એક સમયે પલ્લીમાં જીવતા માણસને યજ્ઞકુંડમાં હોમી અપાતી હતી નરબલિ! જાણો પલ્લી સાથે જોડાયેલી કથા

પલ્લીનો પૌરાણિક ઈતિહાસ ખુબ જુનો છે. મહાભારત સાથે જોડાયેલી છે પલ્લીની કથા. કહેવાય છેકે, પલ્લી અને પાંડવો વચ્ચે ખાસ કનેક્શન છે. અને કોણ બંધ કરાવી પલ્લી પહેલાં નરબલિની પ્રથા એ પણ જાણો...

  • અંગ્રેજો પાસે કોણે કરી હતી નરબલિ બંધ કરવાની વિનંતી?

  • કઈ રીતે બંધ થઈ પલ્લીમાં બલિ ચઢાવવાની પ્રથા?
     
    પાંડવોના અજ્ઞાતવાસ અને પલ્લીની પરંપરા વિશે શું છે પૌરાણિક કથા

    સૌથી પહેલાં કોણે બનાવી હતી માતાજીની પલ્લી

Trending Photos

એક સમયે પલ્લીમાં જીવતા માણસને યજ્ઞકુંડમાં હોમી અપાતી હતી નરબલિ! જાણો પલ્લી સાથે જોડાયેલી કથા

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ વરદાયિની માતાની પલ્લીની પરંપર રૂપાલ ગામમાં પ્રતિવર્ષ નવમા નોરતે ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી પુજા-અર્ચના અને દર્શન કરે છે. એક એવી પણ લોકવાયકા છેકે, એક સમયે પલ્લી વખતે યજ્ઞકુંડમાં જીવતા માણસને હોમીને નરબલિ આપવાની પણ પ્રથા હતી. વર્ષો સુધી આ પ્રથા ચાલતી રહી હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન નાગર સમાજના દંપતીએ પલ્લીમાં નરબલિની પ્રથા બંધ કરાવી હોવાની લોકવાયકા છે. આ નાગર દંપતીના વારસદાર આજે પણ નોમની રાત્રે ઉનાવામાં યજ્ઞની વિધિમાં જોડાય છે. ક્રૂર અંધશ્રદ્ધામય પરંપરાને ઇ.સ.1875માં બેચર નાગર અને રલિયાતબા નામના નાગર દંપતીએ અંગ્રેજ સરકારના કાયમી મનાઈહુકમથી બંધ કરાવી હતી. ધાર્મિક વિધિના નામે ભારતભરમાં જાહેરમાં માત્ર "અહિંસામય યજ્ઞ" જ કરવો તેવો " કાયમી આદેશત્મક-મોન્ડેટરી હુકમ" કરાવ્યો હતો. 

આજે પણ બેચર નાગરે શરૂ કરાવેલો આ અહિંસામય યજ્ઞ ઉનાવામાં પલ્લીની રાત્રે યોજાય છે. બેચર નાગરની સાતમી પેઢીના વારસદાર આજે આ પ્રથાને આગળ વધારે છે. આજે પણ ભુવાજી યજ્ઞમાંથી શીતળ ફૂલ કાઢતાં હોય તેમ ધખધખતા અંગારા કાઢીને નાગર સમાજના વંશજના હાથમાં આપે છે. તેમના વંશજ એ અંગારાની અંજલિ "પુષ્પાઅંજલિ" સ્વરૂપે યજ્ઞમાં હોમે છે. એનાં દર્શન કરવા ભક્તો ઉનાવા આવે છે અને ત્યાર બાદ પલ્લીમાં ઘી હોમવા જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે. આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર માતાજીની પલ્લી નીકળે છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય અને એની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય એવાં દૃશ્યો રૂપાલમાં દર વર્ષે જોવા મળે છે. 

પલ્લી એટલે શું? 
પલ્લી એટલે શું? સહજ રીતે એવો સવાલ બધાને થાય. પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ. માઈભક્તો દ્વારા માતાજી માટે આ ખાસ રથ તૈયાર કરવામાં આવે છે. તેને ઘોડા દ્વારા નહીં પણ માઈભક્તો પોતાના ખભે લઈને પરિક્રમા કરે છે.

સૌથી પહેલાં કોણે બનાવી હતી પલ્લી?
પલ્લીનો પૌરાણિક ઈતિહાસ ખુબ જુનો છે. મહાભારત સાથે જોડાયેલી છે પલ્લીની કથા. કહેવાય છેકે, પલ્લી અને પાંડવો વચ્ચે ખાસ કનેક્શન છે. પાંડવો આદ્યશક્તિની ઉપાસના કરતા હતાં. તે સમયે પાંડવોએ સૌથી પહેલાં માતાજી માટે પલ્લી તૈયાર કરી હતી. સૌથી પહેલા પાંડવોએ માતાજી માટે સોનાની પલ્લી બનાવી હતી. પલ્લીના રથ ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જ્યોત ઝળહળે છે. માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વંય માતા બિરાજમાન હોય છે. માતાજીની પલ્લીમાં ગામના અઢારે આલમના લોકો સેવા આપે છે. આ પલ્લીના ઈતિહાસ અને મહત્ત્વ વિશે લખાયેલું છે કે દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને એની રક્ષા માટે માતા વરદાયિનીની પ્રાર્થના કરી હતી.

અજ્ઞાતવાસ પૂરો કરી પાંડવો કરી પલ્લીની પુજાઃ
આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાન હતું. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુન: માતાજીના સ્થાને પાછા ફર્યા હતા અને તેમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં એ પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ મહાભારતકાળથી પાંડવોએ કર્યો હતો. આ પલ્લીયાત્રા પાંડવાકાળથી ચાલી આવે છે. મા વરદાયિનીનો સાક્ષાત્કાર જોઈને માને નમન કરવા લાખો માઈભક્તો નવરાત્રિ દરમિયાન અને પલ્લીના દિવસે ખાસ રૂપાલ આવે છે.

પાટણના રાજા સિદ્ધરાજસિંહે બનાવી હતી પલ્લીઃ
વર્ષો પહેલાં પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી, પૌરાણિક કથાઓમાં એવો પણ ઉલ્લેખ છે.

રૂપાલની પલ્લી કોણ તૈયાર કરે છે?
હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહેવાય છેકે, રૂપાલની આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.

ઉનાવા ગામે નોરતાંની છેલ્લી રાતે પહેલાં જીવતા માણસને હોમી "નરબલિ યજ્ઞ" થતો હતો:
ઉનાવા ગામે નોરતાંની છેલ્લી રાતે "નરબલિ યજ્ઞ" થતો હતો. ઉનાવામાં જીવતો માણસ યજ્ઞકુંડમાં હોમાય તે ભોગનાં દર્શન કરીને પછી જ રૂપાલની પલ્લીમાં ઘી હોમવા જવાય! ત્યારે પલ્લીના દિવસે નવરાત્રિના છેલ્લા નોરતે ગાંધીનગરનાં ઉનાવા ગામે યોજવામાં આવતા યજ્ઞમાં નરબલિ (માણસનો બલિ)ની પરંપરાની લોકવાયકા પંથકમાં પંકાયેલી છે. યજ્ઞમાં બલિના નામે થતી આ હિંસા સામે ગામમાં રહેતા એક નાગર દંપતીએ અંગ્રેજ સરકારને રાવ કરીને આ પ્રથા બંધ કરાવી હતી. 

પલ્લી માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે:
પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માતાજીનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માતાજીનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે.

કુંભાર-પ્રજાપતિ સાથે જોડાયેલી પલ્લીની પ્રથાઃ
કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળીભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ, માતાજીનો સુંદર પલ્લી રથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માતાજીની શકિત મુજબ સેવા કરે છે.

શ્રદ્ધાળુઓ બાધા પૂરી થાય એટલે પલ્લીમાં ઘી ચઢાવે છે:
પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે, એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે.

વાલ્મીકિ સમાજના લોકો પલ્લીમાં ચઢાવેલું ઘીને એકઠું કરે છેઃ
પલ્લી નીકળી ગયા બાદ પણ ગામના વાલ્મિકી સમાજના લોકો ડોલ, ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મિકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈપણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે, ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ ઘી અર્પણ કરે છે.

(નોંધઃ અમારો આશય કોઈપણ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી. અહીં અમે માત્ર લોકવાયકાઓ પર આધારિત પલ્લીની પ્રથા અંગેની કથા પ્રસ્તુત કરી છે.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news