ગભરાતા નહીં! આવતીકાલે ગુજરાતભરના ફોનમાં વાઈબ્રેટ કે સાયરન વાગશે, આ સંદર્ભે થવાનું છે ટેસ્ટિંગ

સમગ્ર ગુજરાતભરમાં આવતીકાલે (16 ઓક્ટોબર 2023) સોમવારના રોજ સવારે 11.00 કલાકે ‘સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ’ (Large Scale Testing of Cell Broadcast) થનાર છે.

ગભરાતા નહીં! આવતીકાલે ગુજરાતભરના ફોનમાં વાઈબ્રેટ કે સાયરન વાગશે, આ સંદર્ભે થવાનું છે ટેસ્ટિંગ

ઝી બ્યુરો/અમદાવાદ: તમારા મોબાઈલમાં અચાનક કંઈક થવાનું છે. આ વાત સાંભળીને નવાઈ લાગીને... પરંતુ આ હકીકત છે. આવતીકાલે (16 ઓક્ટોબર) તમારા મોબાઈલમાં સાયરન વાગશે, જેના કારણે તમારે ગભરાવાની જરૂર નથી. અચાનક તમારો મોબાઈલ વાઈબ્રેટ થવા લાગશે, ત્યારબાદ તેમાંથી એક વિચિત્ર અવાજ આવશે. તમને જણાવી દઈએ કે, દરેક મોબાઈલ ધારકોને એક ટેક્સ્ટ મેસેજ મળ્યો છે જેમાં ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ અંગે સલાહ આપી છે.

સમગ્ર ગુજરાતભરમાં આવતીકાલે (16 ઓક્ટોબર 2023) સોમવારના રોજ સવારે 11.00 કલાકે ‘સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ’ (Large Scale Testing of Cell Broadcast) થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ તમારા મોબાઈલ ઉપકરણો પર કુદરતી આપત્તિઓની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ હવે તમારા મોબાઈલ દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટિંગ મેસેજ પ્રસારિત થશે. 

આ મેસેજ મોબાઈલ પર આવ્યો હતો
સલાહ: ટેલિકોમ્યુનિકેશન વિભાગ, ભારત સરકાર NDMA સાથે સેલ બ્રોડકાસ્ટનું પરીક્ષણ કરી રહ્યું છે. તમે તમારા મોબાઇલ પર ધ્વનિ/વાઇબ્રેશન સાથે પરીક્ષણ મેસેજ પ્રાપ્ત થઈ શકે છે. આ સંદેશાઓ પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ છે, સાચી કટોકટીના સૂચક નથી. આને તમારી બાજુથી કોઈ પગલાંની જરૂર નથી.

ગભરાશો નહીં, આ માત્ર એક ચેતવણી સંદેશ છે
જો તમને અચાનક તમારા મોબાઈલમાં વાઈબ્રેશનની સાથે અલગ અવાજ સંભળાય છે તો ગભરાવાની જરૂર નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા 16 ઓક્ટોબર, 2023ના રોજ તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ માત્ર એક ચેતવણી સંદેશ હશે જે તમને આપત્તિ વિશે ચેતવણી આપશે. આ મેસેજ તમને વાસ્તવિક કટોકટી વિશે સૂચવશે નહીં. આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.

એલર્ટ સંદેશમાં શું છે?
સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલા આ ચેતવણી મેસેજમાં લખવામાં આવ્યું છે કે, "આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ભારત સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તે તમારા તરફથી કોઈ કાર્યવાહી સૂચિત કરતું નથી." આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી ઓલ ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને લાગૂ  કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવાનો અને ઈમરજન્સી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે.

શું છે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ?
વાસ્તવમાં, સરકાર ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ પર કામ કરી રહી છે, જેથી પૂર, સુનામી, તોફાન કે અન્ય કોઈ કુદરતી આફત જેવી ઈમરજન્સીના કિસ્સામાં લોકોને તાત્કાલિક એલર્ટ કરી શકાય. એટલે કે, ઇમરજન્સી એલર્ટ એ ઇમરજન્સી નોટિફિકેશન સિસ્ટમનો એક ભાગ છે, જેનો ઉપયોગ સરકાર દ્વારા દૂરસંચાર વિભાગની મદદથી સ્માર્ટફોન વપરાશકર્તાઓને આવનારી કુદરતી આપત્તિ અથવા કટોકટીની માહિતી આપવા માટે કરી શકાય છે. કટોકટી ચેતવણીઓ આપત્તિ પહેલાં અથવા દરમિયાન લોકોને ચેતવણી આપીને જીવન બચાવવામાં મદદ કરશે. હાલમાં સરકાર આ સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે અને આવા એલર્ટ ઘણા લોકોના સ્માર્ટફોન પર મોકલવામાં આવી રહ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ સંદેશ એક ઈમરજન્સી ટ્રાયલ છે જેથી કરીને આપત્તિ જેવી ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને એલર્ટ કરી શકાય.

વાયરલેસ ઇમરજન્સી એલર્ટના ફાયદા
વાયરલેસ કટોકટી ચેતવણીઓ માત્ર કુદરતી આફતો જેવી પરિસ્થિતિઓમાં જ નહીં પરંતુ યુદ્ધ અથવા અન્ય પ્રકારની કટોકટીઓ દરમિયાન પણ ઉપયોગી સાબિત થઈ શકે છે અને સામાન્ય લોકોને ચેતવણી આપી શકે છે. વાયરલેસ ઈમરજન્સી એલર્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની મદદથી એલર્ટ સીધા સ્માર્ટફોન પર મોકલી શકાય છે. હકીકતમાં આજે ટીવી કે રેડિયો કરતાં સ્માર્ટફોનનો વધુ ઉપયોગ થાય છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આ એલર્ટ બધા ફોનમાં ડિફોલ્ટ રૂપે ઓન હોય છે, પરંતુ જો આ સેટિંગ તમારા ફોનમાં ઓન નથી તો તમારે તેને મેન્યુઅલી ઓન કરવું પડી શકે છે.

6 થી 8 મહિનામાં એલર્ટ સિસ્ટમ લાગુ થઈ શકે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'સરકાર આગામી 6થી 8 મહિનામાં એલર્ટ સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર આગામી મહિનાઓમાં ટીવી, રેડિયો અને રેલ્વે સ્ટેશન પર આવા એલર્ટ મેસેજ મોકલવાનું પરીક્ષણ પણ કરી શકે છે.

NDMA સાથે કામ કરી રહી છે સરકાર
ટેલિકોમ્યુનિકેશન વિભાગની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમે કહ્યું- મોબાઈલ ઓપરેટર્સ અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમની ઈમરજન્સી વોર્નિંગ ક્ષમતાને ચકાસવા માટે સમયાંતરે અલગ-અલગ વિસ્તારોમાં આવા ટેસ્ટિંગ કરવામાં આવશે. સરકાર આપત્તિ દરમિયાન સારી તૈયારી માટે NDMA સાથે કામ કરી રહી છે.

મોબાઈલમાં કેવી રીતે ઓન કરવું ઈમરજન્સી એલર્ટ?
સામાન્ય રીતે આ એલર્ટ મોબાઈલમાં બાય ડિફોલ્ટ ઓન રહે છે. જો કે, જો તમારા ફોનમાં આવા એલર્ટ મેસેજ નથી તો તેનો અર્થ એ છે કે આ એલર્ટ સેટિંગ તમારા ફોનમાં ઓન નથી. તમે તેને મેન્યુઅલી પણ ચાલુ અથવા બંધ કરી શકો છો.

ટ્રાયલ પહેલા ટેસ્ટિંગ મેસેજ આવી ગયા
ટ્રાયલ પહેલા સ્માર્ટફોન યુઝર્સના મોબાઈલ ફોન પર 'લાઉડ બીપ' સાઉન્ડ સાથે 'ઇમરજન્સી એલર્ટ: સીવિયર'નો ફ્લેશ મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તમારે આ અંગે ધ્યાન આપવાની કે ચિંતા કરવાની જરૂર નથી. 'આ મેસેજ ટેસ્ટ એનડીએમએ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પેન-ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવા અને ઈમરજન્સી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news