ગોંડલની એક મહિલાએ પોતાના ખર્ચે બનાવી જોબ એપ્લિકેશન, અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ લીધો લાભ

ગોંડલમાં એક મહિલા દ્વારા રૂ.5 લાખના સ્વખર્ચે નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. તેજલબેન સોનૈયાએ પતિ અને પરિવારના સહયોગથી ફ્રેશમેન્ટ એપ્લિકેશન બનાવી છે. 
 

ગોંડલની એક મહિલાએ પોતાના ખર્ચે બનાવી જોબ એપ્લિકેશન, અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ લીધો લાભ

જયેશ ભોજાણી, ગોંડલઃ શું આપ શિક્ષિત અને બેરોજગાર છો તો હવે તમારે મુંજાવાની જરૂર નથી કેમ કે આજની મહિલાએ શું કરી શકે તેનું સુંદર ઉદાહરણ અહીં પૂરું પડ્યું છે. નારી તું નારાયણીની યુક્તિને સાર્થક કરતી આ મહિલા છે તેજલ સોનૈયા. અને મહિલાઓ કંઈ પણ બોલ્યા વિના સમાજમાં નિશ્ચિતપણે પોતાનું યોગદાન આપે છે. ત્યારે ગોંડલમાં એક મહિલા દ્વારા રૂ.5 લાખના સ્વખર્ચે નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. તેજલબેન સોનૈયાએ પતિ અને પરિવારના સહયોગથી ફ્રેશમેન્ટ એપ્લિકેશન બનાવી છે. જેમાં એક પણ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ભર્યા વગર ભારતભરના 3 હજારથી વધુ લોકોએ ઘર બેઠા નોકરી મેળવી છે. જયારે 12 હજારથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે.

મહિનાની મહેનત આજે રંગ લાવી
તેજલબેન સોનૈયાએ જણાવ્યું હતું કે, બેરોજગાર યુવાનોને નોકરી વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તેમજ સરકારી ભરતી વિશે જાણી શકે તે માટે તેઓ એ નોકરી ફ્રેશમેન્ટ નામની મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. M.Com અને CA Inter સુધી અભ્યાસ કરેલા તેજલબેને આ એપ્લિકેશન બનાવવાનો વિચાર અમને લોકડાઉનમાં આવ્યો હતો. જેમાં મને મારા પતિ મહેશ સોનૈયા અને દિયર મયુર સોનૈયાનો સહયોગ પણ મળ્યો હતો. ત્યારબાદ રૂ. 5 લાખ જેવી માતબર રકમ નો ખર્ચ કરીને 6 મહિનાની મહેનતના અંતે અમે આ એપ્લિકેશન બનાવી હતી.

ફ્રેશમેન્ટ એપ્લિકેશન હવે આંગળીના ટેરવે...
તેજલબેન સોનૈયાએ જણાવ્યું હતું કે, આ એપ્લિકેશનથી બેરોજગાર યુવાનો આંગળીના ટેરવે તમામ પ્રકારની માહિતી મેળવી શકશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મેળવી શકશે. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ આ સૂત્રને ધ્યાનમાં રાખી યુવાનો આંગળીના ટેરવે પોતાના મોબાઇલમાં જ નોકરી મેળવી શકે તેવા ઉમદા હેતુથી ફ્રેશમેન્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે, એપ્લિકેશન બનાવનાર તેજલ સોનૈયા દ્વારા એકપણ રૂપિયાનું કમિશન લેવામાં આવતું નથી.

કઈ રીતે ફ્રેશમેન્ટ એપ્લિકેશન કામ કરે છે
એપ્લિકેશનની કામગીરી અંગે તેજલબેનના દિયર મયુર સૌનૈયાએ જણાવ્યું હતું કે, આ એપ પર રોજગાર વાંચ્છુક યુવક/યુવતીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરી જરૂરી ડેટા અપલોડ કરી શકશે અને કેવા પ્રકારની નોકરી મેળવવા માંગે છે. તે તમામ વિગતો ઘર બેઠા ઉદ્યોગકારોને આપી શકશે. જે આધારે ઉદ્યોગકારો પણ પોતાની ઓફિસમાં બેઠા-બેઠા જ પોતાની જરૂરિયાત મુજબનો સ્ટાફ સિલેક્ટ કરી તેમને નોકરી પ્રદાન કરી શકશે. આ ઉપરાંત એન્જિનિયરીંગ, MBA અને MCAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવક/યુવતીઓને નોકરી અંગે માહિતી મળી રહે છે.

અન્ય જનરલ નોલેજની માહિતી પ્રાપ્ત થાય છે
આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષિત યુવાનો પોતાના મોબાઈલમાં આંગળીના ટેરવે તમામ પ્રકારની નોકરી તથા રોજગારની માહિતી મેળવી શકશે. જેમાં GPSC, વન ટુ થ્રી, PI, બિન સચિવાલય સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ઉપયોગી પુસ્તક, અભ્યાસક્રમલક્ષી નહિ પણ પૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે. દરરોજ દુનિયાભરના અવનવા તથ્યો, કરંટ અફેર્સ, રોચક તથ્યો તથા જનરલ નોલેજની માહિતી વિનામૂલ્યે મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આજે આ એપ્લિકેશનના માધ્યમથી ઘણા યુવાનો દેશભરમાં નોકરીઓ મેળવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news