ભાઈ મુજે માર દેંગે.... પૈસા ડાલો.... ગેરકાયદે અમેરિકા જવું ભારે પડ્યું, અમદાવાદના દંપત્તિનું ઈરાનમાં અપહરણ

અમદાવાદમાં રહેતા એક દંપત્તિએ એજન્ટ દ્વારા ગેરકાયદે રીતે અમેરિકા જવાનો સોદો કર્યો હતો. અમેરિકા જવા નિકળેલા આ દંપત્તિનું ઈરાનમાં અપહરણ કરી લેવાના સમાચાર સામે આવ્યા છે. અપહરણ કરનારે યુવક પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું છે. 

ભાઈ મુજે માર દેંગે.... પૈસા ડાલો.... ગેરકાયદે અમેરિકા જવું ભારે પડ્યું, અમદાવાદના દંપત્તિનું ઈરાનમાં અપહરણ

ગાંધીનગરઃ આપણે ત્યાં ઘણા લોકોનું સપનું વિદેશ જવાનું હોય છે. ઘણા લોકો કાયદેસર રીતે વિવિધ પ્રક્રિયા પૂર્ણ કરીને વિદેશ જતાં હોય છે. પરંતુ કેટલાક લોકો આ માટે ખોટો માર્ગ અપનાવે છે અને પછી મોટા સંકટમાં ફસાતા હોય છે. આવી એક ઘટના સામે આવી છે, જે વાંચીને તમારા રૂવાંટા ઉભા થઈ જશે. અમદાવાદથી એક દંપત્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નિકળ્યું હતું. પરંતુ તેનું ઈરાનમાં અપહરણ થઈ ગયું છે. વાંચો શું છે આ સમગ્ર ઘટના...

મુશ્કેલીમાં અમદાવાદનું દંપત્તિ
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના વ્યક્તિ તેમના પત્ની સાથે ગેરકાયદે રીતે અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે આ માટે એક એજન્ટ સાથે 1.15 કરોડ રૂપિયામાં અમેરિકા જવાનો સોદો કર્યો હતો. આ અંગે પંકજ પટેલના ભાઈ સંકેત પટેલે પોલીસને પણ જાણ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર સંકેત પટેલે કહ્યુ કે, એજન્ટે ભાઈ ભાઈને પહેલા હૈદરાબાદ, ત્યારબાદ બીજા એજન્ટ દ્વારા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. પરંતુ ભાઈ-ભાભી અમેરિકા પહોંચે તે પહેલા ઈરાનમાં તેનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. 

ઈરાનમાં થયો અત્યાચાર
પંકજ પટેલ નામના યુવકનું ઈરાનમાં અપહરણ કરી લેવાનું સામે આવ્યું છે. આ યુવકનું અપહરણ કરી તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેને બ્લેડના ઘા મારવામાં આવ્યા છે. અપહરણ કરનાર તેને મારી નાખવાની ધમકી આપી પૈસાની માંગણી કરી રહ્યાં છે. પંકજ પટેલ પર ત્રાસ ગુજારી તેનો વીડિયો બનાવીને પરિવારજનોને પણ મોકલવામાં આવ્યો છે. 

પરિવારને મોકલવામાં આવેલા વીડિયો પ્રમાણે પંકજ પટેલ અને તેના પત્ની કોઈ હોટલના સ્વીમિંગ પૂલ નજીક ઉભા છે. તે અમેરિકા જતા હોવાનું જ ણાવે છે. ત્યારબાદના વીડિયોમાં પંકજના શરીર પર બ્લેડના ઘા મારવામાં આવે છે. પંકજ રડીને કહે છે કે જલદી પૈસા મોકલો બાકી આ લોકો મને મારી નાખશે. અપહરણ કરનાર વ્યક્તિ પણ હિન્દીમાં મેસેજ આપે છે. તે પૈસાની માંગણી કરે છે અને કહે છે કે પૈસા નહીં આવો તો મારી નાખવામાં આવશે. 

પરિવારજનોને આ વીડિયો મળ્યા બાદ પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. હવે પોલીસ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કઈ રીતે આ દંપત્તિને બચાવી શકાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news