'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો', જાણો શું છે આ અભિયાન? કેવી રીતે કરશે કામ

સુરતના ડાયમંડ ઉદ્યોગ પર કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે મંદીના કારણે કેટલાય રત્ન કલાકારો પોતાના વતન જતા રહ્યા છે.

'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો', જાણો શું છે આ અભિયાન? કેવી રીતે કરશે કામ

ઝી બ્યુરો/સુરત: આપને જાણીએ છીએ કે સુરતની શાન ગણાતો હીરા ઉધોગ હાલ મંદીમાં સપડાયેલો છે અને મંદીની સીધી અસર રત્નકલાકારોને પડી રહી છે. આર્થિક તંગીથી કંટાળી રત્નકલાકારો જીવન ટૂંકાવા મજબુર બન્યા છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયને આ કપરા સમયમાં એક અભિયાન શરુ કર્યું છે. 'હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો'. જુઓ શું છે આ અભિયાન કેવી રીતે કરશે કામ.

સુરતના ડાયમંડ ઉદ્યોગ પર કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે મંદીના કારણે કેટલાય રત્ન કલાકારો પોતાના વતન જતા રહ્યા છે ત્યારે કેટલાક લોકોને તો પોતાના ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે કેટલાક રત્ન કલાકારોએ તો લોનના હપ્તા ન ભરાતા તથા આર્થિક ભીંસના કારણે આપઘાત પણ કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવી છે કે જેના લીધે રત્ન કલાકારોનો જીવ બચી શકે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા છે. ત્યારે અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનું પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે રત્નકલાકારોને આર્થિક મદદ કરો પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્નકલાકારો જીવ ગુમાવી રહ્યા છે. હવે રત્નકલાકારની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે. 

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉધોગના રત્નકલાકારોને આપઘાત કરતા અટકાવવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનું સ્લોગન છે ''''હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો'''' જેના માટે અમે 9239500009 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે. કેમ કે સુરતમાં આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગના રત્નકલાકારોને એક ખાસ અપીલ કરીએ છીએ કે, આ સમય પણ રહેવાનો નથી ભાઈઓ. તમારા પરિવારનો માળો વિખાઈ નહી એ જોજો. કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે, પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો એની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પુરાઈ માટે નબળા વિચારોને તિલાંજલી આપો અને તમારે કોઈ તકલીફ હોઈ તો અમને વિના સંકોચે જાણ કરો આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news