મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેન પર હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટીને પડ્યો, 3 ટ્રેન કેન્સલ, અનેકોનું શિડ્યુલ ખોરવાયું 

Train Accident : અંકલેશ્વરથી 2 કિમી દૂર ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો... ચાલુ ટ્રેનની ઉપર હાઈ ટેન્શન લાઈનનો કેબલ તૂટી પડ્યો... ભરૂચથી સુરત તરફ જતો ટ્રેન વ્યવહાર ખોરવાયો

મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેન પર હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટીને પડ્યો, 3 ટ્રેન કેન્સલ, અનેકોનું શિડ્યુલ ખોરવાયું 

ભરત ચુડાસમા/ભરૂચ :અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી તરફ જતી ચાલુ ટ્રેનમાં સપ્લાય કેબલ તૂટ્યો હતો અને હાઈટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેથી પહેલા તો ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ બાદમાં સમયસૂચકતાને કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી અને આ તમામ ટ્રેનો પર અસર પડી હતી. તો ત્રણ ટ્રેન કેન્સલ કરાઈ છે. 

બન્યું એમ હતું કે, અંકલેશ્વરથી બે કિમી પાનોલી તરફ જતી ઉદેપુર સિટી ટ્રેનમાં ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો હતો. આ કારણે ટ્રેનમાં બેસેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચાલુ ટ્રેનની ઉપર જ હાઈ ટેન્શન લાઇનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

આ ઘટનાથી ભરૂચથી સુરત તરફ જતો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અંકલેશ્વરની આમલા ખાડી નજીક કેબલ તૂટ્યો હતો. મિકેનિઝમ પ્રમાણે કેબલ તૂટે તો તરત ઓટોમેટકલી વીજ સપ્લાય બંધ થઈ જાય છે. ઓટોમેટિક વીજ સપ્લાય બંધ થવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. નહિ તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. 

ટ્રેન વ્યવહાર ખોરવાયો 
આ ઘટનાને પગલે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનો ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી. બે થી ત્રણ કલાક દરમિયાન વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનો મોડી પડી હતી. રેલવે દ્વારા જણાવાયુ હતું કે, ત્રણ કલાકમાં પુનઃ ટ્રેન વ્યવહાર શરૂ થશે. આમ, અપડાઉન કરનારા અનેક મુસાફરો અટવાયા હતા. 

આ ટ્રેનો રદ કરાઈ

અંકલેશ્વર પાનોલી વચ્ચે રેલવે વીજ લાઈનનો કેબલ  બ્રેક થવાની ઘટનામાં ટ્રેનનુ શિડ્યુલ ખોરવાયું છે. ઓવરહેડ વીજ કેબલ બ્રેક થતા ત્રણ ટ્રેન રદ્દ કરાઈ છે. અજમેર બાંદ્રા ,વડોદરા ભરૂચ મેમુ અને ભરૂચ સુરત મેમુ ટ્રેનો કેન્સલ કરાઈ છે. ટ્રેન વ્યવહાર અટકાવી દઈને ઓવર હેડ કેબલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news