ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

Gujarat Elections 2022 : ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા, બેનરમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

ગૌરવ દવે/રાજકોટ :આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરા આવશે. વડોદરામાં બંને મુખ્યમંત્રી તિરંગા યાત્રા કાઢશે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ 'હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં' નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. 

ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત ગુજરાતના અનેક સ્થળો પર આમ આદમી પાર્ટી વિરોધી બેનર્સ લાગ્યા છે. રાજકોટ અને વડોદરામાં પણ બેનરો લાગ્યા છે. જેમાં ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’નું પોસ્ટરમાં લખાણ લખાયું છે. ગઈકાલે દિલ્હીના મંત્રીનો રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. 

આ બેનર્સમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. તો અરવિંદ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ’ તેવું લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ તેવું પણ કેટલાક બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એકતરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી હતી. સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ થયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે.

ત્યારે દિલ્હીની આ ઘટનાથી આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રચારને મોટો ફટકો પડી શકે છે. હાલ આપના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિન્દુ દેવી દેવતાના વિરોધમાં શપથની ઘટના બાદ આજે આમ આદમી પાર્ટી વડોદરામાં તિરંગા યાત્રા કાઢશે. શહેરના ભગતસિંહ ચોકથી કીર્તિ સ્થંભ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો તિરંગા યાત્રામાં જોડાશે. ત્યારે આ તિરંગા યાત્રામાં ધર્માંતરણની ઘટનાને લઈને વિરોધ થઈ શકે છે. ભાજપે ગઈકાલે લોકોને અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા અપીલ કરી હતી. ત્યારે આપની આજે તિરંગા યાત્રામાં લોકો વિરોધ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news