ઝટકો! DGPએ સસ્પેન્શનની કાર્યવાહી લટકાવતાં ગૃહવિભાગ એક્શનમાં આવ્યું, જાણી લો કેમ સસ્પેન્ડ થયા PI દહિયા

હવે સવાલ મોટો એ પણ છે કે સોલા પોલીસે કેમ પૂછપરછ કરવા દીધી પણ આ પૂછપરછ અને મીટિંગ એ શંકાસ્પદ બાબત લાગતાં આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ જે એચ દહિયાએ થોડા સમય પહેલા બાતમીને આધારે ગેરકાયદેસર અમેરિકા મોકલવાના કબુતરબાજીના કેસમાં બોબી ઉર્ફે ભરત પટેલની ધરપકડ કરી હતી.

ઝટકો! DGPએ સસ્પેન્શનની કાર્યવાહી લટકાવતાં ગૃહવિભાગ એક્શનમાં આવ્યું, જાણી લો કેમ સસ્પેન્ડ થયા PI દહિયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાલે મોટા નિર્ણયો લઈ સ્ટેટ મોનીટરીંગ સેલના સિનિયર પોલીસ અધિકારી જવાહર દહિયાને ગૃહવિભાગના આદેશ બાદ સસ્પેન્ડ કરી દીધા છે. આ કેસમાં મોટા સવાલો ઉભા થયા છે. આ રેલો છેક ઉપ સુધી પહોંચે તેવી સંભાવના છે. ડિંગુચા પ્રકરણમાં રેલો બોબી પટેલ સુધી પહોંચતાં આ મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કેસમાં બોબીને છોડાવવા માટે મોટા ધમપછાડા થયા છે પણ દિલ્હીથી આદેશ હોવાથી આ કેસમાં નેતાઓનું પોલીસે સાંભળ્યા વિના કાર્યવાહી કરી છે. આ કેસમાં બોબી એ આરોપી છે. એવી પણ ચર્ચા છે કે આ પ્રકરણમાં 30 કરોડની કટકી થઈ છે પણ આ બાબતે ફક્ત ચર્ચાઓ છે. આ કેસના આરોપી બોબીની  કસ્ટડી સોલા પોલીસ પાસે હતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ દહિયાએ બોબી પટેલની ગેરકાયદેસર રીતે પુછપરછ કરી હતી. 

હવે સવાલ મોટો એ પણ છે કે સોલા પોલીસે કેમ પૂછપરછ કરવા દીધી પણ આ પૂછપરછ અને મીટિંગ એ શંકાસ્પદ બાબત લાગતાં આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ જે એચ દહિયાએ થોડા સમય પહેલા બાતમીને આધારે ગેરકાયદેસર અમેરિકા મોકલવાના કબુતરબાજીના કેસમાં બોબી ઉર્ફે ભરત પટેલની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સાથે ૬૯ જેટલા પાસપોર્ટ મળી આવ્યા હતા.  જે બાદ બોબી પટેલ વિરૂદ્વ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને તેની તપાસ સોલા પોલીસ પાસે હતી. એસએમસીમાં હાલમાં નિર્લિપ્ત રાય છે. જેઓ નિર્ભય બની કાર્યવાહી કરવા જાણીતા છે. જેમની પર સરકારના સીધા ચાર હાથ છે. હર્ષ સંઘવીએ ગુનેહગારોને સબક શિખવવા માટે સીધી છૂટ આપી રાખી છે. આ હાઈપ્રોફાઈલ પ્રકરણમાં દહિયાનો રોલ પૂરો થતો હોવા છતાં દહિયા સોલા પોલીસ સ્ટેશન કેમ પહોંચ્યા એ બાબતો સવાલોમાં છે.

આ કેસમાં પીઆઇ જે એચ દહિયાએ સોલા પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ કસ્ટડીમાં રહેલા બોબી પટેલની પુછપરછ કરી હતી. આ અંગેની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને થતા તેમણે પીઆઇ દહિયા પાસેથી ખુલાસો માંગ્યો હતો. જે સંતોષકારક નહોતો. જેથી તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો. પંરતુ, ડીજીપી કોઇ કારણસર તેમના સસ્પેન્શનનો ઓર્ડર કરતા નહોતા. ગુજરાતના ડીજીપી પાસે હાલમાં 10 જ દિવસનો સમય છે. જે એચ દહિયા એક સમયે આશિષ ભાટીયાના ખાસ ગણાતા હતા. ભાટીયા અમદાવાદ હતા ત્યારે દહિયા એમની સાથે જ હતા. સસ્પેશનમાં વિલંબ થતાં આ બાબતે ગૃહવિભાગને જાણ થતા તાત્કાલિક હુકમ કરાયો હતો અને પીઆઇ દહિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. ફરજ મોકુફી દરમિયાન તેમને અમદાવાદમાં રહેવાનો હુકમ કરાયો છે. હવે કેવી કાર્યવાહી થાય છે એ તો આગામી સમયજ બતાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news