ગુજરાત દંગલ: સિદ્ધપુર બેઠક માટે જયનારાયણ વ્યાસ અને ચંદન ઠાકોર વચ્ચે જંગ
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કે જેઓ 2012ની વિધાનસભા ચૂંટણી હાર્યા બાદથી પાર્ટીમાં સાઈડ લાઈન હતાં, તેમણે હવે જોરદાર વાપસી કરી છે.
Trending Photos
અમદાવાદ: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કે જેઓ 2012ની વિધાનસભા ચૂંટણી હાર્યા બાદથી પાર્ટીમાં સાઈડ લાઈન હતાં, તેમણે હવે જોરદાર વાપસી કરી છે. પાર્ટીએ તેમને સિદ્ધપુરથી ઉમેદવાર બનાવ્યાં છે. તેઓ ચારવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1990માં તેમણે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ 1995, 1998 અને 2007ની ચૂંટણીમાં પણ જીત મેળવીને વિધાનસભા પહોંચ્યા હતાં. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં પરંતુ 2012માં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત સાથેના જંગમાં તેઓ ચૂંટણી હારી ગયાં.
2012ની ચૂંટણી હાર્યા બાદ પાર્ટીએ તેમનું કદ નાનુ કરી નાખ્યું હતું અને સોશિયલ મીડિયામાં ઓછા નજરે ચડતા હતાં. પરંતુ બળવંતસિંહ રાજપૂત ભાજપમાં સામેલ થઈ જતા અને ભાજપ ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડ્યા બાદ તેમણે જોરદાર વાપસી કરી. પાર્ટીએ ફરી એકવાર તેમના પર ભરોસો જતાવતા સિદ્ધપુરથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ બાજુ બળવંતસિંહ રાજપૂત રાજ્યસભા ચૂંટણી હારી ગયાં. પાર્ટીએ તેમને ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવ્યાં છે.
આ બાજુ, કોંગ્રેસે ચંદન ઠાકોરને જયનારાયણ વ્યાસ સામે મેદાનમાં ઉતાર્યા છે. ઠાકોર મતદારોની સંખ્યાને ધ્યાનમાં લેતા કોંગ્રેસે ચંદન ઠાકોરને ટિકિટ થમાવી છે. આ અગાઉ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી અટકળો હતી. જો કે હવે તેઓ રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. પાટીદાર સમુદાય ભાજપથી નારાજ છે. આવામાં જયનારાયણ વ્યાસનો રસ્તો કાંટાળો જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે