કે ગુજરાતનું જાહેર દેવું 5 લાખ કરોડ નજીક પહોંચશે. નવા વેરા- રાહતવિહોણું 3 લાખ કરોડના આ ફ્લેટ બજેટથી સામાન્ય જનતાને તો સીધો ફાયદો મળે કે નહીં પણ ગુજરાતમાં વિશ્વકક્ષાની આંતરમાળખાકિય સુવિધા વિકાસાવવા માટે સરકારે તિજોરી ખોલી નાંખી છે. 2023-24 ના બજેટના કદમાં 23.38 ટકાનો વધારો નોંધાયો છે. સરકાર હવે કૃષિ અને સર્વિસ સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે જાહેર દેવું રૂ. ૩,૩૯,૬૮૩ કરોડ થશે. સરકાર દેવા મામલે એમ બચાવ કરી રહી છે કે, જીએસડીપીના ૨૭ ટકા સુધી જાહેર દેવું લઈ શકે છે, પરંતુ રાજ્યનું જાહેર દેવું ૩૧ માર્ચ, ૨૩ની સ્થિતિએ જે રૂ ૩,૩૯,૬૮૩ કરોડે પહોંચવાનો અંદાજ છે તે જીએસડીપીના ૧૫.૨ ટકા જેટલું છે, તેથી રાજ્યની આર્થિક સ્થિતિ સદ્ધર કહી શકાય.

વિકાસની સાથે સાથે દેવું પણ વધશે
ગુજરાત સરકારનું જાહેર દેવું સુધારેલા અંદાજ પ્રમાણે ૨૦૨૨- ૨૩ના અંતે રૂ.૩,૩૯,૬૮૩ કરોડ રહેવાની ગણતરી છે, તે ૨૦૨૩- ૨૪ના અંતે ૧૨.૨૮ ટકા વધીને 3.81 લાખ કરોડ અને 2024-25ના અંતે 4.33 લાખ કરોડ અને 2025-26ના અંતે 4.80 લાખ કરોડે પહોંચશે એવું રાજ્યના બજેટ દસ્તાવેજોમાં ઉલ્લેખ છે. આમ ગુજરાતમાં વિકાસની સાથે સાથે દેવું પણ વધશે. 

આ પણ વાંચો : 

રાજ્ય સરકારે પોતે કબૂલ્યું
રાજ્ય સરકાર ભલે તેનું જાહેર દેવું કાબૂમાં હોવાનો દાવો કર્યા કરતી, પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે આંકડાની દૃષ્ટિએ જાહેર દેવામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ૨૦૧૬-૧૭ના અંતે રાજ્ય સરકારનું જાહેર દેવું જે રૂ.૧,૯૯,૩૩૮ કરોડ હતું, તે ૨૦૨૧-૨૨ના અંતે ૬૪.૬૫ ટકા વધીને રૂ,૩,૦૮,૩૦૨ કરોડે પહોંચ્યું હતું અને ૨૦૨૫-૨૬ના અંતે યાને ૨૦૧૬-૧૭ની સરખામણી માત્ર ૯ વર્ષમાં જ જબરજસ્ત રીતે ૧૪૧ ટકા વધીને રૂ. ૪,૮૦,૩૦૨ કરોડે પહોંચવાનો અંદાજ બતાવાયો છે. રાજ્ય સરકારે ૨૦૧૯-૨૦માં રૂ. ૧૬,૭૦૧.૭૬ કરોડ, ૨૦૨૦- ૨૧માં રૂ.૧૭,૯૨૨.૪૫ કરોડ, ૨૦૨૧-૨૨માં રૂ. ૨૪,૪૩૬.૦૧ કરોડ અને સુધારેલા અંદાજ મુજબ ૨૦૨૨-૨૩માં રૂ. ૨૨,૨૪૦.૨૭ કરોડની ચુકવણી જાહેર દેવા પેટે કરી છે, જ્યારે આ ચુકવણી ૨૦૨૩-૨૪ના અંતે રૂ. ૨૬,૩૦૪.૪૮ કરોડ થવાનો અંદાજ દર્શાવાયો છે.

દેવું એટલુ પણ ન હોવું જોઈએ કે...
આમ સરકારે ભલે આ બજેટમાં કરવેરા વધાર્યા નથી પણ રાહતો પણ આપી નથી એ વાસ્તવિકતા છે. સરકાર આ બજેટને મોદી સરકારનું વિઝન અને આત્મનિર્ભર બજેટ ગણાવી રહી છે. રાજ્યમાં બજેટનો આંક 3.01 લાખ કરોડે પહોંચી ગયો છે. સારી બાબત એ છે કે સતત ગુજરાતનો ગ્રોથ વધી રહ્યો છે. વિકાસ માટે દેવું જરૂરી છે પણ એટલું પણ ન હોવું જોઈએ કે રાજ્યની આર્થિક સ્થિતિ બેલેન્સ ના રહી શકે. હાલમાં સરકાર આ મામલે પોતાનો બચાવ કરી રહી છે. પણ આગામી દિવસો જ બતાવશે કે સરકારના નિર્ણયો સાચા હતા કે ખોટા....

આ પણ વાંચો :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news