જામનગરની જળ સંગ્રહ ક્ષમતામાં થયો વધારો, જળ સંગ્રહ અભિયાનનું ચોથું ચરણ સંપન્ન, 105 કામો થયા પૂર્ણ
જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે.
જામનગર જિલ્લાના જળ સંગ્રહ માટેના 105 કામો પૂર્ણ
જળ સંગ્રહ ક્ષમતામાં 1 લાખ 60 હજાર ઘનફુટથી વધુનો વધારો થયો
26 હજારથી વધુ માનવદિન રોજગારીનું થયું નિર્માણ
સુજલામ-સુફળલામ જળ અભિયાનનું ચોથું ચરણ સફળતાપૂર્વક સંપન્ન
Trending Photos
મુસ્તાક દલ, જામનગર: જામનગર જિલ્લામાં આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ ૧ લાખ ૬૦ હજાર ૬૩૦ ઘન ફૂટથી વધુનો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી અભિયાનની તા. ૧૦ જૂને પૂર્ણ થયેલી આ અભિયાનની ચોથી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે...મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત સુજલામ-સુફળલામ જળ અભિયાનનું ચોથું ચરણ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.
કોરોનાના સંક્રમણ વચ્ચે જળસંપત્તિ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રએ આ કોવિડ-૧૯ની આફતને અવસરમાં બદલવાનો પડકાર ઝીલી લીધો હતો. કોવિડ-૧૯ની મહામારીના આ કપરા સમયમાં શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આંશિક નિયંત્રણોની સ્થિતિમાં પણ ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં જામનગર ખાતે ૨૬ હજાર ૨૪૬ માનવદિન રોજગારીનું નિર્માણ થયું. તદઅનુસાર, જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં ૧૦ જુન સુધીમાં ૧૦૫ કામો પૂર્ણ થયા છે.
આ અભિયાન હેઠળ આ વર્ષે જામનગરના ૨૫ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૧૮ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ અને રિપેરીંગ, ૨૩ નહેરોની મરામત/જાળવણી, ૧૨ નહેરો, ઇંટેક સ્ટ્રકચર અને કાંસની સફાઇ કરવામાં આવી આ ઉપરાંત અન્ય જળાશયના ડિસ્ટિલીંગ, અનુશ્રવણ તળાવ રીપેરીંગ, કંટુરટ્રેન્ચ વગેરે કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ૮૫૬ એક્સ્કેવેટર/જે.સી.બી. મશીન અને ૨૪૯૧ ટ્રેક્ટર/ ડમ્પરને મળીને કુલ ૩,૩૪૭ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના તંત્ર માટે પડકાર રૂપ હતી, કેમ કે કોવિડ-૧૯ની મહામારી વચ્ચે આંશિક નિયંત્રણોની સ્થિતિમાં અનેક પડકારોની વચ્ચે આ અભિયાનને આગળ વધારવાનું હતું. આ સ્થિતિમાં રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.
જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે. જનસહયોગ થકી કોરોના મહામારીના આ કપરા કાળમાં પણ આ અભિયાનને અપ્રતિમ સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે