ભરતસિંહની ભક્તિ! એકવાર કોંગ્રેસને મોકો આપો, પછી રાહુલ ગાંધી જ 25 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેશે
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુંકે, ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આવા સમયે પ્રજા પરિવર્તન માંગી રહી છે. કોંગ્રેસે પણ અહીં પોતાની જાતને સાબિત કરવાની છે.
Trending Photos
શંખનાદ 2022/ZEE24કલાક: કોણ જીતશે? કોણ હારશે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોની કેવી તૈયારીઓ છે? એ તમામ સવાલોના જવાબો મેળવવા માટે ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક દ્વારા શંખનાદ 2022 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું. ઝી24કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદ 2022માં દરેક રાજકીય પક્ષોના તમામ મોટા નેતાઓએ હાજરી આપી. અને તેમણે તમામ તીખા સવાલોના શાલીનતાથી જવાબો પણ આપ્યાં. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ દરેક સવાલોનો જવાબ આપ્યો.
ક્યારે પુરો થશે ગુજરાતમાં કોંગ્રેસનો વનવાસ?
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યુંકે, વર્ષ 2017માં ક્યાંક અમારાથી કચાશ રહી ગઈ હતી. તેથી વિધાનસભા ચૂંટણીમાં અમને જનમત ન મળ્યો. પ્રજા અમારી માલિક છે, અમે પ્રજાના નિર્ણયને માથે બેસાડીએ છીએ. અમે વિવિધ ચિંતન શિબરો યોજીને તેનું અવલોકન કર્યું છે. છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. પણ લોકો હવે તેમના વિકાસના વાયદાઓને ઓળખી ગયા છે. હવે મોટા અને ખોટા માર્કેટિંગની રાજનીતિ નહીં ચાલે. મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ વખતે પ્રજા જરૂર કોંગ્રેસને આશીર્વાદ આપશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુંકે, ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આવા સમયે પ્રજા પરિવર્તન માંગી રહી છે. કોંગ્રેસે પણ અહીં પોતાની જાતને સાબિત કરવાની છે. જોકે, અમને એક મોકે આપશે જનતા તો અમે તમામ અપેક્ષાઓ પુરી કરીશું. મારા પિતા માધવસિંહ સોલંકીએ તો ગુજરાતમાં 149 સીટો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. એ તો એક ઈતિહાસ છે, ભાજપની તો ગઈ વખતે 100 બેઠકો પણ પુરી નહોંતી થઈ. આ વખતે એ આંકડો એના કરતા ઘણો નીચો જતો રહેશે.
કોંગ્રેસ કેમ તૂટે છે?
ભાજપ પાસે બહુમત છે અને સત્તા છે. ભાજપ પોતાની સત્તાના જોરે જોડ-તોડની રાજનીતિ કરે છે. સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિથી લોકોને ડરાવે છે. કોઈ કોંગ્રેસ છોડીને ડરના કારણે ભાજપમાં જાય છે તો કોઈ લોભ અને લાલચમાં આવીને જાય છે.
AAPની ગેરેંટીનું શું?
આમ આદમી પાર્ટીએ ભાજપની જ B ટીમ છે. આપ જેવી નાની મોટી પાર્ટીઓ તો કેટલીયે આવીને કેટલીએ ગઈ. પંજાબમાં સત્તા આવતાની સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું. પંજાબમાં આપ દ્વારા તમામ સરકારી કચેરીઓમાંથી ગાંધીજીની પ્રતિમા-તસવીરો કઢાવી નાંખવામાં આવી. રાષ્ટ્રપિતા અને ગરવા ગુજરાતીનું અપમાન ગુજરાતીઓ નહીં સાખી લે. ચૂંટણીમાં આપ ફેંકાઈ જશે.
રાહુલ ગાંધી 25 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેશેઃ
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુંકે, દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. જનતા હવે ભાજપની તાનાશાહીથી ત્રાહિમામ થઈ ગઈ છે. ગુજરાતની સાથો-સાથ દેશમાં પણ હવે કોંગ્રેસની સરકાર બનશે. પ્રજાએ એકવાર કોંગ્રેસને તક આપીને રાહુલ ગાંધીને 2024માં દેશના પ્રધાનમંત્રી તરીકે સુકાન સોંપવાનું છે. બસ પછી તો આગામી 25 વર્ષો સુધી રાહુલ ગાંધી જ દેશના પ્રધાનમંત્રી તરીકે રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે