અનામત એટલે ભીખ નહીં પરંતુ પ્રતિનિધિત્વ: હાર્દિક પટેલ
ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ના બીજા સેશનમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પહોંચ્યાં હતાં.
Trending Photos
અમદાવાદ: 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. આ ચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીનું ટ્રેલર કહેવામાં આવી રહ્યું છે. કારણ કે લગભગ 15 વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી નહીં પરંતુ દેશના વડાપ્રધાન છે. ચૂંટણીના પરિણામોના 20 દિવસ પહેલા જ દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક ગુજરાત ચૂંટણી પર સૌથી મોટો શો અને સૌથી મોટી ચર્ચા લઈને આવ્યું છે. ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ની આ ચર્ચામાં 50થી વધુ દિગ્ગજો ભાગ લઈ રહ્યાં છે. આ કાર્યક્રમ માટે ઝી ન્યૂઝે જે મંચ બનાવ્યો છે તેને બુલેટ ટ્રેનનો આકાર અપાયો છે. કારણ કે આવનારા દિવસોમાં અમદાવાદની ઓળખ બુલેટ ટ્રેનથી જ થવાની છે. આવનારા દિવસોમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ચાલવાની છે. જેનાથી 550 કિમીનો પ્રવાસ માત્ર બે કલાકમાં પૂરો થશે.
ગેમ ઓફ ગુજરાત (Game of Gujarat)ના બીજા સેશનમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પહોંચ્યાં હતાં. તેમણે ઝી ન્યૂઝના પત્રકાર રૂબિકા લિયાકતના સવાલોના જવાબ આપ્યા હતાં. હાર્દિક પટેલે કહ્યું હતું કે મારું ગુજરાત આઝાદ નથી. કારણ કે 30 લાખ પટેલોની ભાજપે અવગણના કરી છે. તેમના પર દેશદ્રોહના કેસ લગાવ્યાં છે. તેમના પર ગોળીઓ ચલાવી હતી. અનામતના સવાલ પર તેમણે કહ્યું કે પટેલ અનામત સર્વેના આધારે હોવી જોઈએ. અનામતનો અર્થ ભીખ નહીં પરંતુ પ્રતિનિધિત્વ છે. મારી બહેનને બારમા ધોરણમાં જિલ્લામાં સૌથી વધુ માર્ક્સ આવ્યાં અને સરકારે તેને 17000 રૂપિયા આપ્યાં. પરંતુ તેને બેન્કમાં જમા કરાવવા માટે અમે સરકારી ઓફિસોમાં ધક્કા ખાધા. પટેલ અનામત પર ગુજરાત સરકાર હવામાં વાત કરે છે. સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ ગુજરાત સરકારે અમારા પર ગોળીઓ ચલાવી.
રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના સવાલ પર હાર્દિકે કહ્યું કે હું રાહુલ ગાંધીને મળ્યો નથી. સેક્સ સીડીના સવાલ પર જવાબ આપતા કહ્યું કે સીડી કોઈની પણ બનાવી શકાય છે. હું કોઈ પણ પ્રકારના મારા અંગત જીવન પર વાત કરીશ નહીં. અલ્પેશ ઠાકોર અને હાર્દિકના એક સાથે આવવા પર તેમણે કહ્યું કે મ્યાન મોટી થાય તો એક મ્યાનમાં બે તલવારો રહી શકે છે.
કેટલાક પાસના નેતાઓ હાર્દિકને છોડીને ગયા છે તેના સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે છોડીને જનારા અલગથી આંદોલન ચલાવે. પરંતુ ભાજપની ગોદમાં જઈને કેમ બેઠા છે. હાર્દિક કહ્યું કે જે સમુદાયમાંથી તેઓ આવે છે તેના પ્રતિ તેમની કેટલીક જવાબદારીઓ છે કે તેઓ તે સમાજ માટે કઈંક કરે.
રાહુલ ગાંધી સાથે મિત્રતાના સવાલ પર જવાબ આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મારા કઈ નથી. રાહુલ ગાંધીએ મારા અધિકારની વાત કરી તો મને સારૂ લાગ્યું. હું રાહુલ ગાંધીને જજ કરી રહ્યો છું. હવે રાહુલ ગાંધી સારી વાત કરી શકે છે. લોકો તેમને સાંભળવા માટે આવે છે. રાહુલ ગાંધીમાં પરિપકવતા આવી ગઈ છે. રાહુલના ડરથી મોદીજી ગુજરાતમાં વધુ રેલીઓ કરી રહ્યાં છે. જાતિવાદને પ્રોત્સાહન આપવાના સવાલ પર હાર્દિકે કહ્યું કે ભાજપ ડરાવવાની રાજનીતિ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે