કાંકરિયા રાઈડ અકસ્માત : 3નો ભોગ લેવાયા બાદ 5 લોકો સામે ગુનો નોંધાયો
અમદાવાદમાં ફરી એકવાર મોતની રાઈડે હાહાકાર મચાવી દીધો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો વાઈરલ થતા લોકોમાં અરેરાટી ફેલાઈ રહી છે. ત્યારે કાંકરિયામાં રાઈડ તૂટી પડવાનો મામલામાં મણિનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. IPC કલમ 304 , 114 હેઠળ આ મામલામાં ફરિયાદ નોંધાઈ છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર મોતની રાઈડે હાહાકાર મચાવી દીધો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો વાઈરલ થતા લોકોમાં અરેરાટી ફેલાઈ રહી છે. ત્યારે કાંકરિયામાં રાઈડ તૂટી પડવાનો મામલામાં મણિનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. IPC કલમ 304 , 114 હેઠળ આ મામલામાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ બાદ સીધી બેદરકારી સામે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એડવેન્ચર પાર્કના સંચાલક માલિકની પોલીસે ગઈકાલે સાંજે બનાવ બાદ અટકાયત કરી હતી.
કાંકરિયામાં રાઈડ અકસ્માતમાં સંચાલક, મેનેજર, બે ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નોંધાયો છે. જેમાં ઘનશ્યામ કાનજી પટેલ, ભાવેશ ઘનશ્યામ પટેલ, તુષાર મધુકાત ચોક્સી, યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી , મનીષ સતીષ વાઘેલા સામે ગુનો નોંધાયો છે.
બેદરકારીના મોટા દાખલા સમાન આ ઘટનામાં ત્રણના મોત થઈ ગયાં. અમદાવાદના કાંકરિયા સ્થિત બાલવાટિકા નજીક ડિસ્કવરી નામની રાઈડમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સવાર 31 લોકો પૈકી ત્રણના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય 28ને સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ગોળ સીટમાં બેસેલા લોકોને આ રાઈડ ઉપર લઈ જઈને પછી ઝૂલાને જેમ ઝૂલાવતી હતી. પણ અચાનક આ રાઈડના 40 ટનના કેબલ પૈકીના એક કેબલમાં કોઈ ખામી સર્જાતા ગોળાકાર ઝુલો પહેલાં એક સાઈડના એંગલ સાથે પટકાયો હતો. એ સમયે જ આ રાઈડમાં બેસેલી એક વ્યક્તિ નીચે પટકાઈ હતી. બાદમાં તરત જ રાઈડ પણ નીચે પટકાઈ હતી. જેમાં બે
વ્યક્તિના સ્થળ પર જ મોત થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે તેમને હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ રાઈડ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ ચલાવતુ હતું. જેના માલિક ઘનશ્યામ પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. તો બીજી તરફ એફએસએલની ટીમ પણ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને કયા સંજોગોમાં દુર્ઘટના સર્જાઈ તેની તપાસ હાથ ધરી છે. જેનો જલદીથી રિપોર્ટ સામે આવશે. આ તરફ વિપક્ષ કોંગ્રેસે આ દુર્ઘટના થવા પાછળ તંત્રની ઘોર બેદરકારીને જવાબદાર ગણાવી છે. સવાલ એ છે કે આ રાઈડ આ રીતે તૂટી જવા પાછળ જવાબદાર કોણ? કોની બેદરકારીને કારણે ત્રણ ત્રણ જીંદગી હોમાઈ ગઈ?
હવે જ્યારે રજાઓનો સમય આવી રહ્યો છે..તહેવારોનો સમય આવી રહ્યો છે અને મેળાનું આયોજન ઠેકઠેકાણે થશે ત્યારે તેમાં રાઈડ પણ હશે. આ ઘટના બાદ તંત્ર જાગે અને આળસ મરડે તે જરૂરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે