આધુનિક યુગમાં પણ પશુ બલિ ચડાવવાની ઘટના, પોલીસે ચાર લોકો સામે ગુનો કર્યો દાખલ
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં બલિ ચડાવવાની ઘટના સામે આવી છે. અહીં અંદ્ધશ્રદ્ધાના નામે પશુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ ભારત દેશ આજે ધરતી પરથી ચાંદ સુધી પહોંચી ગયો છે. 21મી સદીમાં ટેક્નોલોજીનો યુગ કુદકેને ભુસકે હરણફાળ ભરી રહ્યો છે. પરંતુ ટેક્નોલોજીના યુગમાં આજે પણ આપણો સમાજ અંધશ્રધ્ધામાં ખદબદી રહ્યો છે. ગરીબી અને શિક્ષણ ન મળવાના કારણે આજેપણ આપણા સમાજના અમુક સમુદાયમાં અનેક ગેરમાન્યતાઓ જોવા મળી રહી છે. પૈસા માટે ધતિંગ કરતા ભૂવાની જાણમાં આ ગરીબ માણસો ફસાઈ જાય છે અને કરી દે છે એવા કામ કે આખરે જેલના સળિયા પણ ગણવા પડે છે.
આવો જ એક બનાવ બન્યો છે અમદાવાદમાં... જ્યાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં બે બકરાની પશુ બલિ ચડાવી દેવાય છે. જીહાં પશુ બલિ... આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાના કામ પૂરા કરવા માટે અબોલ પશુઓને શ્રદ્ધાની આડમાં મોતના ઘાટ ઉતારી દે છે. ત્યારે આ મામલે પ્રાણીઓ માટે NGO ચલાવતા દીપાબેન જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હવે આખા બનાવની વાત કરીએ તો ફરિયાદી દીપાબેન જોશીને એક મેસેજ મળ્યો હતો. જેમાં તેમને ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિ ચડતી હોવાની વાત જાણવા મળી. જે બાદ મહિલા પોલીસ સાથે મહાજનના વંડામાં પહોંચ્યા. જ્યાં જોયું તો બે બકરાની બલિ ચડાવવામાં આવી હતી. ત્યાં હાજર દંપતીએ પરંપરાગત વિધિથી બકરાની બલિ ચડાવી હતી. અને બલિ ચડાવેલા બંને બકરાના કપાયેલા માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહાજનના વંડામાં આવેલા માતાજીના મંદિરમાં રમેશ સરગરા અને લલીબેન સરગરાએ પશુ બલિ ચડાવી હતી. જેથી પોલીસે બલિ ચડાવનાર દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ પહેલાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પશુ બલિ ચડાવાઈ હતી અને હવે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના બની છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આજે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. તો બીજી તરફ એવા પણ લોકો છે, કે જે અંધશ્રદ્ધાની આડમાં હજુ પણ પશુ બલિમાં માન્યતા ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે