20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં સાકાર! સુરક્ષા વીંધીને કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ચાહક, ચાલુ કોમેન્ટ્રી છોડીને મળ્યા ગાવાસ્કર!

Happy Birthday Sunil Gavaskar: અગર કિસી કો ચાહો તો ઈતની શિદ્ધત સે ચાહો.. કે પુરી કાયનાત તુમ્હે ઉસસે મિલાને કી કોશિશ મેં લગ જાયે...અને આખરે વર્ષોની આતુરતાનો અંત આવ્યો...જે છેલ્લાં 20 વર્ષમાં નહોંતુ થયું એ સપનું 20 મિનિટમાં થઈ ગયું સાકાર! દંડવત થઈને રડતા ચાહકને જોઈને સુનીલ ગાવાસ્કર પણ થઈ ગયા ભાવુક. મહાન ક્રિકેટર સુનીલ ગાવાસ્કરના જન્મ દિવસ પર જાણો તેમના અમદાવાદી ચાહકની અદભુત કહાની...

20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં સાકાર! સુરક્ષા વીંધીને કોમેન્ટ્રી બોક્સમાં પહોંચ્યો ચાહક, ચાલુ કોમેન્ટ્રી છોડીને મળ્યા ગાવાસ્કર!

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ અમદાવાદનો એવો ક્રિકેટ ક્રેઝી જે ક્રિકેટ ખાય છે, ક્રિકેટ પીવે છે અને ક્રિકેટમય બનીને જ વર્ષોથી જીવે છે. તેનું આખુંય ઘર દુનિયાભરના ક્રિકેટ રેકોર્ડ્સ તેમજ ક્રિકેટર્સની દુર્લભ પુસ્તકોથી ભરેલું મંદિર છે અને તેના ભગવાન છે મહાન ક્રિકેટ સુનીલ ગાવાસ્કર... 10 જુલાઈ 1949માં મુંબઈમાં જન્મેલા સુનીલ ગાવાસ્કર આજે 72 વર્ષના થયાં. ક્રિકેટ અને કોમેન્ટ્રી ગણીને લગભગ છેલ્લાં 5 દાયકાથી આ મહાન ખેલાડી ક્રિકેટની રમત સાથે જોડાયેલાં હોવાથી દેશ અને દુનિયાભરમાં તેમના કરોડો ચાહકો છે. જોકે, તેમનો એક ચાહક એવો પણ છે જેની સાથે મુલાકાત થતાં જ ખુદ ગાવાસ્કર પણ ભાવુક થઈ ગયાં હતાં. એક તરફ પોતાના આઈકોનને મળીને દંડવત થઈને રડતો રહ્યો ચાહક... તો બીજા તરફ ક્રિકેટ અને તેમના પ્રત્યેની ચાહકની દિવાનગીની કહાની સાંભળીને ક્રિકેટની દુનિયાના લીટલ માસ્ટર પણ ગળગળા થઈ ગયાં.

No description available.

કહેવાય છેને કે, અગર કિસી કો ચાહો તો ઈતની શિદ્ધત સે ચાહો.. કે પુરી કાયનાત તુમ્હે ઉસસે મિલાને કી કોશિશ મેં લગ જાયે...કંઈક આવી જ શિદ્ધત ત્રિગુણની ચાહતમાં પણ હતી...પછી તેનું સપનું સાકાર થતાં કોણ રોકી શકે. અને આખરે વર્ષોની આતુરતાનો અંત આવ્યો...20 વર્ષ જુનું સપનું 20 મિનિટમાં થયું સાકાર!એ દિવસ હતો 19 નવેમ્બર, 2009 નો...અને સ્થળ હતું અમદાવાદનું તે સમયનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ. (જ્યાં રિનોવેશન બાદ હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું). જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે શાનદાર ટેસ્ટ ક્રિકેટ મેચ ચાલી રહી હતી. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતુ, કારણકે, ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ આ ગ્રાઉન્ડ ઉપર હતા અને તેમની ક્રિકેટ કરિઅરના 20 વર્ષ પુરા થતાં હોવાથી તેની પણ ઉજવણી થઈ રહી હતી. જોકે, એ સમય સચિનનો હતો પણ એક ફેન એવો હતો જે સચિનના પણ ગુરુ ગણાતા સુનીલ ગાવાસ્કરને મળવા આવ્યો હતો.

No description available.

આ આર્ટિકલમાં અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદના અખબારનગરમાં રહેતાં ત્રિગુણ શાહની...ગાવાસ્કર આજે 72 વર્ષના થયા અને તેમના આ ચાહકની ઉંમર પણ 42 વર્ષ છે. જોકે, આ ચાહકની ચાહતમાં જરા પણ કમી આવી નથી. ગાવાસ્કરનો આ ચાહક છેલ્લાં 3 દાયકા કરતા વધારે સમયથી તેમને ભગવાન માને છે અને તેમની પૂજા કરે છે. ગાવાસ્કર પ્રત્યેનાની દિવાનગી અને ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે ત્રિગુણભાઈ શાહે 42 ની ઉંમરે પહોંચવા છતાં લગ્ન નથી કર્યાં. તેમણે પોતાનું આખું જીવન ક્રિકેટ અને ગાવાસ્કર પ્રત્યેની તેમની લાગણીઓને જ સમર્પિત કરી દીધું. 

No description available.

ટોસ ઉછડતા પહેલાં કઈ ટીમ જીતશે તેની ખબર પડી જાય છે!
ત્રિગુણ વિશે તેમના મિત્રો કહે છેકે, ક્રિકેટ પ્રત્યેની એમની લગન એટલી છેકે, ટોસ ઉછડતા પહેલાં કઈ ટીમ જીતશે એ તેમને ખબર પડી જાય છે. વિવિધ દેશોની પીચ કંડીશન, વેધર કંડીશન, ગ્રાઉન્ડ અને ટીમોનો જૂનો ઈતિહાસ અને ખેલાડીઓના ટ્રેક રેકોર્ડ બધુ જ ત્રિગુણભાઈને મોંઢે યાદ હોય છે. એટલું જ નહીં વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓની ખુબી અને ખામી બધુ જ તેમને પરફેક્ટ યાદ હોય છે. છતાં આ ક્રિકેટ ક્રેઝીની તેના આઈકોન સુનીલ ગાવાસ્કર સાથેની મુલાકાત આસાન નહોંતી. પોતાના આઈકોન, પોતાના આઈડોલ પોતે જેને ભગવાન માને છે તેવા સુનીલ ગાવાસ્કરને મળવા માટે ત્રિગુણે 20 વર્ષ સુધી રાહ જોવી પડી. પછી આવ્યો એ દિવસ કે જ્યારે અમદાવાદના આ ક્રિકેટ ક્રેઝીનું સપનું સાકાર થઈ ગયું અને મહાન સુનીલ ગાવાસ્કર સાહેબ અને તેમના ચાહક ત્રિગુણ વચ્ચે આશ્ચર્યજનક રીતે મુલાકાત થઈ. જે છેલ્લાં 20 વર્ષમાં નહોતું થયું એ 20 મિનિટમાં થઈ ગયું. 

No description available.

ન કોઈ એન્ટ્રી પાસ, ન કોઈ પરમીશન...સુરક્ષા વિંધિને કોમેન્ટ્રી બોક્સ સુધી પહોંચ્યો ચાહકઃ
ન કોઈ એન્ટ્રી પાસ, ન કોઈ પરમીશન...છતાં જેમ તેમ કરીને સ્ટેડિયમનો સુરક્ષા ઘેરો વિંધિંને મિત્રની મદદથી સુનીલ ગાવાસ્કરને મળવા પહોંચ્યો હતો અમદાવાદનો દિવાનો ચાહક...મેચ ચાલુ હતી અને મેં બહારથી કોમેન્ટ્રી બોક્સનો દરવાજો ખખડાવ્યો...તરત દરવાજો ખુલ્યો અને સામે જ હતા સુનીલ ગાવાસ્કર. કોમેન્ટ્રી કરી રહેલાં ગાવાસ્કરે જોયું તો તેઓ જ્યારે પહેલીવાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતની જર્સી પહેરીને ઉતર્યા હતા તે સમયની તસવીર હાથમાં લઈને એક છોકરો કોમેન્ટ્રી બોક્સના દરવાજાની બહાર ઉભો હતો. સુરક્ષાકર્મીઓ ત્યાંથી ખસેડવા દોડી આવ્યાં પણ ગાવસ્કરે કહ્યું એમને પકડશો નહીં એ મારો ચાહક છે. કોઈ કંઈ સમજે એ પહેલાં જ વર્ષોથી જેને જોવાની મળવાની તાલાવેલી હતી તેવા ગાવાસ્કરને જોઈને ત્રિગુણ એમના ચરણોમાં દંડવત થઈ ગયો. ગાવાસ્કરે જ્યારે તેના હાથ પકડીને ઉભો કર્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ સ્વરૂપે લાગણીનો ધોધ વહી રહ્યો હતો. ત્યારે ગાવાસ્કર ચાલુ કોમેન્ટ્રી છોડીને ચાહકને મળવા આવ્યાં. તેની સાથે બેઠાં અને તેમના પ્રત્યેની ચાહકની દિવાનગીની કહાની સાંભળીને તેઓ પણ ભાવુક થઈ ગયાં.

'એક પત્રકારે મારું સપનું સાકાર કરવાનું બીડું ઝડપ્યું':
એ સમયના માહોલને યાદ કરતા ક્રિકેટ ક્રેઝી ત્રિગુણ શાહ કહેછેકે, અસલમાં મેચના પહેલાં દિવસે હું મારા આઈકોન સુનીલ ગાવાસ્કરને મળવા સ્ટેડિયમ પહોંચ્યો હતો. પણ મારી પાસે ટિકિટ ન હોવાને કારણે હું આખો દિવસ ગેટની બહાર તડકામાં ગાવાસ્કર સાહેબની રાહ જોઈને ઉભો રહ્યો. એ મારા માટે જરાય અઘરું નહતું કારણકે, હું તો છેલ્લાં 20 વર્ષથી તેમને મળવાની રાહ જોતો હતો. સવારથી સાંજ સુધી મને ત્યાં ઉભેલો જોઈને મીડિયા કવરેજ કરી રહેલાં પત્રકારનું ધ્યાન મારી પર પડ્યું. તેમણે મને પૂછ્યુકે, સવારથી સાંજ સુધી તમે અહીં ગેટ ઉપર ઉભા રહીને કોની રાહ જોઈ રહ્યાં છો. જ્યારે મેં તમને કહ્યુંકે, મારા જીવનનું એક જ સપનું છે સુનીલ ગાવાસ્કર સાથે એકવાર મુલાકાત. હું એમને મારા ભગવાન માનું છું. તો એ પત્રકારે પણ મારી ગાવાસ્કર સાહેબ સાથેની મુલાકાતનું બીડું ઝડપ્યું. 

No description available.

'જે છેલ્લાં 20 વર્ષમાં નહોંતું થયું એ 20 મિનિટમાં થઈ ગયું':
ત્રિગુણ શાહે વધુમાં જણાવ્યુંકે, એ પત્રકારે મને કહ્યું આવતીકાલે ટેસ્ટ મેચનો બીજો દિવસ છે, તમે મેચ શરૂ થતા પહેલાં અહીં આવી જજો, મારી અંદર કોઈ ઓળખાણ નથી અને આ બધુ બહુ રિસ્કી છે પણ આપણે કંઈક પ્રયાસ કરીશું. હું બીજા દિવસે સ્ટેડિયમ પર પહોંચ્યો અને જે ચમત્કાર થઈ ગયો. જે છેલ્લાં 20 વર્ષમાં નહોંતું થયું એ 20 મિનિટમાં થઈ ગયું. મારો મારા ભગવાન સાથે ભેટો થઈ ગયો અને ગાવાસ્કર સાથે મળવાનું મારું સપનું સાકાર થઈ ગયું. જેના માટે હું આજીવન પત્રકાર ભદ્રેશકુમાર મિસ્ત્રીનો આભારી રહીશ. ગાવાસ્કર સાહેબ ચાલુ કોમેન્ટ્રી છોડીને અમારી સાથે આવ્યાં, ફોટા પડાવ્યાં, ઓટોગ્રાફ આપ્યો, અમને કોફી પીડવાવી અને અડધો-પોણો કલાક અમારી સાથે બેસીને વાતચીત કરી. 
 
"સપને ઉન્હી કે સચ હોતે હૈ, જીનમેં જાન હોતી હૈ...
સિર્ફ પંખ હોને સે કુછ નહીં હોતા, હોંસલોં સે ઉડાન હોતી હૈ..."

દરેકનું કોઈકને કોઈને કોઈક સપનું હોય છે. પણ દરેકના સપના સાકાર થાય એવું ભાગ્યે જ બને છે. એ સમયે હું મીડિયા કવરેજ કરી રહ્યો હતો. ત્યારે સુરક્ષાના નિયમો કરતા મને એ ચાહક ક્રિકેટ ચાહકની નિયત અને તેની ચાહત વધારે મહત્ત્વની લાગી. અને હું પત્રકાર તરીકે આ ચાહક અને તેના આઈકોન વચ્ચેની મુલાકાતના સંઘર્ષમય સફરમાં એક માધ્યમ બન્યો. સુરક્ષાનો નિયમ તોડ્યો તે ભૂલ હતી, તેવું ક્યારેય ન કરવું જોઈએ એ હું માનું છું. પણ હાં એમાં નિયત ખોટી નહોંતી. કોઈનું વર્ષો જુનું સપનું પુરું કરવામાં હું માધ્યમ બન્યો તેનો મને આનંદ છે.
- ભદ્રેશકુમાર મિસ્ત્રી, પત્રકાર
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news