૨૦૨૦નું વર્ષ પર્યાવરણ અને જૈવવિવિધતા માટેનું શ્રેષ્ઠ અને નિર્ણાયક વર્ષ સાબિત થશે : પ્રકાશ જાવડેકર

ગાંધીનગરમાં 17-22 ફેબ્રુઆરી, 2020 સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિધતાનાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી શરૂ થઇ ગઇ છે.

Updated By: Feb 17, 2020, 07:37 PM IST
૨૦૨૦નું વર્ષ પર્યાવરણ અને જૈવવિવિધતા માટેનું શ્રેષ્ઠ અને નિર્ણાયક વર્ષ સાબિત થશે : પ્રકાશ જાવડેકર

ગાંધીનગર: ગાંધીનગરમાં 17-22 ફેબ્રુઆરી, 2020 સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિધતાનાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી શરૂ થઇ ગઇ છે.
    
અહીં પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, વર્ષ 2020 પર્યાવરણ માટેનું સુપર યર (શ્રેષ્ઠ વર્ષ) છે તથા આ વર્ષ આગામી દાયકા માટેની કામગીરી નિર્ધારિત કરશે. દરિયાઈ પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને માઇક્રોપ્લાસ્ટિક સહિત આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત જણાવીને કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ સમસ્યાઓનું સમાધાન કોઈ પણ દેશ એકલા હાથે ન કરી શકે.
    
સીઓપીની સાથે સાથે શ્રી જાવડેકરે નોર્વેનાં આબોહવા અને પર્યાવરણ મંત્રી સ્વેઇનુંગ રોતેવાનનાં નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને મળ્યાં હતાં. ભારત અને નોર્વે આજે દરિયાઓ, પર્યાવરણ અને આબોહવા સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન સંયુક્તપણે હાથ ધરવા સંમત થયા હતા.
    
આ સંયુક્ત નિવેદન અંતર્ગત આબો હવા અને પર્યાવરણ ઉપર ઝડપી કામગીરી થશે, હાઇડ્રોફલોરો કાર્બન (HFC)નો ઉપયોગ તબક્કાવાર ઘટાડાશે, મોન્ટ્રીયલ સમજુતી સાથે સંબંધિત કિંગાલી સશોધનની સાર્વત્રિક સમજુતીને અમલી બનાવાશે, બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે, મંત્રીઓએ જૂન, 2020માં લિસ્બનમાં આયોજિત યુએન ઓશન કોન્ફરન્સમાં દરિયાઈ સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે નક્કર, સ્કેલેબલ સોલ્યુશન પ્રદાન કરવાનું મહત્ત્વ પણ વ્યક્ત કર્યું હતું, મંત્રીઓ વધુમાં રસાયણો અને કચરા વ્યવસ્થાપન માટે સંમત થયા હતા.

સીઓપીનું ઉદ્ઘાટન અને સંપૂર્ણ સત્ર 17મી ફેબ્રુઆરીનાં રોજ સંપન્ન થશે અને ત્યારબાદ 22 ફેબ્રુઆરીનાં સમાપન સમારંભ સુધી પેટાકાર્યક્રમો અને કાર્યકારી જૂથોની બેઠકો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સીઓપી 13નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ દરમિયાન અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વન્યજીવ સંરક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિઓનું પ્રદર્શન કરશે.

ભારત યજમાન દેશ તરીકે પછીની બેઠકો દરમિયાન આંતરસત્રીય ગાળા દરમિયાન પ્રમુખ તરીકે નિયુક્ત થશે. સીઓપીનાં પ્રમુખ દેશની કામગીરી સકારાત્મક પરિણામો માટે રાજકીય નેતૃત્વ અને સુવિધા પૂરી પાડવાની હોય છે, જેથી સમારંભનાં ઉદ્દેશો વધુ હાંસલ થાય, જેમાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝધ (સીઓપી)એ સ્વીકારેલા સંકલ્પો અને નિર્ણયોનો અમલ કરવા માટેનાં પ્રયાસોને વેગ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube