શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરંગપુરાનું નામ કેવી રીતે પડ્યું? કે પછી શાહીબાગ નામ કોણે પાડ્યું હશે?

અમદાવાદમાં દરેક વિસ્તારના નામ પાછળ કોઈને કોઈ રસપ્રદ કિસ્સો રહેલો છે. જાણો અમદાવાદના જાણીતા વિસ્તારના નામ કેવી રીતે પડ્યા.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરંગપુરાનું નામ કેવી રીતે પડ્યું? કે પછી શાહીબાગ નામ કોણે પાડ્યું હશે?

અમદાવાદઃ અમદાવાદ શહેરની સ્થાપના અહેમદશાહ બાદશાહે કરી હતી એ વાત તો સૌ જાણે છે, પરંતુ આ શહેરમાં આવેલા વિસ્તારોનાં નામ પાછળ પણ કોઈ ને કોઈ કહાણી છુપાયેલી છે. આપણે એ વિસ્તારોમાં દરરોજ હરીએફરીએ છીએ, પરંતુ તેના નામકરણ અંગે ક્યારેય જાણ્યું નથી. તો ચાલો આજે જાણીએ અમદાવાદના જાણીતા વિસ્તારોનાં નામકરણની રસપ્રદ દાસ્તાન.

શાહીબાગ: 1630માં દુકાળ પડ્યો ત્યારે શહેનશાહ શાહજહાંએ રાહત કાર્ય માટે આ વિસ્તાર બનાવ્યો હતો. અહી 12 બુર્જ (કિલ્લા) આવેલા હતા અને તેની અંદર રાજા તથા તેના અધિકારીઓ માટે મહેલો, કમાનો, બાગ બગીચા બનાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, શાહજહાંએ શાહીબાગ તો બનાવ્યો પરંતુ પ્રવેશ દ્વાર નીચો હોવાથી તે તેમાં હાથી પર બેસીને પ્રવેશી શક્યો નહતો. આથી તે મોં ફેરવીને ગુસ્સામાં જતો રહ્યો હતો અને પછી ક્યારેય આ વિસ્તારમાં આવ્યો ન હતો. પ્રવેશ દ્વાર ફરી બન્યો ત્યાં સુધીમાં તો સત્તા બદલાઈ ચૂકી હતી અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ સત્તા પર આવી ગયો હતો. કપિલ રાય મહેતાએ એડિટ કરેલા પુસ્તક અમદાવાદ 1958 મુજબ શાહજહાં ફરી ક્યારેય અમદાવાદ આવ્યો ન હતો.

મીઠાખળી: અગાઉ ચંગીઝપુર તરીકે ઓળખાતા મીઠાખણીનું નિર્માણ મહેમૂદના ગુલામ ચંગીઝખાને કર્યું હતું. આ વિસ્તારમાં મીઠું પકવવા માટેની અનેક ખળીઓ આવેલી હતી, જેના કારણે તેનું નામ મીઠાખળી પડી ગયું હતું.

કોચરબ-પાલડીઃ કરણદેવ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા અને દેવી કોચ્ચરવાના નામ પરથી પડ્યું આ વિસ્તારનું નામકરણ થયું છે. 

સી.જી.રોડઃ આ સડક બન્યા બાદ તેને અમદાવાદ શહેરના મોભી ચિમનલાલ ગિરધરલાલનું નામ અપાયું હતું, જે ટૂંકાક્ષરમાં સી.જી. રોડથી પ્રખ્યાત થઈ ગયું.

પ્રિતમનગરઃ અમદાવાદ શહેરની આ સૌ પ્રથમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી. તેને બનાવનમારા પ્રિતમરાય દેસાઈના નામ પરથી સરદાર પટેલે સોસાયટીનું નામ પ્રિતમનગર રાખ્યું હતું. 

આંબાવાડીઃ આ વિસ્તારમાં અઢળક આંબાના ઝાડ હોવાને કારણે તેને આંબાવાડી કહેવાતો હતો. જોકે, હવે અહીં અગાઉ જેટલા આંબા રહ્યા નથી.

સેટેલાઈટઃ સેટેલાઈટ વિસ્તાર સૌના નામે ચડેલું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં ISROની સ્થાપના થતાં આ વિસ્તારનું નામ સેટેલાઈટ પડી ગયું હતું.

આસ્ટોડીયાઃ એવી માન્યતા છે કે આ વિસ્તારમાં આસ્ટોડિયન, અસોરિયમ નામનું સબર્બ હતું. તેના પરથી આસ્ટોડિયા દરવાજા નામ પાડવામાં આવ્યું છે.

કાંકરીયાઃ કાંકરિયાનો અર્થ થાય છે બહુ કાંકરાવાળી જગ્યા. સુલતાન કુતુબુદ્દીન તેના સાવકા ભાઈ ફતેહખાનને મારવા માગતો હતો. તેનો સાવકો ભાઈ તેની માતા બીબી મોઘલી સાથે હઝરત ઈ શાહ એલાનની નજરબંધીમાં હતો. સુલતાને તળાવ અને નગીના વાડી બનાવાનું શરૂ કર્યું. તેને આશા હતી કે, ફતેહ ખાન ત્યાં ફરવા આવશે તો તે તેને કેદ કરી લેશે પરંતુ શહેઝાદો એ વિસ્તારમાં ક્યારેય આવ્યો જ નહિં. હઝરત-ઈ-શાહ આલમ ખોદકામ ચાલતું હતું ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને તેમને પગમા કાંકરો વાગતા બોલી ઉઠ્યા હતા કે કેવો કાંકરો છે! આ ઘટના પરથી તળાવનું નામ કાંકરિયા પાડવામાં આવ્યું હતું.

મણિનગરઃ એક વખત અમદાવાદમાં સૌથી વધારે બાગ આ વિસ્તારમાં હતા. આ વિસ્તાર શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં માણેકલાલ મણિલાલ અને છોટાલાલ કેશવલાલ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર મુંબઈની સરકારના સર્વેયર એ.ઈ મીરા અને કમિશનર એફ.જી પ્રત તથા ચેટફિલ્ડના કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

નવરંગપુરાઃ ઔરંગઝેબના સુબા નવરંગમિયાંના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યુ છે. આ વિસ્તાર લગભગ 240 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો.

(નવરંગપુરા બસ સ્ટેન્ડનો જૂનો ફોટો)

ઉસ્માનપુરાઃ આ વિસ્તાર કુતુબ-ઈ-આલમના વારસદાર સૈયદ ઉસ્માન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર ઘી અને ભારતીય ઔષધોના વેપાર માટે જાણીતો હતો.

સરસપુરઃ અમદાવાદનું આ સૌથી મોટું સબર્બ હતુ. આ વિસ્તારનો કિલ્લો 1848માં બાંધવામાં આવ્યો હતો. તે સારું હોવાથી આ વિસ્તારને સરસપુર નામ આપવામાં આવ્યું હતું.

કાળુપુરઃ મહેમુદ બેગડાના અમીર અબા હાજી કાળુના નામ પરથી આ વિસ્તારનું નામ પાડવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news