અમદાવાદમાં પતિની આત્મહત્યા કેસમાં 2ની ધરપકડ, પત્નીએ કહ્યું કે- હવેની જિંદગી હું જિગ્નેશ સાથે જ જીવીશ
અમદાવાદના કાગડાપીઠમાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી લીધાનો કિસ્સો સામે આવ્યો હતો. જે ગુનામાં પોલીસે પત્નિ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. જોકે મહિલા આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમ સબંધમાં પરિવારના સંબંધો નેવે મુકી ચુકી હોવાનુ સામે આવ્યું છે. જોકે આ બનાવ બાદ બે પરિવાર અને તેના બાળકોના ભવિષ્ય અંધકારમાં મુકાયા છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના કાગડાપીઠ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ભરત મારુ નામના યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. જે અંગે કાગડાપીઠ પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણા માટે જવાબદાર ખુદ તેની પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. પોલીસને બન્ને આરોપીઓ વિરુદ્ધના કેટલાક મહત્વના પુરતા પુરાવા હાથે લાગતા આ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
હું હવેની જિંદગી જિગ્નેશ સાથે જ જીવીશઃ આરોપી મહિલા
જોકે આરોપી પત્નિ દક્ષાએ કરેલા ખુલાસા બાદ કાગડાપીઠ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. પોલીસના હાથ લાગેલા પુરાવામાં આરોપી દક્ષાએ પોલીસ સામે કબૂલાત કરી કે પ્રેમી જિગ્નેશ સાથે જ આગળની જીવન જીવવું છે અને સાસરે નથી જવા માંગતી.
3 મહિનાથી દક્ષા જિગ્નેશના પ્રેમમાં પડી હતી
મહિલા આરોપી દક્ષાની પુછપરછ કરતા સામે આવ્યું કે દક્ષા અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી ચુકી છે. એટલું જ નહીં પણ 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે દક્ષના સબંધો સામે આવ્યા હતા. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યું કે દક્ષા ગારીયાધારના એક યુવકના પ્રેમમાં છે. જેથી તેમના છુટાછેડા થયા. બાદમાં 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી ત્યારે તેનો સંબંધ મૃતક ભરત મારુ સાથે થયો બાદમાં તેમના લગ્ન પણ થયા. તેમને 3 વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમાં હતી. તેની જાણ થતા દક્ષાના પતિ ભરત મારુએ આત્મહત્યા કરી હતી.
પ્રેમ સંબંધના ખેલમાં બે પરિવાર વિખેરાયા
પતિની આત્મહત્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભરતનુ મોત નિપજ્યું છે. દક્ષા તેની સજા જેલમાં કાપશે સાથે તેનો પ્રેમી પણ જેલમાં જશે પણ તેમના સબંધોની સજા દક્ષાનો 3 વર્ષનો પુત્ર અને પ્રેમીની પોતાની પત્ની અને બે બાળકો કેમ ભોગવે. હાલ આ બાળકો અને જીજ્ઞેશની પત્નીનુ ભવિષ્ય જોખમમાં મુકાયું છે. કારણ કે 3 બાળકો પરથી માતા પિતાની છાયા છીનવાઈ છે. આ કેસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સંબંધના ખેલમાં બે પરિવાર વિખેરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે