જંત્રીની રામાયણ! ગુજરાતમાં આ તારીખ બાદ દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો નવા દર લાગુ થશે, સરકારનો ખુલાસો

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે.

જંત્રીની રામાયણ! ગુજરાતમાં આ તારીખ બાદ દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો નવા દર લાગુ થશે, સરકારનો ખુલાસો

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારે જંત્રીમાં કરેલો વધારો સોમવારથી અમલમાં આવી ગયો છે. મિલ્કતોનાં દસ્તાવેજ કરાવવા સબ રજીસ્ટ્રારની કચેરીઓ પર પહોંચેલા લોકો ખુશ નહતા. જેમણે મિલ્કતો ખરીદી હતી, પણ દસ્તાવેજ કરાવવાનાં બાકી હતા, તેમના પર નાણાકીય ભાર વધ્યો છે, જેની ચિંતા અને મૂંઝવણ લોકોનાં ચહેરા પર જોઈ શકાતી હતી. સાથે જ સમય આપ્યા વિના તાત્કાલિક નિર્ણય લાગુ કરી દેવાતા સરકાર સામે રોષ પણ હતો.

સરકારનો ખુલાસો!
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે. જો કે, જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, તે સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની પછીથી જાણ કરાશે. તેમણે જણાવ્યું કે, સરકારનો નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી નવા દરો જ લાગુ રહેશે. જંત્રી વધારવાની જરૂર છે અને વધવી જ જોઈએ પરંતુ તેમાં સમય આપવો જોઈએ અને 1 મે 2023થી નવા દરો અમલી બનાવવા જોઈએ. જમીન અને બાંધકામમાં જંત્રીમાં વધારો અલગ અલગ હોવો જોઈએ, તે પ્રકારની માંગ અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.

  • - બિલ્ડર લોબીની 2 દિવસમાં CM સાથે 2 મુલાકાત નો ન થયો ફાયદો
  • - જંત્રી મામલે સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેશે
  • - નવા નિર્ણય ન થાય ત્યાં સુધી નવા દર જ લાગુ રહેશે- ઋષિકેશ પટેલ
  • - 4 તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે

આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા, જેમાં જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ ક્રેડાઈ-ગાહેડ એસોસિએશનના ડેવલોપર્સે જંત્રીમાં વધારા બાબતે મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીને લેખિતમાં આવેદન પણ અપાયું. બિલ્ડરોની માગ છે કે નવી જંત્રીનો અમલ પહેલી મેથી કરવામાં આવે. ક્રેડાઈના હોદ્દેદારોનું માનીએ તો મુખ્યમંત્રીએ તેમની માગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દેખાડ્યો છે. હવે જોવું એ રહેશે કે જંત્રી બાબતે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે. 100 ટકાના વધારા બાદ અમુક ટકા વધારો પરત ખેંચાય તો પણ નવાઈ નહીં, કેમ કે આગામી સમય ચૂંટણીઓનો છે.

જો કે હજુ પણ કેટલા કિસ્સામાં જૂના દર પ્રમાણે જંત્રી ભરી શકાય છે. જો કે આ બાબત શરતોને આધીન છે. જો ચાર ફેબ્રુઆરી કે તે પહેલાં મિલ્કત ખરીદનાર અને વેચનારે કરાર પર સહી કરી હોય અને મોડામાં મોડા 6 તારીખ સુધી સ્ટેમ્પ મેળવ્યો હોય તો તેમના દસ્તાવેજ જુની જંત્રી પ્રમાણે થશે. રાજ્યની કેટલીક સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં  સોમવારે અરજદારોની પાંખી હાજરી હોવા મળી. કચેરીઓમાં સામાન્ય દિવસો જેટલી ભીડ નહતી. જેની પાછળનું કારણ લોકોમાં હજુ પ્રવર્તતી મૂંઝવણ છે. વકીલો, રેવન્યુ બાર એસોસિએશન અને બિલ્ડરો પણ સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે.

રાજયમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટરને મંજૂરી અપાઈ
વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ ફિટનેશ સેન્ટરના નિર્માણથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને વેગ મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. 

મંત્રીએ ઉમેર્યું કે, આ પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર જનતાની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી. 

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષપણામાં  કેન્દ્ર સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2021ના રોજ વાહન સ્ક્રેપીંગ પોલીસી લાગુ કરાવવામાં આવી હતી. આ પોલીસીથી વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વેગ મળશે. તદુપરાંત આ પોલોસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે.

આગામી 10 માર્ચથી 7 જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. વર્ષ ૨૦૨૨-૨૩ માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું ૨.૧૦ લાખ હેકટર, ચણાનું ૭.૩૧ લાખ હેકટર તથા રાઈનું ૩.૨૧ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.૦૧.૦૨.૨૦૨૩ થી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.૨૮.૦૨.૨૦૨૩ સુધી ચાલુ રહેશે. તા.૦૭-૦૨-૨૩ સુધીમાં તુવેર પાકમાં કુલ ૧,૪૩૧, ચણા પાકમાં ૧,૧૬,૧૨૭ તથા રાયડા પાકમાં ૯૪૯ ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૦.૦૩.૨૦૨૩ થી તા.૦૭.૦૬.૨૦૨૩ દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.૬૬૦૦ પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.૫૩૩૫ પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.૫૪૫૦ પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી ૧૩૫ કેન્દ્રો, ચણાની ખરીદી ૧૮૭ કેન્દ્રો અને રાઈની ખરીદી ૧૦૩ કેન્દ્રો પરથી કરાશે. 

Trending news