ઉડતા ગુજરાત ! યુવાનોમાં ભયજનક હદે વધી રહ્યો છે ડ્રગ્સનો ક્રેઝ, થશે શાળાઓનું ચેકિંગ

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સના કિસ્સાઓમાં ભયજનક હદે વધારો થયો છે, શાળા-કોલેજોમાં ચેકિંગ કરવું પડે તે હદ સુધી પહોંચ્યું ડ્રગ્સનું વળગણ

ઉડતા ગુજરાત ! યુવાનોમાં ભયજનક હદે વધી રહ્યો છે ડ્રગ્સનો ક્રેઝ, થશે શાળાઓનું ચેકિંગ

અમદાવાદ : ગુનાખોરી અને નશાબંધી મુદ્દે ગૃહરાજ્યમંત્રી પરદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં નશાબંધીનો કડક અમલ કરવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. જેમાં શિવાનંદ ઝાએ કહ્યું કે, આ મુદ્દે એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)ના માર્ગદર્શન હેઠળ SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) કાર્યવાહી કરશે. ડીજીપીએ કહ્યું કે, હાલમાં જ ગુજરાતમાં નશાયુક્ત પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કોલેજ અને સ્કુલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી રાખવા માટેની ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. 

યુવાનો પાર્ટીના બહાને ડ્રગ્સ લે છે
ડ્રગ્સનો કાળો ધંધો કરવાની સાથે તેના ઉપયોગમાં ગુજરાત પણ હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પાંચ વર્ષમાં રાજ્યના યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું હોવાનું માની રહ્યું છે. પહેલા કાશ્મીરથી મુંબઇ કે રાજસ્થાન થઇને ગુજરાત ડ્રગ્સ લવાતું અને અહીંથી કેરિયર મારફતે ડ્રગ્સ રીસીવરને સોંપાતુ હતું. હવે કેરિયર તરીકે નાઇઝીરીયનનો ઉપયોગ ગુજરાતમાં વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે યુવાઓ પાર્ટી કરવાનાં બહાને ગેરકાયદેસર ડ્રગ્સ ખરીદીને નશો કરી રહ્યા છે. જેમાં ગુજરાતનાં તમામ મોટા શહેરો મોખરે છે. 

અમદાવાદ ટોચે તો વડોદરા બીજા નંબર પર
નાર્કોટિક્સ વિભાગના અનુસાર અમદાવાદમાં સૌથી વધારે યુવાનો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. જ્યારે વડોદરામાં ડ્રગ્સનું ચલણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. થોડા દિવસો અગાઉ જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડાયરેક્ટરે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સના કેસમાં અચાનક વધારો થઇ ગયો છે. જો કે મોટા ભાગના કિસ્સાઓમાં વિદેશી નાગરિકો કેરીયર તરીકે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં અચાનક ડ્રગ્સનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધી રહ્યું છે. રાજ્યનાં તમામ મોટા શહેરોમાં યુવાનો ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news