ભારે રાજકીય ડ્રામા વચ્ચે AAPના કંચન જરીવાલાનો આક્ષેપ, 'કોંગ્રેસ ઉમેદવારના માણસો મને મારી નાખે તેવો ડર છે'

Gujarat Election 2022: AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે.

ભારે રાજકીય ડ્રામા વચ્ચે AAPના કંચન જરીવાલાનો આક્ષેપ, 'કોંગ્રેસ ઉમેદવારના માણસો મને મારી નાખે તેવો ડર છે'

Gujarat Election 2022, ચેતન પટેલ/સુરત: ગુજરાતની ચૂંટણીમાં હવે બરાબરનો રંગ જામ્યો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. સુરત કોર્પોરેશનમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી બાદ સુરતની બેઠકો પર સૌ કોઈની નજર છે. બીજી બાજુ સુરતની પૂર્વ બેઠક પરના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજકીય ડ્રામામાં આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તેમના ઉમેદવાર પર દબાણ કરી ફોર્મ પાછું ખેંચાવામાં આવ્યું છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચનાર કંચન જરીવાલાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારના માણસો મારી નાખે તેવો ડર છે. ઉમેદવારી પત્ર પરત ખેંચનાર કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને અરજી કરી સુરક્ષાની માંગ કરી છે. આ સાથે જ સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેને લઈને સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાક્રમ પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે.

સુરત પૂર્વ બેઠક પર AAPમાંથી ઉમેદવાર કંચન જરીવાલાએ જણાવ્યું હતું કે, મારા જીવને જોખમ હોવાની અરજી કરી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ હવે નવી રાજનીતિ શરૂ થઈ છે. કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને જે લેખિત અરજી કરવી છે, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો મને મારી નાખે તેવો ડર છે, જેથી મને સુરક્ષા આપવામાં આવે, લેખિતમાં કંચન જરીવાલાએ પોલીસ કમિશનરને સુરક્ષા માંગવા માટેની અરજી કરી છે. 

આશ્ચયજનક રીતે કંચન જરીવાલાએ અસલમ સાયકલવાલાના માણસો ઉપર પરોક્ષ રીતે આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ સુરત પોલીસ કમિશ્નરને સુરક્ષા આપવા પત્ર લખતા કહ્યું કે, 159 પૂર્વ વિધાનસભાની મેં મારું ઉમેદવારી પત્ર રાજીખુશીથી પાછું ખેંચી લીધું છે, અને હવે મને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાના માણસો જાનથી મારી નાખે તેઓ ડર છે જેથી મને અને મારા પરિવારને પોલીસ રક્ષણ મળે તેવી આજીજી પૂર્વક અરજી કરી છું. 

આ ઘટના ક્રમ બાદ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી કે, આપ ખરેખર આવા સામાજિક દૂષણ અને ખતમ કરવા માંગતા હોય તો પૂર્વ વિધાનસભા સીટ પર મારું સમર્થન કરો. આ સમગ્ર ખેલ ભાજપના ઇશારા પર થયો છે અને આમ આદમી પાર્ટી એ જો તેનો જવાબ આપવો હોય તો હું મજબૂત ઉમેદવાર છું અને તેઓ મને ખુલીને સમર્થન કરે તો ભાજપને વળતો જવાબ મળશે.

ગઈકાલે AAP એ લગાવ્યો હતો બીજેપી પર આક્ષેપ
આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કંચન જરીવાળા અને તેના પરિવાર પર ધાકધમકી આપવામાં આવી છે અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સૌ પ્રથમ કંચન જરીવાળાના પરિવારજનો પર દબાણ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કંચન જરીવાળા પર દબાણ વધતાં તેઓએ ચૂંટણી નહીં લડવા નિર્ણય કર્યો હતો.

કેજરીવાલે પણ વ્યક્ત કરી હતી આશંકા
અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીના ઉમેદવારનું અપહરણ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?

ઈસુદાન ગઢવી દ્વારા ટ્વીટ
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કંચન જરીવાલાને ભાજપના લોકો ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે. જોકે, કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચતા નાટકીય ડ્રામા સર્જાયો છે.

આપના રાજ્યસભા સાસંદ સંજયસિંહે કરી હતી પીસી
આપના રાજ્યસભા સાસંદ સંજયસિંહે પણ ગઈકાલે (બુધવાર) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કંચન જરીવાલાનો કથીત અપહરણ કરતો વિડિયો જાહેર કરશે. ભાજપની ગુજરાતમાં દયનિય સ્થિતિ હોવાથી લોકશાહીનું ગળુ દબાવી રહી છે. ભાજપે ચુંટણી પહેલા હાર માની લીધી છે, એટલે આવા પ્રયાસો કરે છે. કંચન જરીવાલાને બળ જબરી પુર્વક આરઓ ઓફીસ લઇ જઇ ફોર્મ રદ કરવા પ્રયાસ કર્યો. જેમાં સફળ ન થતાં તેમનુ અપહરણ કર્યુ. ગુજરાતમાં ચુટણી પંચને ભાજપ સીધુ ચેલેન્જ આપતુ હોય એમ દેખાય છે. 

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે 27 વર્ષ શુ કર્યુ એ જાહેર કરે ઉમેદવારનુ અપહરણ કેમ કરે છે. તેમના પર ફોર્મ પરત લેવાનુ દબાણ તાત્કાલીક રોકવુ જોઇએ. આપના નેતાઓ મુખ્ય ચુંટણી અધિકારી સાથે મુલાકાત કરી રજુઆત કરાશે. વિડિયો રીલીજ કરી ભાજપના મળતિયા લોકોના ફોટો રજુ કર્યા. રવિ નામના વ્યક્તિ સાથે દાઢી વાળા વ્યક્તિનો ફોટો, રવિનો ગુજરાતના મુખ્યમંત્રી અને પુર્ણેશ મોદી સાથેનો ફોટો રજુ કર્યો. અત્યાર સુધી ભાજપ ધારાસભ્યોનુ અપહરણ કરતી હતી હવે ઉમેદવારોનું અપહરણ કરી રહી છે. ભારતીય ચુટંણી પંચ ઉમેદવારને સુરક્ષા આપે અને તેને ભય મુક્ત વાતાવરણમાં ચુંટણી લડવા દે.

હવે શું બની રહ્યા છે નવા સમીકરણ?
હવે કંચન જરીવાલા ગુમ થયા હોવાના સમાચાર વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતો હવે નવા સમીકરણો બની રહ્યા છે. હવે આ બેઠક પર  સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે. AIMIM પાર્ટી દ્વારા મુસ્લિમ ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે, જેના કારણે તેમને મત મળે એવી શક્યતા ખૂબ ઓછી છે. હવે કંચન જરીવાલા ચૂંટણીમાં ન ઉતરે તો જ ભાજપ સરળતાથી જીતી શકે તેમ છે. હવે જોવાનું એ રસપ્રદ બનશે કે કંચન જરીવાલા પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચે છે કે ચૂંટણીમાં ઝંપલાવશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news