ગુજરાત યુનિવર્સિટી બની મળતીયાઓને સેટ કરવા અને પરિવારવાદનો ગઢ, નિયમો નેવે મૂકાયા
Gujarat University Scam : ગુજરાત યુનિવર્સિટી મળતીયાઓને સેટિંગ કરાવવા અને પરિવારવાદનું ગઢી ચૂકી છે... આ રહ્યો ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોનો ત્રીજો ધડાકો, જેમાં અમે અનેક બાબતોને ઉજાગર કરી રહ્યાં છીએ.
Trending Photos
Gujarat Education System Fail - અતુલ તિવારી / અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીના સિક્યોરિટીના કર્મચારીઓ સાથે પણ જો વાત થઈ જાય તો કૌભાંડની અનેક વાતો જાણવા મળી જતી હોય છે, જેની ખરાઈ જે તે વિભાગના કર્મચારીઓ સાથે વાત કરતા સરળતાથી થઈ શકે છે. CCC પરીક્ષામાં રૂપિયા લઈ પાસ કરવાની વાત હોય કે પછી સાહેબ દ્વારા એન્ટી ચેમ્બરમાં બોલાવી કબાટમાં બીલની ટકાવારી લેવાની હોય આ તમામ બાબતે કર્મચારીઓ ખુલીને ચર્ચાઓ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ તો એવું પણ કહી રહ્યા છે કે, કેટલાક લોકોના ફોનમાં વોટ્સએપ ચેટ પણ તપાસી લેવાય તો કોઈને કાંઈ પૂછવાની જરૂર જ ના રહે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટી મળતીયાઓને સેટ કરવા તેમજ પરિવારવાદનું ગઢ બની ચૂક્યાંની ચર્ચા સૌ કર્મીઓ કરે છે. કેટલાક કર્મીઓ તો દીકરા, દીકરી તો કેટલાક તો પત્નીને પણ ગુજરાત યુનિવર્સિટીમાં સેટ કરી ચૂક્યા છે. જો આ કર્મચારીઓ પરિવારના બધા સભ્યોને પોતાની સાથે જ નોકરી અપાવી શકે તો વિચારી શકાય છે કે, આવા કર્મચારીઓ માટે કૌભાંડ કરવું કેટલું સરળ રહેતું હશે. તેમના મૂળ કેટલે સુધી ઊંડા પહોંચી ચૂક્યા હશે.
ઝી 24 કલાક ગુજરાત યુનિવર્સિટીમા ચાલી રહેલા કૌભાંડોના ખુલાસો કરી રહ્યું છે. ગઈકાલે અમે યુનિવર્સિટીના 8 કૌભાંડો ખૂલ્લા પાડ્યા હતા. ત્યારે આ કડીમાં આ રહ્યા બીજા કૌભાંડો.
9. કોરોનાકાળ સમયે કોવિડ હોસ્પિટલ ચલાવવા 40 કરોડ રૂપિયા GUSECની કંપનીમાં લેવાયા, ગંભીર વિવાદ સર્જાતા તત્કાલીન કુલપતિ પહેલાં GUSECના CEO ની વિદાય
કોરોનાકાળનો સમય હતો, ગુજરાત યુનિવર્સિટીને કોવિડ હોસ્પિટલ માટે 40 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાની ચર્ચા થતી હોય છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ થઈ હતી, જેના માટે આવેલા 40 કરોડ રૂપિયાની સહાય ગુજરાત યુનિવર્સિટીના ખાતામાં નહોતી લેવાઈ. આ કરોડો રૂપિયાની રકમ GUSEC માં રહેલી કન્સલ્ટન્સી ફાઉન્ડેશન કંપનીમાં લેવાઇ હતી. આ કંપનીમાં કરોડોની રકમ લેવામાં આવતા કેટલાક સેનેટ - સિન્ડિકેટ સભ્યોએ વિરોધ પણ કર્યો હતો. નાણાકીય આર્થિક વ્યવહારો ચકાસવા માટે પ્રયાસો પણ થયા, દબાણ વધતા કમિટી પણ બનાવાઈ હતી. જો કે પરિણામ કાંઈ ના આવ્યું. તત્કાલીન કુલપતિની ટર્મ પુરી થાય એ પહેલાં જ GUSEC ના CEO રાજીનામુ આપી રવાના થઈ ગયા. GUSEC નું પોતાનું બોર્ડ હોવાથી તેમજ કોરોના સમયે હોસ્પિટલનું સંચાલન GUSEC અંતર્ગત કંપની દ્વારા થતું હોવાથી આવેલા નાણાં કયા ગયા તેની કોઈ માહિતી નથી. ડિઝાસ્ટર સમયે કરાયેલ ખર્ચનું ઓડિટ થતું નથી. ગુજરાત યુનિવર્સિટીનો આ હિસ્સો ખૂબ ચર્ચાસ્પદ બની ચૂક્યો છે. હવે તો GUSEC ના નવા CEO તરીકે નવી નિમણુક પણ થઈ ચૂકી છે અને જૂના CEO પર જે તે સમયે સેનેટ અને સિન્ડિકેટ સભ્યો દ્વારા કરાતા ભ્રષ્ટાચારના આરોપો પણ ફાઈલોમાં ઢંકાઈ ચૂક્યા છે.
10. ગુજરાત યુનિવર્સીટીમાં એવી ખાનગી કંપની જેના પર દબાણ કરી શકો અથવા તે ઈચ્છે તો નાપાસને પણ પાસ કરી શકે
ગુજરાત યુનિવર્સિટીમાં ક્રિષ્ના સોફ્ટટેક નામની એજન્સી ચાલે છે. જે અગાઉ પ્રવેશ પ્રક્રિયાની કામગીરી કરતી હતી. પરંતુ એ સમયે કેટલાક સિન્ડિકેટ સભ્યોને પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માંગતા હોવાથી સરકારી એજન્સીને લાવવામાં આવી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી સહિત અનેક પ્રકારની પરીક્ષાઓને લાગતી સ્કેનિંગની કામગીરી ક્રિષ્ના સોફ્ટટેક દ્વારા થાય છે. આ કંપની દ્વારા બારકોડ અને OMR શીટ સાથે છેડછાડ કરવાનો અવકાશ રહેલો છે, તેવી ચર્ચાઓ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ કરતા નજરે પડે છે. આ કંપની પર જો દબાણ આવે અથવા પોતે ઈચ્છે તો નાપાસ ઉમેદવારને પાસ કરવાની પણ તાકાત રહેલી છે અને ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં પાસ ના થઇ શકતા લોકો પણ પાસ થયાની ચર્ચા ગુજરાત યુનિવર્સિટીમાં સમયાંતરે સાંભળવા મળતી રહે છે.
11. સૌથી જૂની અને મોટી એવી સરકારી યુનિવર્સીટીમાં વર્ષ 2015-16 સુધી સરકારી ઓડિટ થઈ શક્યું નથી. સરકારી ઓડિટ થાય તો કર્મચારીઓને પણ નવા જૂની થવાનો ભય
રાજ્યની સૌથી જૂની અને મોટી ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી ઓડિટ થઈ નથી રહ્યું. જો સરકારી ઓડિટ થઈ જાય તો અનેકની ઊંઘ ઊડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2015-16 થી ગુજરાત યુનિવર્સિટીનું સરકારી ઓડિટ થયું જ નથી. કોના વિશ્વાસ અને આદેશથી આ સરકારી ઓડિટ નથી થઈ રહ્યું એ વિષય પણ ચર્ચાનો બની ચૂક્યો છે. જો એકવાર ઓડિટ થાય તો અનેક કાગળો શોધવા પડે અને ના પણ મળે એવું પણ બને. જો સરકારી ઓડિટ થઈ જાય તો અનેક ખેલાડીઓના ખેલ બગડે એવી ચર્ચા નવા આવેલા કર્મચારીઓ પણ કરતા રહ્યા છે. જોવાનું એ રહેશે કે સરકારી ઓડિટ ક્યારે થાય છે, કેમકે છેલ્લા 7 વર્ષથી સરકારી ઓડિટ સરકારી યુનિવર્સિટીમાં થઈ શકી નથી.
12. ગુજરાત યુનિવર્સીટીના કન્સલ્ટન્ટની ચર્ચાઓ પણ તેજ. કેટલાક વિભાગના હંગામી કર્મીઓએ પણ ગાડી ખરીદી લીધી
ગુજરાત યુનિવર્સીટીમાં પહોંચો એટલે તેના કન્સલ્ટન્ટ અંગે પણ અનેક પ્રકારની ચર્ચાઓ સાંભળવા મળે. ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટ્રસ કંપનીના નામથી અનેક કામકાજ કરવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં જુદી જુદી પ્રકારની કામગીરી માટે કન્સલ્ટન્ટનો અભિપ્રાય લેવામાં આવે છે. આ અભિપ્રાય કેટલીકવાર ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. બાંધકામ સાથે સંકળાયેલા કેટલાક હંગામી કર્મચારીઓ તો ગાડીઓ લઈને ફરતા થઈ છે, આવા કર્મચારીઓના નામ લઈને પણ કેટલાક લોકો ખુલીને વાત કરે છે. જો કે કૌભાંડ આચરવા કેટલાક કામોમાં કન્સલટન્ટનો અભિપ્રાય ના પણ લેવાયો હોય એવું પણ બન્યું છે, તેવી ચર્ચાઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે