સુરેન્દ્રનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાનાં જ પતિની ઠંડા કલેજે કરી હત્યા

વધુ એક પત્નીએ આડાસંબંધમાં લઈ લીધો પોતાના પતિનો જીવ..પ્રેમીને પામવા માટે પોતાના જ પતિની બની ગઈ હત્યારી. નિંદ્રાધીન પતિને ગળામાં દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી આ સ્ત્રીએ પતિ અને પત્નીના સંબંધોને લગાડી દીધું લાંછન.
સુરેન્દ્રનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાનાં જ પતિની ઠંડા કલેજે કરી હત્યા

સુરેન્દ્રનગર : વધુ એક પત્નીએ આડાસંબંધમાં લઈ લીધો પોતાના પતિનો જીવ..પ્રેમીને પામવા માટે પોતાના જ પતિની બની ગઈ હત્યારી. નિંદ્રાધીન પતિને ગળામાં દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી આ સ્ત્રીએ પતિ અને પત્નીના સંબંધોને લગાડી દીધું લાંછન.

"જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ" એ કહેવત મુજબ સુરેન્દ્રનગરના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે એક ઘટના બની. જ્યાં એક સ્ત્રીએ પર પુરુષના પ્રેમમાં પાગલ થઈ પોતાના પતિને ઉતારી દીધો યમલોક. સાત જન્મ સાથે રહેવાના પવિત્ર અગ્નિની સાક્ષીએ વચન લીધા સાથે જીવવા મરવાના કોલ લીધા તેમ છતાં આ સ્ત્રીના હાથ પોતાના પતિની હત્યા કરતાં કાપ્યા નહીં. પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી અને નફ્ફટ એવી આ સ્ત્રીએ પતિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. પણ તેના પાપનો ભાંડો ફૂટી ગયો. 

મગરના આંસુ પાડી કહ્યું પતિનું અકસ્માતે મૃત્યુ થયું
હદ તો ત્યાં થઈ કે આ સ્ત્રીએ ઠંડા કલેજે પોતાના પતિની હત્યા કરાવ્યાં બાદ આખા પરિવારને અકસ્માતે મોત થયાનું નાટક કરીને અંતિસંસ્કાર પણ કરાવડાવી દીધા હતાં. સુરેન્દ્રનગરના સાયલાના ઢાંકણિયા ગામની વાડીમાં આ દંપતી રહેતું હતું. જેમાભાઈ અને પત્ની રેખાબેન બંને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં હતાં. અચાનક 13/5/2021 ના રોજ રાતના એકાએક રેખાબેને જેમાભાઇના કુંટુબના લોકોને રાતના સમયે ફોન કરી અને જેમાભાઇનું ઢોર કાઢતા વાડીના વાડમાં ફસાઇ જતા ફાસો લાગી જતાં મૃત્યુ થયાની વાત કરી. પરિવારજનોએ આવી પોલીસને જાણ કરવાની વાત કરી પણ રેખાએ મગરના આસુ પાડી પતિની ચીરફાડ થશે તેવું કારણ આપ્યું. અને બારોબાર અંતિમસંસ્કાર કરાવી દીધા. પણ પરિવારજનોને દાળમાં કઈક કાળુ લાગતા વાડીએ તપાસ કરી તો પગ તળેથી જમીન સરકી ગઈ. 

લોહીવાળા રૂમાલે ખોલી નાખ્યો ભાંડો
વાડીના ખાટલામાં લોહીવાળા નિશાન હતાં તેમજ એક રૂમાલ લોહીવાળુ હતું. જે પરથી શંકા જતાં કોઇએ સાયલા પોલીસને નનામી અરજી મોકલતા પોલીસે ઢાંકણીયા ગામે પહોચી તપાસ હાથ ધરતા મૃતક જેમાભાઇની પત્નીની આગવી ઢબે પૂછપરછ કરી અને સમગ્ર ઘટના પરથી પડદો પડી ગયો. મૃતક જેમા વાઘેલાની પત્ની રેખાને સોનગઢ ગામના ભરત રંગપરા સાથે આડાસંબંધ હતાં અને આ જ સંબંધમાં તેને જેમાભાઈ અડચણ લાગતો. અંતે બંનેએ કાંટો હટાવવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો. પ્રેમીને બોલાવી વાડીએ સૂતેલા પતિના ગળે દુપટ્ટો અને સાડીથી ટૂંપો આપી દીધો. અને હત્યા કરી નાખી. તેની ભૂલ ત્યાં થઈ કે જેમાભાઈના મોઢામાંથી લોહી નીકળતું હતું ત્યારે રૂમાલ મોઢામાં દબાવી લોહી બંધ કર્યું અને તે રૂમાલ ઘટના સ્થળેથી મળ્યો. 

હાલ પોલીસે પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખનારી આ સ્ત્રીની ધરપકડ કરી. બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ અંતે ખોટી વાર્તા ઘડી પતિના અંતિમસંસ્કાર કરી પ્રેમી સાથે રહેવાની ઈચ્છા આ સ્ત્રીની અધૂરી રહી ગઈ. ના પતિ મળ્યો અને ના પ્રેમી સાથે રહેવા મળ્યું. અંતે બંનેને જેલમાં રહેવાન વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news