Heavy Rain : રાજકોટમાં 12 કલાકમાં પોણા સાત ઈંચ વરસાદ, આજી નદી ગાંડીતૂર બની
Rajkot Rain Updates : 12 કલાકમાં 6.45 ઇંચ ધોધમાર વરસાદથી રાજકોટ પાણી-પાણી..પોપટપરા, માધાપર ચોકડી સહિત અનેક સ્થળે પાણી ભરાતા હાલાકી....આજી નદી બની ગાંડીતૂર...
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :મૂશળધાર વરસાદથી રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયુ છે. છેલ્લા 12 કલાકમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબકયો છે. આખા રાજકોટમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 9 સુધીમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો આજી-3 ડેમ ઓવરફ્લો થયો છે. તો ગોંડલનો સેતુબંધ ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો લાલપરી તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. રાજકોટના રસ્તા પર કેડ સમા પાણી ભરાયાં છે, જેને પગલે શાળા-કોલેજોમાં રજા આપી દેવાઈ છે.
રાજકોટમાં ક્યાં કેટલો વરસાદ
- સેન્ટ્રલ ઝોનમાં 7.76 ઈંચ
- ઇસ્ટ ઝોનમાં 6.24 ઈંચ
- વેસ્ટ ઝોનમાં 5.36 ઈંચ
ચારેતરફ પાણી જ પાણી
રાજકોટ શહેરમાં છેલ્લા 12 કલાકમાં સરેરાશ 6.45 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે રાજકોટ શહેરમાં નદી નાળા બે કાંઠે વહી રહ્યાં છે. રાજકોટ નજીક આવેલ લાલપરી તળાવ ઓવરફ્લો થયો છે. તો રાજકોટના જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ઘરમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી પડી છે. પાણી નિકાલની જગ્યાએ બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવતા પાણી ભરાયા હોવાના સ્થાનિકોએ આરોપ મૂક્યો છે. લલુડી વોકળીમાં ગોઠણ સમા પાણી ભરાયાં છે. રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ આજી-3 (ખજુરડી) ઓવરફ્લો થયો છે. ડેમના 2 ગેટ 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે